સંબંધ-નો ગેરેંટી ?!

0
50
Breakup Relationship no gurrenty
Breakup Relationship no gurrenty

– પ્રશાંત બી. દવે

આપણે જોઇએ છીએ દિન પ્રતિદિન સંબંધોની ગુણવત્તામાં ફેરફારો અને બદલાવ આવતા જાય છે. આપણે વિચારીએ છીએ કંઇક, કરીએ છીએ જુદુ, અને દેખાડીએ છીએ, આજકાલ સંબંધોમાં પણ આવી જ સ્થિતિ આવી ની ઊભી છે. હાલના સમયમાં સંબંધોનું છીછરાપણું વધી ગયું છે. સંબંધ માત્ર એક શબ્દ તરીકે જ રહી ચૂકયો છે. સંબંધોની મહત્ત્વત્તા ત્યાં સુધી જ છે કે આપણે અથવા તો સામેવાળાને એકબીજાનું જયાં સુધી કામ હોય ત્યાં સુધી જ સંબંધોનું આયુષ્ય ટકેલું છે.
સમાજમાં સંયુકત કુટુંબમાંથી હાલમાં વધુ પડતા વિભકત પરિવારો બનતા જાય છે તેનું મુખ્ય કારણ માત્ર એક જ છે કે સહનશકિતનો અભાવ અને જાતું ન કરવાની નીતિ પહેલાના સમયમાં આંખની શરમ પણ લોકોને નડતી હતી પરંતુ હવે ના સમયમાં સંબંધો પણ પૈસાની સાથે સરખામણી થઇ રહી છે.
માણસને જીવન જીવવા માટે જે રીતે શ્ર્વાસ, પાણી અને ખોરાક ની જરૂરિયાત રહે છે તેવી જ રીતે સંબંધોરૂપી હૂંફ ની પણ જરૂર રહે છે જયારે જયારે સંબંધો માં છીછરાપણૂં આવી જાય છે ત્યારે સમાજ તૂટવા લાગે છે. જીવનમાં જયારે સાંકળની વચલી કડીઓ તૂટતી જાય છે તેમ તેમ આખી સાંકળ પણ તૂટી જાય છે. તેની પાછળ નું મુખ્ય કારણ તે પણ હોય શકે કે લોકોને એકબીજા પાસે મળવાનો કે બેસીને વાતો કરવાનો સમય નથી, પરંતુ જો કોઇ કામ હોય અથવા તો પોતાનો અંગત સ્વાર્થ હોય તો જરૂર સમય મળી જાય છે. માણસો અતિ પ્રેકિટકલ અને કેલ્યકયુલેટિવ બનવા લાગ્યા છે તો તેની સાથો સાથ પોતાની અંગત લાગણી અને હૂંફ પણ ગુમાવવા લાગ્યા છે. એક ફાયદો મેળવવા માટે અનેક કુદરતી વસ્તુઓ ગુમાવવાનો વારો આવે છે. આપણે બજારમાં કોઇપણ વસ્તુ ખરીદવા જઇએ છીએ ત્યારે નબળી ગુણવત્તાની વસ્તુ ખરીદતા, નથી પરંતુ સંબંધોની ગુણવત્તા નબળી ચલાવી લઇએ છીએ.
પહેલાના સમયમાં લોકો એકબીજા ના ઘરે બેસવા જતા, ખબર પૂછતા, સમય આવ્યો બાજુમાં ઊભા રહેતા હતા અને હાલમાં જે કંઇ બની રહ્યું છે તે માત્ર બહારી દેખાવ ના કારણે જ લોકો એક પ્રકારના ઢોંગ કરી રહ્યા છે જેને એક જાતની ફોર્માલિટી પણ કહી શકાય. અથવા તો ભવિષ્યમાં કોઇ જ રીતે કામ આવનાર વ્યકિત ના હાલ પૂછવામાં આવે છે. આવા સંજોગોના કારણે વધુમાં વધુ લોકો એકલતા ભોગવતા થઇ ગયા છે અને એકલતા પછી નું બીજું પગથિયું તે હાઇપર ડિપ્રેશન જેવા માનસિક રોગોનો શિકાર બની રહ્યા છે. માટે સમાજમાં દરેક વ્યકિત, કુટુંબ ના લોકોએ સંબંધોની ગુણવત્તા વિષે મનોમંથન કરવું જોઇએ. જયારે સંબંધોમાં કુત્રિમતા પેદા થાય છે ત્યારે સમાજ એક પગલું પાછળ હટે છે. સમય અને સંજોગો જેમ બદલાય છે તેમ સંબંધોની પણ વ્યાખ્યા સતત બદલાતી રહે છે. સંબંધો પણ ચાઇનીસ માલ જેવા બનતા જાય છે આજે છે તો આવતીકાલે ન પણ હોય અને લોકોએ આવી સ્થિતિ ને સ્વીકારી પણ લીધી છે. કે જેમાં કોઇ ગેરેંટી વોરન્ટી નથી .

NO COMMENTS