શિક્ષણ શિખવે છે મૃત્યુ પાછળની વિધિઓ

0
67
education and death
education and death

(-ચંદ્રકાન્તભાઇ પટેલ (સરલ) માણાવદર)

પ્રોફેસરે વર્ગખંડમાં પ્રવેશી વિદ્યાર્થીઓને જય હિન્દ કહી ઉમેર્યું : વિદ્યાર્થીઓ આપણે આજ સુધી ઘણું નવું નવું અને અત્યંત આધુનિક શિક્ષણ શિખ્યા. તમે સૌ તમારા પગભર ઉભા થઇ શકો એવી ટેકનોલોજીયુકત શિક્ષણ કેળવણી તમે ગ્રહણ કરી શકયા છો. પરંતુ જીવન દર્શન કરાવતી કેળવણીથી તમે ઘણા દૂર ઊભા છો. માત્ર અક્ષરજ્ઞાન કે ટેકનોલોજીનું જ્ઞાન જીવનમાં કામનુ નથી. જીવનનું દર્શન કરાવે. સામાજિક વ્યવહારોનું જ્ઞાન અપાવે તથા આપણાં ગુંચવાયેલા સગપણોમાં સગપણની સમજ ઉઘાડે તેવાં જીવદર્શી શિક્ષણ અને કેળવણીની પગલે પગેલ જરૂર પડતી હોય છે. આવાં શિક્ષણ વિના કેળવણી અધૂરી ગણાય. માટે આજે હું તમને તમારા જીવનમાં ઉપયોગી થાય અને તમે સ્વયં કોઇની મદદ લીધા વિના જાતે કાર્ય કરી શકો તે માટે આજે હું શિક્ષણ શીખવે છે મૃત્યુ પાછળની વિધિઓ એ વિષય શીખવીશ.
આ વિષય તમને નહિ ગમે છતાં એ શીખવું
જરૂરી છે.
આપણી આસપાસ રહેતાં પાડોશીઓનું કે આપણા સગાં વહાલાનું જયારે મરણ થાય છે, ત્યારે આપણે શોકમાં ડૂબી જઇએ છીએ. ઘરમાં જો કોઇ અનુભવી વડીલ કે વૃદ્ધ ન હોય તો મૃતક વ્યકિતને સ્મશાને લઇ જતી વખતે કે પહેલાં શબની જે વિધિ કરવાની હોય તે વિધિનું આપણને જ્ઞાન ન હોવાથી મૃતકનાં સગા કે ઘરનાં માણસો ભારે મુંઝારો અનુભવતા હોય છે. શબની વિધિ કેવી રીતે કરવી તેનું તેને જ્ઞાન હોતું નથી. જો તેમને શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ મળ્યું હોય તો કોઇની રાહ જોયા વિના કે મદદ લીધા વિના શબની પાછળ કરવામાં આવતી વિધિ તે સ્વયં અનુભવના આધારે કરી શકાય છે.
આદિ અનાદિ કાળથી માણસના જીવનમાં વંશપરંપરા, તેમની કુળપરંપરા, તેમના સંસ્કારોની પરંપરા સતત પડછાયો બનીની ચાલી આવે છે. પરંપરાઓ કયારેય ખતમ થવાની નથી. માણસ જયારે ગુફામાં વસતો હતો ત્યારે તેને એવું લાગતું હતું કે, માનવ મરણ પામ્યાં પછી નાશ પામતો નથી. પુરાતત્ત્વ ખાતાએ કરેલા ઉત્ખનનોમાં પ્રાચીન માનવોની સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા છે તેના પરથી આ માન્યતાઓને પુષ્ટિ મળે છે. શરીર નાશ પામે તોપણ મૃત્યુ પામેલી વ્યકિત કોઇને કોઇ રૂપે અસ્તિત્વમાં રહે છે. આ શ્રદ્ધા તેમની અંતિમ વિધિઓમાંથી પ્રગટ થાય છે. એટલું જ નહિં પણ વર્તમાન સદીના પ્રગતિ પામેલા માનવીઓમાં અંતિમ સંસ્કાર વિધિઓમાં આવી શ્રદ્ધા કોઇને કોઇ રૂપે ટકી રહી છે. ઋગ્વેદમાં પણ પિતૃઓની પૂજાનો ઉલ્લેખ છે. પિતૃઓની પૂજાની ભાવના ભારતીય લોકજીવનમાં હજી પણ દ્રઢ થયેલી છે.
