લગ્ન પહેલાં જન્મકુંલીનું મહત્વ

0
514

જન્મકુંડળીના પ્રથમ સ્થાનનો માલિક ગ્રહ સાતમા (દામ્પત્યજીવન) સ્થાનમાં શુભ ગ્રહોની યુતિમાં હોય તો જીવનસાથી સુખી, સંસ્કારી કુટુંબની મળે પણ જો પ્રથમ સ્થાન (લગ્ન)નો અધિપતિ ગ્રહ સાતમને ક્રૂર ગ્રહોની યુતિમાં હોય તો પતિ અગર પત્ની અતિ કજિયાખોર અને અસંસ્કારી ખાનદાનની મળે. આ ઉપરાંત…
કુંડળી મેળાપકમાં એક મુદ્દો ગણનો આવે છે. આ ગણ એટલે દેવ-માનવ અને રાક્ષસ ગણ. આ ગણના આધારે દામ્પત્યજીવનની ગુણવત્તા નક્કી થાય છે. જેમ કે એક જણનો માનવ ગણ હોય અને બીજાનો રાક્ષસ ગણ હોય તો એવું કહેવાય છે કે જેનો ગણ રાક્ષસ હોય તે માનવ ગણને ખાઇ જાય કે ભરખી જાય. માનવ અને દેવ ગણ હોય તો ચાલે. પણ લગ્નજીવનની વાત આવે એટલે બધાનો ગણ આપોઆપ રાક્ષસ થઇ જ જાય છે, કારણ કે લગ્ન બાદ સ્ત્રી હોય કે પુરુષ બંનેના ઝઘડા એવી જંગલિયત પર ઊતરી આવે છે કે રાક્ષસો પણ શરમાઇ જાય. લગ્નજીવનને માણવા ગણ નહીં પણ બે જણની (બે વ્યક્તિની) જરૂર હોય છે. લગ્નજીવનની દરેક ક્ષણમાં માત્ર અને માત્ર બે જણ જ હોય છે, પણ આ બંને જણ આવેલી ક્ષણને માણવાની ક્ષમતા જ ના ધરાવતા હોય તો મેળાપકના ગુણ ગમે તેટલા મળતા હોય પણ દામ્પત્યજીવન નગુણ અને અવગુણના વમળમાં ડૂબી જાય છે.
લગ્નજીવનની પ્રસન્નતામાં પ્રથમ-પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત છે તંદુરસ્ત જાતિય જીવન. કુંડળી મેળાપક સમયે આ અતિ મહત્ત્વના મુદ્દા તરફ જ્યોતિષીઓનું ધ્યાન કેમ જતું નહીં હોય તે ભગવાન જાણે પણ લગ્ન પછીનો પ્રથમ ભગવાન એટલે જાતિય સુખની પ્રાથમિકતા અને તે પણ તેની શ્રેષ્ઠતાની ચરમસીમા સાથે તે વાત આપણે જાગૃત કે અજાગૃત મન સાથે સ્વીકારવી જોઇએ. કુંડળીમાં જાતિયસુખના ગ્રહો ન હોય તો લગ્નજીવનનું સુખ આપોઆપ અતૃપ્તિ અને છૂટાછેડાના કુંડાળામાં ફસાઇ જાય છે. આવો તપાસીએ કે ક્યા ગ્રહો શ્રેષ્ઠ જાતિયસુખ બક્ષે છે અને ક્યા ગ્રહો જાતિયસુખને ભક્ષે છે ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં સૂર્ય-મંગળ અને ગુરુ પુરુષ ગ્રહો છે. શુક્ર અને ચંદ્ર સ્ત્રી ગ્રહો છે. જ્યારે શનિ અને બુધ નપુંસક છે. મંગળ અને શુક્રમાં જાતિય શક્તિનો ખજાનો છે અને બુધ-શનિ જાતિય દૃષ્ટિએ ક્ષીણ ગ્રહો છે. મંગળ મર્દની જાતિય શક્તિનો પ્રતિનિધિ છે. આથી જે પુરુષની કુંડળીમાં મંગળ બળવાન હોય તે પુરુષ કામદેવનો અવતાર સમજવો. શુક્ર સ્ત્રીની જાતિય શક્તિનો પરિચય આપે છે. જે સ્ત્રીની કુંડળીમાં શુક્ર બળવાન હોય તે લગ્નજીવનમાં જાતિય દૃષ્ટિએ પતિ માટે પરી સમાન હોય છે. પરંતુ જો કુંડળીના મંગળ સાથે બુધ શનિ કે યુરેનસ બેસે તો પુરુષની જાતિય શક્તિમાં લઘુતાગ્રંથિ પેદા થાય છે. આવો પુરુષ પોતાની કામશક્તિ પર શંકા કરે છે અને શંકા એ નિષ્ફળતાનું ઉદ્ભવસ્થાન છે. તે જ પ્રમાણે સ્ત્રીની કુંડળીમાં તેના શુક્ર સાથે જો શનિ, બુધ કે યુરેનસ બેસે તો તેની કામશક્તિમાં એક પ્રકારની ફ્રિઝીડિટી (ઉદાસીનતા) આવે છે. સૂર્ય અને ચંદ્ર કુંડળીના આત્મા અને મન છે. જો આ બંને ગ્રહો સાથે શનિ, શુક્ર, રાહુ અગર પ્લુટો કે કેતુ બેસે તો પણ જાતકનો આત્મવિશ્ર્વાસ અને મનોબળ ઘટે છે અને તેની અસર શારીરિક સુખ પર આવે છે.
લગ્ન કરતાં પહેલાં જન્મકુંડળીનું આઠમું સ્થાન ખાસ અવલોકવું જરૂરી છે. કારણ કે આઠમું સ્થાન જાતકના આયુષ્યનું અને ગુપ્તાંગ અને ગુપ્ત રોગો સાથે સંકળાયેલું છે. આઠમાં સ્થાનમાં શનિ આયુષ્ય દીર્ઘ આપે પણ એકાદ ગુપ્ત રોગની ભેટ પણ આપે જેમ કે ગોનોરિયા અને શ્ર્વેતપ્રદર જેવા રોગ આ ગ્રહની દેન છે. જો આઠમે મંગળ રાહુ હોય અને સાથે પ્લુટો હોય તો આયુષ્યમાં ઘટાડો કરે છે અને ક્યારેક વી ડી એટલે કે વેનેરીઅલ ડિસીઝ (ગુપ્ત રોગ) આપે છે. સ્ત્રીની કુંડળીમાં આઠમે શનિ મંગળ હોય તો ગર્ભાશયમાં ફાઇબ્રોડ્સ કે અલ્સર આપે છે.જો જન્મકુંડળીના સાતમા (દામ્પત્યજીવન) સ્થાનનો અધિપતિ આઠમે (આયુષ્ય-મૃત્યુ) સ્થાનમાં હોય અગર આઠમાં સ્થાનનો અધિપતિ ગ્રહ સાતમે બેઠો હોય તો લગ્નજીવન નરક સમાન બને છે. જો સાતમા સ્થાનનો અધિપતિ ગ્રહ છઠ્ઠે બેસે અગર છઠ્ઠા સ્થાનનો અધિપતિ ગ્રહ સાતમે બેસે તો લગ્નજીવનમાં ચિંતા, દુ:ખ અને છૂટાછેડા સિવાય કશું જ ના મળે એવું અમારું અવલોકન છે. આવા અસંખ્ય મુદ્દાઓ કે જેનું લગ્નજીવનમાં મહત્ત્વ છે.

NO COMMENTS