સાચું સુખ માનસિક શાંતિ

0
878

( ડો. આર.કે.ભાવસાર-અમદાવાદ)

ઓમ એટલે વેદનો પહેલો અને પવિત્ર ઉચ્ચાર, પ્રણવ, ઓમ, ઋગ્વેદમાં ઓમ્ શાંતિ : શાંતિ નું ઘણું મહત્વ છે. આપણે આ પાળીએ છીએ ખરા ? મહાન તત્ત્વચિંતક થોરો કહે છે કે, વાણી, અવાજ, પ્રાર્થના વગેરે જોર જોરથી બોલાય એ ખોટું નથી. આપણે આપણા જીવનમાં આંતરિક શાંતિ કેળવવાની છે. આપણે જીવનમાંથી ગૂંચવણો અને ગરબડો ઓછાં કરવાનાં છે. આ પછી જ આપણે કુદરતની અદ્ભુત શાંતિનો અનુભવ કરી શકીશું.
મુશ્કેલી આવે ત્યારે તેનાથી ડરીએ નહિં. ચિંતન કરીએ જેથી એમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કોઇ બાબત ઉકેલ ન મળે તો પોતાના વિચારોને પરમાત્મા સાથે જોડીએ. આથી આપણી ઊર્જા પ્રબળ બનશે. એકાંતમાં બેસી જાત સાથે જોડાઇ જવાથી મુશ્કેલીનો ઉકેલ મેળવી શકીશું.
જીવનમાં માનસિક શાંતિએ જ સાચું સુખ છે. માણસ જીવનમાં શાંતિ અને સુખ મેળવવા તલપે છે. માણસ મનના કુદરતી રીતે દરજજો જાળવે એ સુખ છે. મનના પરિબળો ઓબ્સ્ટ્રેકટ અવરોધ કરે એ શાંતિ. આપણા જીવનમાં માનસિક, આધ્યાત્મિક અને સામાજિક રીતે અશાંતિ કેવી રીતે આવે છે એ પર વિચારવાનું છે. આ પરત્વે પ્રાર્થના કે ધ્યાન જ નહિં આપણી આસપાસ બનતી ઘટનાઓ તથા લોકો પરત્વે આપણે કેવી રીતે જોઇએ છીએ એ મુદ્દો પણ અગત્યનો છે.
જીવનમં સુખનો માર્ગ સંસાર અને સમાજ તથા લોકો વચ્ચે રહીને શોધવાનો છે. આ શોધ અઘરી છે. શરીર સ્વાસ્થ્ય જાળવણી, ઇચ્છાઓ પર નિયંત્રણ કરવાનું છે. આપણે આપણા વિચારોને વિશુદ્ધ કરવાથી અને ઓછી જવાબદારી લેવાથી માનસિક શાંતિ મળે છે. જીવનમાં નૈતિક મૂલ્યોની સમજ આવે એ જરૂરી છે. આ પરત્વે વિશ્ર્વ તત્ત્વદર્શનની સમજ આપણામાં આવે અને તેના દ્વારા આગળ વધીએ, પરિણામ સારું મળશે.
હવે તો જેલમાં કેદીઓ માટે ધ્યાન અને વિપશ્યનાના વર્ગો શરૂ કરવામાં આવે છે. ધ્યાનથી મન હકારાત્મક બને છે અને શુદ્ધ મનથી માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ બને છે. સાવ સામાન્ય માણસે પણ ધ્યાન કરવું જોઇએ. આથી અંતરના ઊંડાણથી દિવ્યતા જાગ્રત થાય છે.અને દિવ્ય શકિતઓ પ્રાપ્ત થાય છે. મહાન વૈજ્ઞાનિકોએ જે મહાન સિધ્ધાંતો એ એમણે ધ્યાનાવસ્થામાં જ શોધ્યા હતા.
કવિવર રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પુરસ્કાર મળેલ. એમનાં ગીતાંજલીનાં ગીતો ધ્યાનાવસ્થામાં પ્રગટેલ. મહાન સાહિત્યકારો તથા સાધકોને ઊંડા ધ્યાન દ્વારા મહાન સર્જનની પ્રેરણા લબ્ધ થાય છે. ધ્યાન ગુંડાઓ, લૂંટારાઓને પરિવર્તિત કરે છે. અને એટલે તો જેલમાં ધ્યાન અને વિપશ્યનાના વર્ગો શરૂ કરવામાં આવે છે. એમની લડાયક હિંસક વૃતિઓ શમે છે. વાલ્મીકિ લૂંટારા હતા. એમનામાં પરિવત4ન થયું એમણે રામાયણની રચના કરી.
ધ્યાન દ્વારા મન હકારાત્મક બને છે. મન શુદ્ધ બને છે. આથી માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે. ધ્યાન દ્વારા મન પોતાની પ્રકૃતિ પર વિજય લબ્ધેછે. મન આત્માની સંકલ્પશકિતનું નામ છે. સાગરની લહેરોની જેમ મનમાં સંકલ્પો ઊઠતા રહે છે. મનુષ્ય જીવે ત્યાં સુધી આ બને છે. હદયને નીરોગી રાખવા સંકલ્પો હળવા કરીએ, ફાલતું ન વિચારીએ.