– જીવાત્મા પરમાત્મા : જીવ એ પંચમહાભૂતના બનેલા જડ પદાર્થોથી ભિન્ન છે. પરમાત્મા પિંડમાં અને બ્રહ્માંડમાં વસેલો છે. જીવાત્મા અને પરમાત્માનો સંબંધ બહુ ગાઢ અને નિકટનો છે. એક અજ્ઞ છે, જયારે બીજો સર્વજ્ઞ છે. છતાં બન્ને એક જ તત્વ છે. જીવ પરમાત્માંથી જ નીકળ્યો છે. આત્મા દેહથી પર છે, પણ દેહ આત્માથી જુદો નથી. જીવ પોતે મરતો નથી. દેહ મરે છે. જીવ સર્વ પદાર્થોમાં સૂક્ષ્મ તત્ત્વરૂપે રહેલો છે.
જન્મ મરણ શરીરને જ છે. આત્માનો નથી. આત્મા તો દેહના જરા મરણાદિ સઘળા વિકારોની વચ્ચે અવિકૃત રહેલું તત્વ છે. કર્મ સાથે ફરી જન્મનો સિદ્ધાંત જોડાયેલો છે. જેને પુનર્જન્મ કહેવામાં આવે છે. જીવની ત્રણ ગતિઓ છે. તે ત્રણે ગતિઓમાંથી પસાર થાય છે. આ લોકમાં પુનર્જન્મ, પરલોકમાં, સ્વર્ગ, નરક અને આ બન્ને લોકથી પર એવી મુકિત કયા કર્મ માટે પરલોક, સ્વર્ગ નરકમાં સુખ દુ:ખ ભોગવીને જીવ આ લોકામાં ફરી જન્મ પામે છે.
– અંત્યોષ્ટિ સંસ્કાર : આપણા હિન્દુધર્મમાં સંસ્કારોની સંખ્યા બાર, સોળ, ચાલીસ ઇત્યાદિ જુદી જુદી અપાઇ છિે. હિન્દુઓ આજે 16 સંસ્કારોનું પાલન કરે છે. બાળક માતાના ગર્ભમાં મુકાય ત્યાંથી માંડીને સંસ્કારોનો આરંભ થાય છે. અને તે મરણ પર્યન્ત પહોંચે છે. સંસ્કારોનો ઉદેશ માનવના આખા જીવનને ધાર્મિક બુદ્ધિથી વ્યાપી નાંખી, મનુષ્યને એના જીવનની પવિત્રતા સમજાવવી તથા એ પવિત્રતાનું સદા સ્મરણ રખાવવું એ છે.
આજે આપણા પ્રાચીન સંસ્કારો ભુંસાઇ રહ્યાં છે. હિન્દુઓમાં થોડા ઘણા જે સંસ્કારો બચ્યાં છે તે પણ જૂજ રહ્યાં છે, અને તે શાસ્ત્રોકત વિધિઓ મુજબ થતા પણ નથી. આપણા 16 સંસ્કારોમાં છેલ્લા સંસ્કાર તે અંત્યેષ્ટિ સંસ્કાર છે. મનુષ્ય મરણ પામે ત્યારે તેની પાછળ કરવામાં આવતી વિધિઓ તેને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવે છે. મરણ પછી મરનારના વારસો મરણક્રિયા કરે છે. બૌધાયન પિતૃમેઘ સુત્રો કહે છે : સંસ્કારોથી મનુષ્ય આ લોક જીતે છે. અને ફરી તે માનવદેહ ધારણ કરે છે તે જ તેનો ઉદેશ્ય છે. મરણ ક્રિયાના ચાર ભાગ પડે છે. (1) અભિસિંતન (2) સ્મશાન ચિતિ (મડદાનું સ્નાન અને ચિતા) (3) ઉદક કર્મ (અંજલિ) (4) શાંતિ કર્મ.
