લગ્ન અને લગ્ન વિચ્છેદ

0
198

( તારકભાઇ દિવેટીઆ-વડોદરા)

હમણાં આજકાલ તો લગ્નોની મોસમ છલકાવા માંડી છે. પ્રત્યેક નવું વર્ષ શરૂ થાય કે તરતજ વર્તમાનપત્રોમાં જયોતિષીઓના વર્તારા આવે કે આ વર્ષે લગ્નોના મૂહર્ત ઓછાં છે. પણ કોણ જાણે કેમ કયાંયી લગ્નો તો અઢળક નીકળી જ પડે છે. ઓફિસેથી ઘરે જઇએ ત્યારે એકાદ બે કંકોતરી પડી જ હોય. કંકોતરીમાં પણ આજકાલ વૈવિધ્ય જોવા મળે છે. કંકોતરી જેટલી આકર્ષક એટલું એ કુટુંબ કેવું ધનવાન હશે અને એમનો સમાજમાં કેવોક પ્રભાવ હશે તેનો ખ્યાલ આવે વળી કેટલાક દેખાદેખીમાં, ચડસાચડસીમાં પણ મોંઘા મોંઘા આમંત્રણ કાર્ડસ છપાવે છે. પ્રત્યેક કંકોતરીમાં એના લખાણ જોવાનો પણ આનંદ આવે. હમણાં બે દિવસ પહેલાં જ એક કંકોતરી આવી, ખૂબ સાદી જ હતી પરંતુ એમાં એક તરફ સપ્તપદીની સાત પ્રતિજ્ઞા સંસ્કૃતમાં અને તેનું માતૃભાષામાં થયેલો અનુવાદ હતો. વાહ એક એક ફેરે લેવાતી આ પ્રતિજ્ઞામાં કેવી સુંદર કલ્પના અને ભાવના સમાયેલી છે..! આનંદ થયો. આ પ્રતિજ્ઞાનું પાલન લગ્નજીવનમાં થાય તો ખરેખર એક આદર્શ દામપત્ય જીવન કહી શકાય. જોકે આ કાંઇ અશકય તો નથી જ, અધરું છે. ખરું.
પોતે અને પત્ની બંનેમાંથી એકયને અહમ ન હોવો જોઇએ. જતું કરવાનો, લેટ ગો કરવાનો સ્વભાવ તો કેળવોજ પડે. ચર્ચાસ્પદ મુદ્દા ઊભા થાય ત્યારે બંનેમાંથી એકપક્ષે મૌન રાખવું એજ હિતાવહ છે કારણ મૌન પણ એક ભાષા છે. પરસ્પરની આદતો, ટેવોને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. પતિ પત્ની ના હદયમાં પરસ્પર પ્રત્યે સંપૂર્ણ વિશ્ર્વાસની ભાવના કેળવવી જ પડે. શંકા આશંકા ને સ્થાનજ ન અપાય. દામપત્ય જીવનમાં પારદર્શકતા હોવી જરૂરી છે. જેમ વાહન ચલાવતી વખતે રસ્તા પરના ખાડા ટેકરાનું ધ્યાન રાખવું પડે એમ દામ્પત્યજીવનના રસ્તા પર જીવન પસાર કરતી વખતે ચોક્કસ રીતે ધ્યાન રાખવું જ રહ્યું. તોજ લગ્ન જીવનની મજા માણી શકાય, આનંદ લઇ શકાય. પતિ કે પત્ની બંનેમાંથી એકય કાચા કાનના ન હોવા જોઇએ કારણ એજ કે સુખી લગ્ન જીવનને જોઇ ઇર્ષા અદેખાઇથી બળનાર અનેક હોય છે.
ગયા વર્ષે પણ અનેક લગ્નોમાં હાજરી આપવાનું થયું. સત્કાર સમારંભમાં નવ દંપતિને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા અને આશિર્વચનો આપતાં જોઇને આનંદ અને સંતોષની લાગણી અનુભવી કોઇનું પણ લગ્નજીવન સુખમય અને આનંદમય પસાર થાય એ તો ઉત્કૃષ્ટ ગણી શકાય. પરંતુ જયારે એમાં તિરાડ પડવાની શરૂઆત થાય ત્યારે તાત્કાલિક એનું સમારકામ જરૂરી છે. જેથી દામપતનજીવની ઉભી કરેલી સુંદર ઇમારત ધરાશયી ના થાય. કદીક ક્ષણભરના આવેગમાં આવી પરસ્પરને ગુસ્સામાં કાંઇ કહેવાયું હોય ત્યારે શાંત ચિતેવિચાર કરી દિલગીરી હદયપૂર્વક વ્યકત કરવી એજ સંસ્કારી દંપતિની