ઘર એક લાયબ્રેરી : 75 હજાર કરતા પણ વધારે પુસ્તકો વસાવનાર રાહબર

0
39
75000 books at home by vruj patel
75000 books at home by vruj patel

( વંદિતા દવે-રાજયગુરુ ધોરાજી )

પોતાના ઘરમાં આશરે 50 લાખના 75 હજાર કરતા પણ વધારે પુસ્તકો વસાવનાર રાહબર : વ્રજ પટેલ

મોટાભાગના ગુજરાતી વિદ્યાર્થીઓના મનમાં એ ગ્રંથિ ઘર કરી ગઇ છે કે, સિવિલ સર્વિસની આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની પરીક્ષા આપવી એ તેમના ગજા બહારની બાબત છે. હકીકતમાં એવું નથી. આ પરીક્ષાનો અભ્યાસક્રમ વિસ્તૃત છે. અને તેને પૂરો કરવા માટે એક બે વર્ષ અગાઉથી જ જો પૂર્વતૈયારીનો પ્રારંભ કરી દીધો હોય તો મુશ્કેલી ન પડે. ‘ સ્લો એન્ડ સ્ટેડી વિન ધ રેસ’ એક વખત પરીક્ષા ના બધા વિષયોની વ્યવસ્થિત તૈયારી થઇ જાય અને જેમ સંપૂર્ણ ભરેલો ઘડો અવાજ કરતો નથી તેવી જ રીતે ઉમેદવારોની બધી જ સમસ્યાની શંકાનું સમાધાન થઇ જાય છે. આ શબ્દો છે મૂળ કાઠિયાવાડી અને હાલ મુંબઇના રહેવાસી વ્રજ પટેલના તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભાવિ કલેકટરો, કમિશ્નરો, પોલીસ અધિકારીઓના રાહબર બની રહ્યાં છે. વ્યવસાયે સેન્ટ્રલ એકસાઇઝમાં કસ્ટમ ઓફિસર એવા વ્રજ પટેલ આઇ.એ.એસ., આઇ.પી.એસ., કસ્ટમ કમિશ્નર, ઇન્કમટેકસ કમિશ્નર જેવા ઉચ્ચ અધિકારીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છતા નવયુવાન યુવતીઓ માટે પોતાના મુંબઇ દાદર સ્થિત નિવાસસ્થાને એક વિશિષ્ટ લાયબ્રેરી વિકસાવી છે. આ લાયબ્રેરી માત્ર એક ઓરડાના બે કે ત્રણ કબાટ પૂરતી સિમિત નથી, પણ આ વિશિષ્ટ લાયબ્રેરી માટે એમણે પોતાના નિવાસના પાંચ પાંચ ઓરડાઓ ફાળવ્યા છે !
આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવી પરીક્ષાઓ 18 ભારતીય અને 7 વિદેશી મળીને જે 25 ભાષામાં આપી શકાય છે, તે તમામ ભાષાના બધા જ વિષયોના પુસ્તકો એમના પુસ્તકાલયમાં હાજર છે. આ ઉપરાંત મેડિકલ, એન્જિનિયરિંગ, એમ.બી.એ. જીએમએટી, જીઆરઇ, આઇઆઇટી જેવી પરીક્ષાઓના પુસ્તકોથી માંડીને ત્રણ ભાષામાં વેદ, બધા જ ઉપનિષદો વગેરે જેવા અનેક પુસ્તકો, ગ્રંથો એમની લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે. અને હા, અહીં ફકત લાયબ્રેરી જ નથી, પણ તમામ વિષયોમાં સ્ટુડન્ટસને માર્ગદર્શન પણ પુરું પાડવામાં આવે છે ! ટૂંકમાં અલભ્યથી માંડીને સામાન્ય પુસ્તકો, સસ્તાથી માંડીને મોંઘા પુસ્તકો, વિદ્યાલક્ષી પરીક્ષાલક્ષીથી માંડીને વાંચનનો રસથાળ પીરસતા પુસ્તકો એમ આશરે પંચોતેર હજાર જેટલા પુસ્તકો એમની આ લાયબ્રેરીમાં છે, જેની કિંમત આશરે પચાલ લાખ જેટલી હશે. દેશભરમાંથી મુંબઇમાં આવતા સ્ટુડન્ટસ એમની લાયબ્રેરીનો સદઉપયોગ કરે છે.