– મરણ સમય : મરણપથારીએ પડેલ વ્યકિતનો જીવ મુંઝાતો હોય છે ત્યારે ઘરના લોકો તેની ઇચ્છા પૂછે છે અને અધૂરી ઇચ્છા પૂરી કરવાની ખાતરી આપે ત્યારે તેનો આત્મા શરીરની બહાર નીકળી જાય છે. ને પાછળ તેનું અચેતન શરીર રહે છે. જીવ નીકળી ગયા પછી ઘરના લોકો મૃતકનાં નાકનાં બન્ને ફોયણાંમાં રૂ નાં પૂમડાં નાંખી બહારની હવા શરીર અંદર પ્રવેશતા રોકે છે. મૃતકના મુખમાં તાંબાનો પૈસા કે પાવલી તથા તુલસીનું પાન મૂકે છે.
પછી વાંસની ઠાઠડી બનાવવા અમુક લોકો રોકાય છે અને ઘરના લોકો શબને જમીન ઉપર સુવડાવવા પ્રથમ ગાયના છાણથી તે જગ્યા લીંપે છે. અને દીવો પ્રગટાવે છે. પછી શબને ભોંય પર સુવડાવે છે. ત્યારબાદ મુઠ્ઠી તલ લઇ ચારે દિશામાં ફેરવે છે. સગાં વ્હાલાં અને અંગત અંગત માણસો શબની પ્રદક્ષિણ કરી તેને નમન કરે છે. આ વિધિ પૂરો થયે શબને સ્નાન કરાવવામાં આવે છે અને તેનાં વસ્ત્રો કાઢી નાખવામાં આવે છે.
આ સમય દરમિયાન ઠાઠડી એટલે કે નનામી તૈયાર થઇ ગઇ હોય છે. શબને નનામી ઉપર સુવડાવવામાં આવે છે. અને શબ ઉપર બે ગજ કફન બાંધવામાં આવે છે. આના પછી શબને સફેદ દોરાના ધાગાથી બાંધી લીધા પછી કાથાની સિંદરી વડે શબને ટાઇટથી બાંધી તેના પર અબીલ, ગુલાલ, કંકુ, અતર, તુલસી પાન તથા માંજર વગેરે વેરવામાં આવે છે. શબનું મુખ ઉત્તર બાજુ રખાય છે. આ વિધિ સમયે નનામીની ચાર બાજુએ ચાર નાળિયેર લટકતા બંધાય છે ને ઘઉંના લોટમાંથી બનાવેલ લાડવા પણ નનામીમાં મુકાય છે.
સ્મશાનયાત્રામાં મુખ્ય વિલાપ કરનારને આગળ રાખવામાં આવે છે. સ્મશાનયાત્રાની સાથે નજીકનો સ્વજન પુત્ર, પૌત્ર વગેરે જે કોઇ હોય તેના હાથમાં અગ્નિ ભરેલ દોણી રાખવામાં આવે છે. શબ બરાબર સળગી તેના કોઇ અવશેષો શેષ ન રહે તે માટે ડાઘુઓ પોતાની સાથે તલ, ગાયનું ઘી અને સૂકાં છાણાં લઇ જતાં હોય છે. જે અગ્નિને સતેજ રાખવા માટે
વપરાય છે.
