સુદામાની તાંદુલની પોટલી

0
35

(શ્રી ગુણવંતભાઇ શાહ -પ્રતિષ્ઠિત લેખક)

સરયૂ નદીનાં જળ ખળખળ વહી રહ્યાં હતાં. વહેતાં જળની ખળખળતા દ્વારા નદીની નિખાલસતા પ્રગટ થતી જણાય છે. સરયૂને કિનારે આવેલી મજાણી પર્ણકુટિમાં જ્ઞાની મહાત્મા રહેતા હતા. એક દિવસ પરદેશની યુનિવર્સિટીમાં ભણીને દેશ પાછા ફરેલા તેજ્સ્વી યુવાને મહાત્માને અત્યંત વિનયપૂર્વક પૂછયું : ‘મહારાજ ! રામાયણના યુગમાં તમને પસંદગી આપવામાં આવી હોત, તો તમે શબરી થવાનું પસંદ કરો કે વિશ્ર્વામિત્ર ?’ થોડોક વિચાર કરીને જ્ઞાની મહાત્માએ જવાબ આપ્યો : ‘ શબરી થવાનું મને વધારે ગમે, કારણ કે શબરી પાસે ઋજુતા હતી.’
કૃષ્ણને અર્જુન પ્રત્યે ભારે પક્ષપાત હતો એ વાતનું રહસ્ય શું ? કૃષ્ણ તો શાશ્ર્વત ધર્મના રક્ષક (શાશ્ર્વત ધર્મગોપ્તા) હતા. એમને પક્ષપાત તો પાંચે પાંડવોમાં ધર્મરાજ યુધિષ્ઠિર પ્રત્યે હોવો જોઇતો હતો. યુધિષ્ઠિર પ્રત્યે કૃષ્ણને આદર હતો, પરંતુ પક્ષપાત તો અર્જુન પ્રત્યે જ હતો. ભકત અને ભગવાન વચ્ચે સખાભાવ હોય એવાં ઉદાહરણ કેટલાં ? અર્જુનની મર્યાદાઓ ઓછી ન હતી. માનવ હોવાની ખરી સાબિતી અપૂર્ણતા છે. ગીતાની પરિભાષા પ્રયોજીએ તો અર્જુનના હદયની દુર્બળતા (હદયદૌર્બલ્ય) અને નપુંસકતા(કલૈબ્ય) અંગે કૃષ્ણ એને રોકડું પરખાવે છે. અર્જુન પોતે જ કૃષ્ણને કહે છે : ‘ કાયરતાથી જેનો સ્વભાવ દૂષિત થયો છે (કાર્પણ્યદોષો પહતસ્વભાવ :), એવો હું તમને પૂછું છું. ’ ટૂંકમાં અર્જુન માનવજાતનો ખરો પ્રતિનિધિ હતો, કારણ કે તે માનવીય મર્યાદાઓથી ભરેલો હતો. આવા અધૂરા અર્જુન પ્રત્યે કૃષ્ણના મધુરા પક્ષપાતનું રહસ્ય એ છે કે અર્જુન હતો. અર્જુન એટલે મૂર્તિમંત ઋજુતા એ સ્વભાવે એટલો તો સરળ હતો કે પોતે જેવો હતો તેવો કૃષ્ણ સમક્ષ પ્રગટ થઇ ગયો. એમાં કયાંય ગાંઠોગળફો ન હતો કે દિલચોરી ન હતી. જેવા હોઇએ તેવા પ્રગટ થઇ જવું, એ જેવી તેવી ઉપલબ્ધિ નથી. કૃષ્ણ સુધી પહોંચવાનો આ અર્જુનમાર્ગ એટલે સરળ થવાની સાધના. આપણી અને ભગવાનની વચ્ચે આપણી અસરળતા ઊભી રહી જાય છે. પંડિતો અસરળ હોય છે, તેથી કશૂંક ચૂકી જાય છે. અસરળ હોવું એટલે કપટી હોવું.
ઋગ્વેદના મંત્રમાં ‘ભદ્રમ્’ શબ્દ સાથે વિશ્ર્વકલ્યાણનો ભાવ જોડાયો છે. દૂરિતનાં પરિબળો (દૂરિતાનિ) સામે ભદ્રતાનો પરિબળોની ટક્કર યુગોથી ચાલતી રહી છે. જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો, તેમ તેમ ભદ્રતા સાથે અસરળતા કપટ જોડાઇ ગયાં ! ‘ભદ્રલોક’ ગણાતા સમાજમાં સંસ્કાર સાથે માનવસંબંધોની મેલી સંકુલતા જોડાઇ જાય ત્યારે ઋજુતાની જગ્યાએ કપટયુકત અસરળતાનો પ્રભાવ વરતાય છે. અસરળતા મૂળે અધ્યાત્મવિરોધી બાબત છે. શબરી રામની કૃપા પામી તેનું રહસ્ય એની ઋજુતામાં સમાયેલું છે. બીજાને છેતરવાની માણસની ક્ષમતા વધી જાય તેવો સમાજ કદી સ્વસ્થ ન હોઇ શકે. નરસિંહ મહેતાએ ‘ કપટરહિત’ એવા વૈષ્ણવજનનો મહિમા કર્યો. જયાં કપટ હોત્યાં ભકિત ન હોઇ શકે. કયારેક સેવકો અને સાધુઓ વચ્ચે પણ ખટપટલીલા ચાલતી રહે છે. આશ્રમ હોય ત્યાં શાંતિ, શુચિતા અને શાણપણ હોય એવી અપેક્ષા સહેજે રહે છે. કપટમુકિતની સાધના વગર ભકિતનો ઉદય અશકય છે. જેવા હોઇએ તેવા દેખાવું અને જેવા ન હોઇએ તેવા કદી ન દેખાવું ! ઋજુતાનુભૂતિ મનની અવસ્થા છે. એમાં સંગીત છે.