રાજકોટ જિલ્લાના જેતપુરના પાદરમાં આવેલા નવાગઢ નામના નાનકડા ગામના મૂળ વતની એવા વ્રજલાલ પુંજાભાઇ પટેલ જેતપુરની કમરીબાઇ વિદ્યાલયમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા બાદ મુંબઇ ગયા. ત્યાં વિલ્સન કોલેજમાં બી.એસ.સી. કર્યું બાદ સંસ્કૃતિ વિષય સાથે એમ.એ. કર્યું. પહેલેથી જ એમને વાંચવાનો અને સંસ્કૃત ગુજરાતી સાહિત્યમાં લખવાનો શોખ. એમનું સ્વપ્ન આઇએએસ બનવાનું હતું. પણ એમને માર્ગદર્શન કોઇએ ન આપ્યું. અને એ માટેના પુસ્તકો ખરીદવાના નાણા પણ એ સમયે એમની પાસે હતા નહીં. તેથી જે એ ન કરી શકયા, જે એમને ન મળી શકયું, એ અન્ય ટેલેન્ટેડ યુવાનો ને આપવાનો, એમને મદદ થવાનો એમણે નિર્ણય કર્યો. અને સમય જતા એમણે લાયબ્રેરી કમ માર્ગદર્શન કેન્દ્ર સ્થાપ્યું. વ્રજ પટેલ કહે છે કે, આઇએએસ, આઇ.પી.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય તેવા મધ્યમવર્ગ, ઉચ્ચમધ્યમવર્ગ જ નહીં, શ્રીમંત વિદ્યાર્થીઓ પાસે પણ પરીક્ષાને લગતા પુરતા પુસ્તકો બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી. આવા સ્ટુડન્ટસને ઉપયોગી થવા, એમને માર્ગદર્શન આપવા માટે જ મેં આ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. ત્રીસેક વર્ષથી ચલાવતા આ કેન્દ્રમાં પચાસેક લાખના પુસ્તકો છે. એકલપડે ઉભી કરેલી આ લાયબ્રેરીનો ખર્ચ એમને કંઇ રીતે પરવડયો ? એ વિશે તેઓ કહે છે કે, હું દારુ પીતો નથી, ધ્રુમ્રપાન કરતો નથી, અરે ચા પણ પીતો નથી, માટે જે પૈસાની બચત થાય છે તેના પુસ્તકો વસાવું છું. એમના ધર્મપત્નીનો આ બાબતે એમને પુરતો સહકાર છે, એમ પણ તેઓ જણાવે છે.
મુંબઇ અને આસપાસની કોલેજમાં જ્ઞાતિઓના સંમેલનમાં કારકિર્દી માર્ગદર્શન વિશેના વ્રજ પટેલના પ્રવચનો યોજાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ સમયે નિષ્ણાંત પ્રોફેસરો રાખી કોચિંગ કલાસમાં વિનામૂલ્યે માર્ગદર્શન આપે છે. એમની પાસે માર્ગદર્શન મેળવી ગયેલા સ્ટુડન્ટસ પૈકિ ચાર સ્ટુડન્ટસ આઇપીએસ થયા છે. તદુપરાંત અસંખ્ય સ્ટુડન્ટસે મેનેજમેન્ટ, મેડિકલ, એન્જિનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે. અત્યારે તેમની પાસે સવારે બે કલાક અને સાંજે બે કલાક ચાર કલાકમાં 200 જેટલા વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવવા આવે છે. પોતાના કોઇ જ નીજી સ્વાર્થ કે બદલામાં કંઇક મેળવવાની ભાવના વગર તેઓ પૂરતું માર્ગદર્શન સૂચન આપે છે. સૌરાષ્ટ્ર ગુજરાતના યુવા ભાઇઓ બહેનો પોતાના કેરિયર અંગેના ગાઇડન્સ માટે રાત્રિના 9 પછી તેઓ ટેલિફોન મોબાઇલ ઉપર પણ માર્ગદર્શન મેળવે છે. અરે એમનો રવિવાર અને અન્ય રજાના દિવસો પણ વિદ્યાર્થીઓને સેવાભાવે માર્ગદર્શન આપવામાં જાય છે. વ્રજભાઇ પોતાના આ પુસ્તકાલયને નામ આપ્યું છે. મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન લાયબ્રેરી. યોગ્ય માર્ગદર્શન ન મળ્યું હોવાથી અને વિષય પસંદગીની ભૂલને લીધે વ્રજભાઇનું આઇએએસ બનવાનું સ્વપ્ન તો પૂરું ન થયું પણ આ લાયબ્રેરી દ્વારા અન્ય સ્ટુડન્ટસના સ્વપ્નને સાકાર એમણે ઉચ્ચ ભાવના સિદ્ધ કરી છે. તેઓ કિંગ ન બન્યા તો કિંગ મેકર બની ગયા.
– વંદિતા દવે-રાજયગુરુ
પ્રવિણ ડોકટર ગરબીચોક, જૈન ઉપાશ્રયની સામે
સ્ટેશન પ્લોટ, ધોરાજી, મો. 97270 2753

NO COMMENTS