-સ્મશાનમાં વિધિ : ડાઘુઓ શબને સ્મશાને લઇ ગયા પછી મડદાંને ચિતામાં મૂકવામાં આવે છે, ત્યારે તેના બધાં બંધનો દોરા, સિંદરી વગેરે તોડવામાં આવે છે. મડદાનું ઉત્તર દિશામાં મુખ રાખવામાં આવે છે અને તેના વારસો પુત્ર પુત્રાદિ ઇત્યાદિ મુખ રાખવામાં આવે છે અને તેના વારસો પુત્ર પુત્રાદિ ઇત્યાદિ મડદાંના મુખ ઉપર તથા છાતી ઉપર ગાયનું ઘી સરખી રીતે લીંપે છે. મરનારના પુત્ર પુત્રાદિ આદિ શબને અગ્નિસંસ્કાર કરતાં પહેલા ચાર પ્રદક્ષિણા કરે છે ત્યારબાદ પગના જમણા અંગૂઠે અગ્નિ મૂકે છે. અગ્નિદાહ આપતી વખતે કહેવામાં આવે છે. હે અગ્નિદેવ ! આ શરીરને દુ:ખ આપ્યા વગર નષ્ટ કરજો..
શબ સળગી ગયા પછી ચિતા ઉપર પાણી રેડવામાં આવે છે અને ઠરી ગયેલ ચિતામાંંથી મૃતકનાં મૂળ અસ્થિ (હાડકાં) શોધી લઇ તેને અલગ પાત્રમાં ભરી પવિત્ર નદીમાં પધરાવવા માટે રખાય છે. મરનારના પુત્રો આદિ સ્મશાનેથી પર ફરતાં પહેલા મરણપોક મૂકે છે. જો કે ઘણી જ્ઞાતિઓમાં એ રિવાજ લુપ્ત થઇ ગયો છે.
મૃતકને બાળીને અથવા દાટીને ડાધુઓ જયારે મરનારને આંગણે આવે છે ત્યારે ઘરથી થોડે દૂર હોય ત્યારે મરણપોક મૂકતાં મૂકતાં આવે છે. ઘરનાં આંગણે આવી ડાઘૂઓ માથું ઢાંકી નીચે બેસી જાય છે. મૃતકના પરિવારની ઘેર હાજર રહેલ વ્યકિત તમામ ડાઘુઓને અગરબતીનો ધૂપ આપે છે ત્યારબાદ સૌ ડાઘૂઓ સ્નાનાદિ કાર્ય કરી પોત પોતાના ઘેર જાય છે.
– સુવાળુ વિધિ : મૃતકના મરણના ત્રણ, પાંચ કે સાત દિવસે સુવાળુપ ઊતરાવવાનો વિધિ કરવામાં આવે છે. મૃતકના નજીક ગણાતાં સગાં વહાલાં આ દિવસે પોતાના વાળ ઉતરાવે છે. જેને સુવાળુ કહેવાય. વાળ ઉતારવા માટે વાળંદ ઘરે આવે છે. મરનારની પાછળ શ્રાદ્ધ તર્પણ કરનાર વ્યકિતના માથાના તમામ વાળ ઉતારી મુંડન કરવામાં આવે છે. માત્ર એક ચોટલી રખાય છે. જયારે સગાં વ્હાલાંઓ અને કુટુંબીજનોની માત્ર દાઢી અને મૂછો મુંડાવાય છે.
– ઉત્તર ક્રિયા : જે દિવસે મરનારનું પાણીઢોળ દડારો હોય તેના આગલા દિવસે એટલે કે દહાડા પૂર્વે કરવામાં આવતી વિધિને ઉત્તર ક્રિયા કહેવાય છે. આ દિવસે થતી વિધિઓને દસમું અગિયારમું પણ કહેવાય છે. આ દિવસે મરનારનો પુત્ર પુત્રાદિ પિંડદાન સરાવા કરવા પવિત્ર જગ્યા મંદિર આદિમાં જાય છે. આ સમયે પિંડદાન માટે બ્રાહ્મણે અગાઉથી સૂચવેલી વસ્તુઓ તૈયાર જ હોય છે.