ઋજુતા નિર્મળ હદયમાંથી વહેતી વાણી દ્વારા પ્રગટ થતી રહે છે. કોલમ્બસ ભારત આવવા માટે નીકળ્યો અને પહોંચી ગયો અમેરિકામાં ! એ જયારે અમેકિાની આદિપ્રજા રેડ ઇન્ડિયનોના સંપર્કમાં આવ્યો ત્યારે ભોળા લોકોની ઋજુતાથી ભારે પ્રભાવિત થયેલો. સ્વદેશ પાછા ફર્યા પછી એણે પોતાના દેશના શાસકોને કહ્યું : ‘ હું આપ જેવા આદરણીય મહાનુભાવોને સોગંદપૂર્વક કહું છું કે,
આ દુનિયામાં એના જેવા બીજો દેશ કે વિસ્તાર નથી. એ લોકો (હિસ્પેનિઓલાના ઇન્ડિયન) એમના પાડોશીઓને, પોતાની જાતને કરે તેવો જ પ્રેમ કરે છે. તેમની વાતચીત મધુર અને મૃદુ હોય છે તથા એમાં સ્મિત ભળેલું હોય છે. કોલમ્બસના આ શબ્દો ફરી ફરીને વાંચવા જેવા છે. ઇસુએ ઉપદેશ આપેલો અને કહેલું :
‘ તું તારા પાડોશીને, તારી જાતને કરે એટલો પ્રેમ કર.’ અમેરિકાના આદિવાસી ઇન્ડિયનો બાઇબલ વાંચ્યા વિના ઇસુની સલાહનો અમલ કરતા હતા. એમની વાણીમાં રહેલી મધુરતા અને મૃદૃતા એમની ઋજુતાની સરવાણી જેવી હતી. એમનું સ્મિત સાવ સહજ હતુ.ં એમાં કયાંય સ્વાર્થી ગણતરીનું પ્રદૂષણ ન હતું. નિર્મળ હદયના આવા લોકો જયારે કહેવાતા ભદ્ર લોકોના પરિચયમાં આવ્યા ત્યારથી એમની બગવડવાની શરૂઆત થઇ. તથાકથિત સુધરેલા લોકોએ એમને બગાડી માર્યા. એક માણસ સત્યવાદી છે. એણે સાચું બોલવાનું વ્રત લીધું છે. સાચું બોલવ માટે એણે નિશ્ર્ચય કરવો પડે છે. કયારેક કસોટી આવે ત્યારે પણ સત્યને વળગી રહેનારો એ સજજન જૂઠું નથી બોલતો. બીજો માણસ સાવ ઋજુ છે. એ કોઇ વ્રત નથી લેતો. એ નિશ્ર્ચયપૂર્વક સાચું બોલવાથી મથામણ નથી કરતો. એ તો જે બોલે તે સાચું જ હોય છે. ઋજુ મનુષ્ય માટે સત્યાચરણ પ્રયત્નસાધ્ય નહીં, સહજસાધ્ય હોય છે. આપણા સમાજમાં આવા ઋજુ સ્વભાવના લોકોની મશ્કરી થતી હોય છે. અસરળતાના માહોલમાં પોતાની ઋજુતાને જાળવીી રાખનારા એ લોકો, તાંદુલની પોટલી સાચવી રાખનારા સુદામા જેવા ગણાય. તેઓ કયારેક જૂઠું બોલવા જાય કે તરત પકડાઇ જાય છે. એમનો ચહેરો ચાડી ખાય છે. સુધરેલા લોકો આવી પવિત્ર ઘટનાને ‘બફાટ’ કહે છે. આવો પવિત્ર બફાટ સૌના નસીબમાં કયાંથી ? અમેરિકાના રેડ ઇન્ડિયન લોકોમાં એક કહેવત પ્રચલિત છે : ‘ દેડકો કદી, કદી, પોતે જેમાં રહેતો હોય એ તળાવનું પાણી પી જતો નથી.’ કહેવતમાં પણ ઋજુતાનું સૌંદર્ય પ્રગટ થતું દીસે છે. કયાંય કોઇ ઋજુ મનુષ્ય મળી જાય તો, તે ન જાણે એમ એને વંદન કરવાં જોઇએ. વારંવાર એવી તક નથી મળતી. ખલિલ જિબ્રાન કહે છે : ‘ મહાપુરુષને બે હદય હોય છે, એકમાંથી રક્ત વહે છે એ બીજામાંથી સ્નેહટ’.

NO COMMENTS