મનની શાંતિ આપણા ગળાનો હાર છે. એને બહાર શોધવાનો નથી.કેવળ અંતર્મુખી બનીએ તો શાંતિ જ શાંતિ.. પવિત્રતા શાંતિની જનની છે. મીરાંના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી છતાં એના ચિત્તમાં અશાંતિ ન થઇ.
મન તો જયોતિસ્વરૂપ છે.એના સ્વરૂપને જાણવાથી આત્મસાક્ષાત્કાસ થાય છે.
મન બીજાના ખેતરમાં ચોરીછૂપીથીઘાસ ચરનારી ગાય જેવું છે.એને અંદરના આનંદની ખબર પડે તચો તે બહાર ભટકશે નહિં.
જીવનનો રેડિયો બેસૂરો વાગતો હોય તો સંક કે ગુરુ મળી એ રિપેર થઇ જાય છે. અને એ સૂરીલો વાગવા લાગે છે. યુવાવસ્થામાં રેડિયો મધુર સૂર રેલાવે જેથી જીવન સંગીતમય અને સુખમય બની જાય.
જીવનમાં સંતોષથી જ શાંતિ મેળવી શકાય છે.નિરંકુશ ઇચ્છાઓ અવસાદના રોગી બનાવે છે. સંતોષી જીવ સદા સુખી. જીવનમાં લેટ ગો ની ટેવ પાડીએ. ધીરજ એ તો સંતોષની ચાવી છે. બીજાને દુભાવીએ નહિં.
મનની છાબને ખાલી ન રાખવા એમાં ગમે તે ન ભરીએ મનથી પ્રભુને સ્મરીએ અને જિહ્ વાથી કીર્તન કરીએ. અધ્યાત્મ શરીરનો નહિં પણ મનનો વિષય છે. આપણે માળા લઇને બેસીએ છીએ પણ મન તો કયાં કયાં ભાગે છે ! મન રૂપી બાળક ઘણી વાર રડે છે ! એ બ્રહ્મરસાયણ રૂપી દૂધ પીવા માટે ઝંખતું હોય છે. ઘણી મુસાફરી ખેડી માનવનગરમાં આવ્યા છીએ તો આત્મપદની ચિંતા કરીએ. મન ભજનમાં પરોવીએ. ઇમાનદારીથી જીવીએ એ ભજન છે.જીવનના હર ડગ પર ભજન છે. હરિનામ લઇ મનને આનંદમાં રાખીએ આનંદ રૂપી સૂરજ મોહને ભટકાવશે.
ગંગાસતી પાનબાઇને મન મક્કમ રાખવા કહે છે :
મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે,
મરને ભાંગી પડે ભરમાંડ (બ્રહ્માંડ) રે,
સત્સંગવાટિકામાં જવાથી મન પ્રસન્ન રહેશે. સત્સંગની વાટિકામાં ટહલી સારા કામમાં મનની એકાગ્રતા વધારવાથી એ સફળ થશે. અને આપણું મન ખુશી અને આનંદથી ઝૂમી ઉઠશે. આત્માની મસ્તીમાં ડૂબી જઇશું તો જીવનમાં કોઇ ફરિયાદ રહેશે નહિં. જીવનમાં ભગવાનની લીલારૂપ દ્રષ્ટિએ મનને જીતીશું તો જિંદગી જિવાશે.
મહાન કવિ ગેટે કહે છે :
કોઇ વ્યકિત તેના મન પર કાબૂ મેળવી લે તો સમજી લો કે તેને સફળતા મળી ગઇ.
પરમાત્માંથી તો કેવળ સુખની ગંગા વહે છે. પણ દુ:ખ એ તો માનવીનું સર્જન છે. જીવનમાં મનરૂપી અરીસો ધૂળવાળો ન રાખીએ. મનના સ્વચ્છ અરીસા વડે હરિસ્મરણ કરીએ. જીવનને ભાવનાના દરિયામાં ડુબાડી દઇએ.
મહાન ગ્રીક ફિલસૂફ સોક્રેટિસ રોજ ઇશ્ર્વરને પ્રાર્થના કરતા :
( હે પ્રભુ ! મારા મન અને હદયને સુંદર બનાવ. ) કેવી મહાન
પ્રાર્થના ! પ્રાર્થના દ્વારા જીવન તણો માર્ગ મંગલગામી બની રહે છે.
શેકસપિયર કહે છે : મનની પોતાની શકિત છે. તે સ્વર્ગને નરક બનાવી શકે છે. તથા નર્કને સ્વર્ગ બનાવી શકે છે. મનની શકિત દ્વારા જીવનરૂપી અયોધ્યાને સ્વર્ગ બનાવીએ.
મન બદલશો તો જગત આખું બદલાઇ જશે.
મનને જીતનારો આખા જગત પર વિજય મેળવે છે. અગાધ સમુદ્ર જેવું મન ઊંડુ છે. એ સેવાયજ્ઞથી સ્વચ્છ બને છે.
પ્રેમથી જીવતરને મઢીએ અને પરમાત્મામય બની જીવનમાં આનંદ અને સુખના છોડવાઓ લહેરાવીએ.
– ડો. આર.કે.ભાવસાર
જે-1 નિગમ એપાર્ટમેન્ટ
ભાવસાર હોસ્ટેલ પાસે
નવા વાડજ,અમદાવાદ

NO COMMENTS