શબ્દોની સાંત્વના : રસિકભાઇ મહેતા

0
67
appreciate by words by rasikbhai mehta
appreciate by words by rasikbhai mehta

( રસિકભાઇ મહેતા (વરિષ્ઠ લેખક)-રાજકોટ)

સને 1982 ની સાલમાં મારે ત્યાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટનો દરોડો પડેલ. તે સમયે દરોડા જૂજ પડતા અને દરોડો પડવો એ બહુ મોટી વાત ગણાતી. આજે જયારે દરોડા એ મોભાની વાત છે, ત્યારે એ સમયે સામાજિક રીતે થોડી નાલેશીભરી વાત ગણાતી.
સને 1968 થી સર્વિસ છોડીને, વ્યાપારમાં જોડાયો ત્યારે મારા મોટા ભાઇ પાસેથી ધંધાના કેટલાક સિદ્ધાંતો શીખેલાં.
એમાં પણ ત્રણ સિદ્ધાંતો તો ખાસ યાદ રાખેલા :
(1) વ્યાપારમાં જરૂરે ઘીની નદી વહેવડાવવી અને જરૂર ન હોય ત્યારે પાણીના ટીપાની પણ બચત કરવી.
(2) જયારે ધંધામાં તકલીફ આવવા જેવું લાગે ત્યારે અથવા તો વ્યાપારી વર્તુળમાં એવું લાગતું હોય કે તમે તકલીફમાં છો ત્યારે તમારી સાથેના વ્યાપારી સંપર્કમાં હોય તેમાંના જેટલા અધૂરિયા જીવના વ્યાપારી હોય, તેઓની સાથેની નાણાકીય લેવડ દેવડ પહેલા પતાવી દેવી, જેથી તેઓને શાંતિ થાય અને અન્ય વ્યાપારી પાસે તમારી સાચી ખોટી વાત કરવા કે એવી છાપ ઊભી કરવા ન પ્રેરાય. અને
(3) આફતને હંમેશા અવસરમાં ફેરવવી, માથે હાથ દઇને નિરાશ થઇને બેસી ન રહેવું.
સને 1982 ના દરોડા વખતે આમાંનો બીજો સિદ્ધાંત મેં બરાબર વ્યવહારમાં મૂકયો. રેડ પડયાના બીજા જ દિવસે ગુજરાતભરના દરેક ન્યૂઝપેપરમાં આ સમાચાર મોટા હેડિંગ સાથે છપાયા હતા. ( કારણ કે તે સમયે રેડ એ અત્યાચારના સમય જેવી સામાન્ય ઘટના નહોતી) આથી મેં મારા તમામ લાગતા વળગતા વ્યાપારી મિત્રોને સામેથી ફોનથી સંપર્ક કરીને આ બાબતે જાણ કરી અને જેને જરૂર લાગી તેઓને મેં તેઓની લેણી નીકળતી રકમ નજીકના દિવસોમાં જ હિસાબ કરીને આપી દઇશ એવી ધરપત પણ આપી. જોકે અમારી રેગ્યુલર શરતો પ્રમાણે હજુ રકમ ચૂકવવાનો સમય થયેલ ન હોવા છતાં તે સંજોગોમાં એમ કરવું મને જરૂરી લાગેલું.
આ પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન લાતીબજારમાંથી ટિમ્બરના એક વેપારીનો ફોન આવ્યો. મને થયું : નકકી લેણી રકમ માટે ફોન હશે.
આથી મેં સામેથી જ કહ્યું : બોલો, અબ્દુલભાઇ કેમ છો ? છાપામાં મારે ત્યાં પડેલ રેડના સમાચાર વાંચ્યાને ? હું તમને ફોન કરવાનો જ હતો કે આજકાલમાં તમારો હિસાબ કરીને રકમની વ્યવસ્થા કરી આપીશ, ત્યારે તેમનો જવાબ હતો : રસિકભાઇ મેં ફોન ઉઘરાણી માટે નથી કર્યો, પણ આજના ન્યૂઝપેપરમાં તમારે ત્યાં પડેલ રેડના સમાચાર વાંચી થોડી ચિંતા થઇ એટલે જ ફોન કર્યો છે કે બધું સુખરૂપ પતી ગયું ને ? મારું કાંઇ પણ કામકાજ હોય તો વિનાસંકોચે જરૂર ફોન કરજો. અને હાં, અત્યારે તમે તમારું કામ પતાવો. મારી રકમ ચૂકવવા જરાય ઉતાવળ ન કરતા બીજી કાંઇ પણ જરૂર હોય તો મને અચૂક ફોન કરજો. મને મારી જાત ઉપર દયા અને મારી માન્યતા ઉપર ઘૃણા અને તિરસ્કાર ઊપજયાં. સમય અને સંજોગોએ આવા સાચા માણસોનાં વ્યકિતતાવ અને સ્વભાવને પારખવાની અને મૂલવવાની આપણી શકિત એટલી હદ સુઘી હણી નાખી છે કે બધાને એક લાકડીએ હાંકતા કરી દીધા છે. મને તે નેકદિલ વહોરા વ્યાપારી સદગૃહસ્થ તરફ માનની લાગણી થઇ આવી.
‘ બધા જ બહાર જતા હોય ત્યારે
જે અંદર આવે તે જ સાચો મિત્ર’
માનવમનના ઊંડાણના ભાવનો આપણે પાર પામી શકતા કે જાણી શકતા નથી. આપણી પાસે ફકત આપણા અનુભવો અને આપણી માન્યતાઓ અને એને આધારીત આપણા પૂર્વગ્રહોના માપદંડો હોય છે, જે કયારેક ખોટા પણ પડતા હોય છે કે નાના પણ પડતા હોય છે અને કયારેક સામેની વ્યકિતને મૂલવતી વખતે તેને આપણે અન્યાય કરી બેસતા હોઇએ છીએ. મેં તે ભલા અને નેક અબ્દુલભાઇ પાસેથી ન તો ઊછીની રકમ લીધી કે ન તો એમની રકમ ચૂકવવાની ઉતાવળ કરી, પણ તેમના એક ફોનથી મને એ સમયે જે સાંત્વના મળી એ વર્ણવવા માટે આજે પણ મારી પાસે શબ્દો નથી. પરંતુ આ ઘટના ત્યારથી આજ સુધી મારા માનસપટ ઉપર સચવાઇ રહેલ છે. જે મને કઇ પણ જાતની કે અજાણી વ્યકિતને તેની તકલીફના સમયમાં આર્થિક રીતે શકય ન હોય તોપણ શાબ્દિક સાંત્વના તો આપવી જ અને બનતી મદદ કરવી અથવા બીજા પાસેથી પણ મદદ કરાવી આપવી એવી સતત પ્રેરણા આપતી રહે છે.
કોઇ પણ માણસને હું મળું છું ત્યારે તે મારા કરતાં કોઇક બાબતમાં ચડિયાતો હોય છે તો હું એ બાબત તેની પાસેથી શીખી લઉં છું.
ઇમર્સનનાં ઉપરોકત શબ્દો આપણે દરેક જીવનમાં યાદ રાખી અપનાવવા જેવા નથી લાગતા ?

  • રસિકભાઇ મહેતા (વરિષ્ઠ લેખક)
    ઇશાવાસ્યમ, ક્રિસ્ટલ મોલ પાછળ,
    આઇ.ઓ.સી. કવાર્ટસનીી સામે,
    કાલાવડ રોડ, રાજકોટ
    મો. 94280 04964

NO COMMENTS