તમસો મા જયોતિર્ગમય

0
122

(- ડો. આર.કે.ભાવસાર-અમદાવાદ)

દિવાળી એટલે દીવાઓની હારમાળા
પહેલાં દીવા મૂકતા આજે વીજળીથી ઝળાંહળાં થાય છે. અંતરને ઉજાળતા આ પર્વમાં લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન, દુર્ગા કે માતા કાળીનું પૂજન કરવામાં આવે છે.
નવા વરસે ‘નૂતન વર્ષાભિનંદન’ પાઠવી સદભાવ છલકાવીએ છીએ. દિવાળીએ દિવાળીના પર્વે જીવનનું આંગણું પ્રકાશમય બની રહે છે. દિવાળી એ દીપથી નહિં પણ દિલથી મનાવવાનું પર્વ છે. દિવાળીના દિવસોમાં પોતાની અંદર સદ્વિચારોના દીવા પ્રગટાવીએ અને અન્યને માટે સદભાવનાના દીવા પેટાવીએ.
સાચો દીપોત્સવ આચરણને અજવાળાથી શકય બની શકે. માનવતાના ધર્મને અને સ્વર્ગને છેટું છે જ નહિં. નવા વરસે સ્વર્ગીય સુખના સાક્ષાત્કાર માટે સાચા માનવ બનવા સંકલ્પ કરીએ. સુખ બજારમાં વેંચાતું મળતું નથી, એ તો મનરૂપી બજારમાં છે અને ત્યાંથી આપણે એને શોધી કાઢવાનું છે. સ્નેહસભર વ્યવહાર એ સુખનો રાજમાર્ગ છે. એ માર્ગે વિચરીએ.
આજે માનવી આંખ ખુલી રાખે છે સત્યને જોતો નથી આપણે સત્યને જોઇએ અને ચેતનાનું રૂપાંતર કરીએ તો જીવનમાં આનંદનાં ઝરણાં વહેવા લાગશે.
આજે માનવી ધાર્મિક છે પણ નૈતિક નથી એ સ્થિતિને બદલવાની શરૂઆત આપણાથી કરીએ.
દીવા કરે દિવાળી ન આવે. પૂ. જલારામબાપા અને પૂ. રણછોડદાસજી બાપુનો ભૂખ્યાજનો માટેનો રોટલો હવે પૈડું બની દુનિયામાં પહોંચ્યા છે. દરરોજ આવો એક રોટલો ભૂખ્યાજનોને માટે કાઢીએ અને નિષ્કપટ થઇ દીવો પેટાવીએ તો જગતમાં દિવાળી આવશે જ.
મંદિરે મંદિરે ગરીબીનાં પાથરણાં એ સમાજનું કલંક છે. જીવનમાં દિવાળી લાવવા સંકલ્પ કરીએ.
માત્ર દીવા કરવાથી દિવાળી નહિં આવે. દેશના 30 કરોડ ગરીબો ઊજવે ત્યારે આ દેશ નંદનવન બની ગયો હશે.
એક તરફ મંદિરની બહાર ગરીબોની કતાર હતી તો બીજી બાજુ એક મસ્ત જટાધારી સાધુ હતા. એમની બંસરીમાંથી ભકિતગીતો તો નીતર્યા પણ જયારે તેમને બંસરીમાંથી કવિ ઇન્દુલાલ ગાંધીની બે કવિતાઓના કરુણ સૂર નીતર્યા ત્યારે મનમાં શ્રી ઇન્દુલાલ ગાંધી સાથે રાજકોટમાં વિતાવેલા એ દિવસોનું સ્મરણ થવા લાગ્યું.
દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ઘૂમે લૂંગડા ભાણી..
બીજું ગીત : આંધળી ડોસીના પત્ર નું ગાયું તેણે બંસરી ખોળામાં મૂકી ને તે ધ્રૂસકે ધ્રૂસક રડયો ! તેણે પાથરણામાં ગરીબીનું દર્શન કર્યું !
ઘણા ભગવાન મહાવીરનો નિર્વાણદિન માને છે દિવાળીને આસો વદની અમાવાસ્યાની મધ્યરાત્રિ થી મહાવીર નિર્વાણ પામ્યા હતા ત્યારે સૌ હૈયાં રડી ઉઠેલ.
ભગવાન બુધ્ધે કહ્યું છે : ‘ તારો દીવો તું બન ’ કોઇ સદગુરુ આપણા જીવનમાં દીવો પેટાવે છે અને એના અજવાળે આપણે જીવીએ છીએ. જીવનમાં શુધ્ધ કામ કરવાથી રોજ અજવાળું આવે છે. આપણને તો જિંદગીભર ચોમાસું હોય છે. સૂરજ હોય પણ ચોમાસામાં દેખાય નહિં. સદગુરુના સાંનિધ્યે જીવનની દીપાવલી પ્રકાશી ઉઠે છે. દીપાવલીનો તહેવાર આવતાં માનવજીવના શ્રધ્ધા તણા કોેઠાર ફરી ભરાઇ જાય છે. જીવન આંગણું ઝળહળી ઉઠે છે.
દયાનંદ સરસ્વતી, પૂ. દાદા પાંડુરંગ શાસ્ત્રીજી અને સ્વામી રામતીર્થનો નિર્વાણદિન. રાણી લક્ષ્મીબાઇ આ દિને શહીદ થયેલાં કરોડો જનહદયોને આ સર્વ પ્રકાશ અર્પી રહ્યાં છે.
સ્વને સ્વમાં વસાવવો એનું નામ દિવાળી
ભગવાન રામચંદ્રજી રાવણવધ કરી અયોધ્યા પર્ધાયા હતા. અયોધ્યા ઝળહળી ઉઠેલ.
નવા વરસે આપણે અમૃતમય બની જીવનની દીપાવલિને આનંદમય બનાવીએ માનવતાના દીવડા પ્રગટાવી દીપમાલિકાનું સ્વાગત કરીે. અંતરને અજવાળતું આ પર્વ દિવાળી સૌના માટે શુભદાયી બની રહે. અંધકારમાંથી પ્રકાશ તરફ નૂતન વર્ષે
પ્રયાણ કરીએ.

– ડો. આર.કે.ભાવસાર
જે-1, નિગમ એપાર્ટમેન્ટ,
ભાવસાર હોસ્ટેલની પાસે,
નવા વાડજ,
અમદાવાદ. મો. 98253 94071

NO COMMENTS