ધૂળેટી-કૃષ્ણનો વ્હાલો પર્વ

0
36
dhulati festive love krishna god
dhulati festive love krishna god

(જસ્મીન દેસાઇ (દર્પણ )-રાજકોટ)

ધૂળેટી એટલે રંગ અને પ્રેમ સભર ઉજવાતો ફાગણ વદ એકમના દિનનો પૂનિત પાવક પર્વ જે પર્વ અને ખૂદ આખો ફાગણ માસ શ્રી કૃષ્ણને બહુ વ્હાલો છે. જયારે ફાગણની વાત કરીએ ત્યારે શિરમોર પર્વ ધૂળેટીની પણ કરવી પડે.
ફાગણ માસે વસંતનાં વધામણાં અને ગ્રીષ્મ ઋતુના મંદ મંદ પવન લહેરખીઓ વહેતી હોય, સર્વત્ર આલ્હાદક વાતાવરણ હોય, કેશુડો મદમસ્ત થઇને ખીલ્યો હોય અને તેના જ રંગે હોળી ધૂળેટી ખેલાય ત્યારે મનડું નાચી ઉઠે. શ્રી કૃષ્ણને આથી જ આ ફાગણીયો બહુ વ્હાલો લાગે છે. આનું કારણ પણ છે કે શ્રી કૃષ્ણ ખૂદ પ્રેમ અને આનંદ રંગના અધિષ્ઠાતા છે. પ્રેમ પણ કેવો ! તદન નિર્દોષ નિર્મળ, સદભાવી, સતકર્મી, માત્ર નિર્દોષ મજાક મશ્કરીઓ જે સર્વ સાચા પ્રેમની પરિભાષા છે. આથી જ તો આવા પ્રેમને સમજવવા શ્રી કૃષ્ણએ આ પૃથ્વી ઉપર અવતાર લીધો હતો. આ સર્વની ઉજવણીમાં શિરમોર પર્વ એટલે આ ધૂળેટી, આ દિવસે સહુ આપસના વેર ઝેર ભૂલી એખલાસ, મિત્રચારીની ભાવના વડે રંગથી પર્વ ઉજવે છે જે પ્રેમની જ એક અભિવ્યકિત છે. પરંતુ આ રંગ એટલે અબીલ, ગુલાલ અને કેસુડાનો રંગ નહિં કે રાસાયણિક અને ગ્રીસના રંગ
આ ફાગણીયા શ્રી કૃષ્ણને વ્હાલા માસમાં પ્રેમ અને રંગને અભિભૂત કરતાં શ્રી કૃષ્ણને કેસરીયા વાઘા અને અન્ય રંગ સભર વસ્ત્રોનાં પરિધાન થાય છે. વળી તેની બાજુમાં રાધાજીને બીરાજવામાં આવ્યા છે, ભલેને શ્રી કૃષ્ણના પત્નિતો રૂક્ષ્મણી છે પરંતુ રાધા શ્રી કૃષ્ણનો નિર્મળ ભાવ છે તો વળી પૃષ્ટિમાર્ગી શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે રાધા, શબ્દ સંસ્કૃતના રાધસ ધાતુ ઉપરથી ઉતરી આવ્યા છે જેનો અર્થ થાય છે સિધ્ધિ અને રસ આથી રસરંજન શ્રી કૃષ્ણની આ રાધા સિધ્ધિદાત્રી છે અને રસદાત્રી છે, બાકી અન્ય ભગવાનતો પોતાની સાથે જ જોવા મળે છે જેમકે શિવ પાર્વતી, સીતા, રામ, લક્ષ્મીનારાયણ વગેરે…
આવો પ્રેમ સંપૂર્ણ મધૂર છે, પ્રેમની મધુરતા રંગ છે. શ્રી કૃષ્ણ મધુર છે. આથી મધુરાષ્ટકનાં આઠ ચરણોમાં તેમની મધુરતા દર્શાવવામાં આવી છે.
જેને ફાગણ માસ વ્હાલો છે એ શ્રી કૃષ્ણ સંપૂર્ણ પ્રેમ રંગ સભર મધુર છે. પ્રેમ..સપ્રેમ…
ધૂળેટી બાદ પાંચ દિવસો સુધી પણ શ્રી કૃષ્ણને ઉજવવામાં આવે છે. જેને રંગપંચમી કહેવાય છે. ભારતના અનેક પ્રદેશોમાં આ તહેવાર ઉજવાય છે. આ દરમ્યાન હવેલીઓ અને શ્રી કૃષ્ણ મંદિરોમાં ફૂલડોલ, રંગોત્સવ, દોલોત્સવ કે ખૂદ રંગપંચમી ના નામે ઉત્સવ ઉજવાય છે. રંગ અને ફૂલનું આ ઉત્સવમાં મહત્વ હોય છે. આ તો મનોભાવક વસંત ઋતુરાણી કે પ્રકૃતિ રાણી કેસુડાના રંગ વડે મનને હરી લે છે જે ખૂદ હરિની રચના છે.
મહારાષ્ટ્રમાં રંગથી રમવાનો ઉત્સવ ધૂળેટીથી પાંચમ સુધી ઉજવાય છે તો વળી રાજસ્થાનમાં ભીલવાડામાં રામ સ્નેહી સંપ્રદાયના પ્રમુખ રામ મંદિરમાં પાંચમ સુધી રંગ ફૂલથી શ્રી કૃષ્ણની ભકિત કરે છે. પાંચમે મોટો મેળો ભરાય છે. વળી આ ઉત્સવ મેળામાં મુસ્લીમ સમાજ પણ ઉમળકાભેર ભાગ લે છે. આમ મિત્રાચારી અને એખલાસનું વાતાવરણ સર્જાય છે. ઉત્તર ભારતમાં લોકો કેસરીયાં વસ્ત્રો પહેરીને આ ઉત્સવ ઉજવે છે. આમ શ્રી કૃષ્ણને વ્હાલા આ ફાગણ માસમાં તેની ભકિત કરવાનો પણ મહત્વનો
મહિમા છે.

  • જસ્મીન દેસાઇ (દર્પણ )
    નિલમય, સહકારનગર મેઇન રોડ
    મહિલા કોલેજ પાછળ,
    રાજકોટ, મો. 94283 49812

NO COMMENTS