ફરજ બને છે. કેટલીકવાર ત્રાહિત વ્યકિતની દરમિયાનગીરી અથવા તો ફેમીલી કોર્ટની સૂચન મૂજબ સમાધાન કરવાના પ્રયત્ન થાય છે. એ પણ સમાજમાં જોવા મળે છે. સમાધાન થાય એ તો આવકાર્ય છે પરંતુ પસ્તાવારૂપી ઝરણું અંતરના ઊંડાણથી પ્રગટ થાય અને પોતાની ભૂલ સમજાય એજ ખરેખર સાચું બાકી કેવળ ખોટી લાગણીથી સમાધાન થાય એ તો સડી ગયેલા ફર્નીચર પર સનમાઇકા લગાડવા જેવું જ કહેવાય.
ખેર, કોણ જાણે કેમ પણ આજકાલ આપણા સમાજમાં લગ્નવિચ્છેદના કિસ્સા વધતા હોય એવું સાંભળવા મળે છે. આ લગ્ન વિચ્છેદના કારણોમાં ઊંડા ઉતરીએ તો પ્રત્યેક કેસમાં કાંઇક નવું અને આશ્ર્ચર્ય પમાડે તેવું જ જોવા મળે. હમણાં જ જાણવા મળ્યું કે એક અદભૂત કહી શકાય તેવુું બન્યું કે એક યુવતીએ દસેક વર્ષના સમયગાળામાં ત્રણ વખત લગ્ન કર્યા. અને ત્રણ વખત એના છૂટાછેડા થયા અને ત્રણેય વખત પ્રત્યેક પતિ પાસેથી સારી એવી માતબર રકમ મેળવી. બીજી એક એમ.બી.એ. થયેલી યુવતીએ લગ્નગ્રંથિથી જોડાઇને અમેરિકા પહોંચી એણે માત્ર એક માસના લગ્નજીવનમાં એવું તે શું થયું કે રૂ. 25 લાખની રકમ લઇ છૂટાછેડા લીધા વળી એક યુવતી સાત આઠ વર્ષ પછી ઘણું બધું લઇને પિયર ગઇ અને રૂ. પ0 લાખની માંગણી કરી છૂટાછેડાની માંગણી કરી. આવું બધું જયારે કર્ણોપકર્ણ સંભળાય છે ત્યારે થાય છે કે કયાં ગઇ એ સપ્તપદિની પ્રતિજ્ઞા…?
સાસુ સસરાએ કાંઇક કહ્યું, પતિ દ્વારા સંતોષ નથી, સસરા પર આક્ષેપ, સાસુ સસરા દ્વારા અંગતજીવનમાં પહોંચાડાતી દખલ.. આવા તો કાંઇક કાંઇક જાતના આક્ષેપ-પ્રતિઆક્ષેપ જે કાંઇ સાચું ખોટું હોય પરંતુ લગ્નજીવન તૂટયાં એ હકીકત છે.લગ્નજીવનની કેવી સુંદર કલ્પના, કેવા સુંદર સ્વપ્નો આ બધું સાકાર ના થાય અને દામપત્નજીવન તૂટે અને બધું જ છીન્નભિન્ન થાય ત્યારે..! લાગે છે કે બંને પક્ષે સહનશકિતની જાણે હદ આવી ગઇ છે. કોઇનામાંય સહનશકિત નથી.
આથી જ વિવાહ અને લગ્ન વચ્ચેના ગાળામાં યુવક યુવતી પરસ્પરને સારી રીતે સમજે, પરસ્પરના વિચારો નિખાલસપણે જણાવે અને આ ગાળામાં સંપૂર્ણપણે પરસ્પરમાં પારદર્શકતા જળવાય એ જ અગત્યનું છે. બને એટલું સ્પષ્ટ રહી પરસ્પરને વાત થાય એ બંને માટે આવકાર્ય છે.હિતાવહ છે. મને એક કિસ્સો યાદ આવે છે. યુવક યુવતી બંને મેડિકલના સ્ટુડન્ટ હતા. પરિચય, મૈત્રી અને પ્રેમ.. ચાર પાંચ વર્ષની મૈત્રીથી ખૂબ સંતોષ હતો. કુટુંબને પણ વિશ્ર્વાસ હતો કે બંને જણને ડિગ્રી પ્રાપ્ત થાય પછી લગ્ન તો થશે જ. બંને જણ સારી રીતે ઉતીર્ણ થયા. એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પરંતુ જયારે લગ્નની વાત થઇ ત્યારે પરસ્પરને લાગ્યું કે આપણે મિત્રો તરીકે સારાં છીએ. પરંતુ પતિ પત્નિ તરીકે સાથે નહિં રહી શકીએ. આજે પણ તેઓ સારા મિત્રો છે

બંને જણાએ લગ્ન પણ કર્યા અને બંને જણા તેમની રીતે સુખી છે.
કેટલાક લોકોનું માનવું છે કે બંને પક્ષ સમજૂતિથી છૂટાં પડતા હોય ત્યારે જેમ લગ્ન વખતે લગ્નોત્સવ ઉજવાય છે તેમ લગ્નવિચ્છેદોત્સવ પણ ઉજવવો જોઇએ. આજે ક્ધયા શિક્ષણ ખૂબ વધ્યું છે. મહિલાઓ અનેક શ્રેત્રોમાં આગળ પડતી જણાય છે. સારી નોકરી કે વ્યવસાય ક્ષેત્રે પ્રગતિના પંથે મહિલાઓ આગળ વધે એ તો આપણા સમાજની ગતિશીલતાનો પુરાવો છે. જો કે એક પવન એવો પણ ફૂંકાતો જોવા મળે છે કે મહિલાઓને બંધન જોઇતું નથી. અને તેથી જ લગ્ન કર્યા વિના અકેલા રહેવાનં પસંદ કરે છે. જેથી સંસારની કોઇ જવાબદારી નહિં. અને નહીં કોઇની રોકટોક. આ વિચારસરણી સારી છે. પરંતુ શારિરીક અને માનસિક રીતે સક્ષમ હોય તો ચોક્કસ એકલા રહી જીવન પસાર થઇ શકે અને આ પ્રકારના ઉદાહરણ સમાજમાં આજકાલ જોવા મળે છે પણ ખરા.. આજે મહિલા સશકિતકરણના સમયમાં જયારે મહિલાઓમાં હિંમત અને આત્મવિશ્ર્વાસ કેળવાય તે જરૂર થી તેઓ એકલા રહી જીવન પસાર કરી શકે તેમાં કાંઇ અજુગતું નથી. એમણે પોતાનું રક્ષણ પોતાની રીતે જ કરવું પડે એટલું ધ્યાન રાખવું રહ્યું.

– તારકભાઇ દિવેટીઆ
વિકાસ જયોત ટ્રસ્ટ,નાગરવાડા ચાર રસ્તા
ભરત ફલોર મીલ પાછળ, વડોદરા-1 મો. 98983 74510

NO COMMENTS