– પિંડદાન માટે સામગ્રી : દેવોનાં સ્થાપન માટે પાંચ રંગના સાત સ્થાપન જેમાં લાલ રંગના બે, સફેદ રંગના બે, તથા લીલું, પીળું અને કાળું વસ્ત્ર -1-1 સ્થાપન માટે લઇ જવાય છે. તથા પંચામૃત, ફૂલો તુલસી, ધ્રોફડ તથા દર્ભ. પાકાં ફળ નંગ-7, તથા પાંચ માટીના લોટકા, પાંચ કોડિયા, શ્રીફળ નંગ-7 તથા 1-ગડગડિયું શ્રીફળ મળી 8 શ્રીફળ. ત્રાંબાના ત્રાંસ-1, ગાંબાનો લોટો-1, સોપારી 400 ગ્રામ, ગાયનું ધી પ00 ગ્રામ, જવ,તલ, કમોદ, કાળા તલ વગેરે 200-200 ગ્રામ, તથા ઘઉં-ર કિલો, ચોખા ર કિલો, મગ-1 કિલો, અડદ-1 કિલો, ચણાદાળ-1 કિલો, તલ-1 કિલો, કાગ-500 ગ્રામ, આ સિવાય ઘઉં નો લોટ કિલો, ચોખાનો લોટ 1 કિલો, તથા હવન પ્રગટાવવા છાણા, સરપણ જરૂર મુજબ. આ સિવાય ત્રણ ધોતિયાં, ત્રણ ચડીઓ, વાડકા, થાળીઓ, ત્રણ ચમચીઓ વગેરે સામગ્રીઓ પણ લઇ જવાય છે. ઉત્તરક્રિયાનો વિધિ બહુ લાંબો એટલે લગભગ પાંચ કલાક સુધી હોમ હવનમાં સમય જાય છે. બ્રહ્મા,વિષ્ણુ, મહેશ, ધર્મરાજ અને પિતૃદેવતાનો એક એક માળા અંતે હવનમાં હોમવામાં આવે છે ત્યારબાદ બીડું હોમાય છે. આ વિધિમાં લગભગ 42 જેટલા પિંડોનું દાન કરાય છે. બ્રાહ્મણ દ્વારા તેના મંત્રો બોલાય છે. ને વિધિકાર્ય પુરું થાય છે.
– પાણીઢોળ-દહાડો : પાણીઢોળ એ બારમાની વિધિ છે. આ વિધિ એકાદ કલાકમાં પૂરી થઇ જાય છે. આ વિધિ માટેની સામગ્રી પંચામૃત, ત્રાંબાનો ત્રાંસ, પાણી, અબીલ, ગલાલ, કંકુ, ફૂલો, તુલસી, અગરબતી, રૂ, બાકસ તથા 250 ગ્રામ ઘઉંનો લોટ એટલી જ સામગ્રીની જરૂર પડે છે.
પ્રથમ ઘઉંનો લોટ બાંધી 3 પિંડ : પિતા, પ્રપિતા, વૃદ્ધ પિતા માટે તથા બે પિંડ : સત્યેશ અને વિષ્ણુભગવાન માટે તથા 1 – પિંડ લાંબો : મૃતક માટેનો બનાવાય છે. આ એક પિંડને દર્ભ (દાભડો) અથવા સોનાની સળીથી ત્રણ ભાગ કરી ત્રણ પિંડો સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ નિત્ય તર્પણમાં દેવતર્પણ, પિતૃ તર્પણ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. એ પછી પિતૃનું સ્થાપન કરી તેનું પૂજન કરી વિસર્જન કરાય છે. આ વિધિ મહાદેવના મંદિરના સાનિધ્યમાં કરવાની હોય છે. આ વિધિ અહીં પૂરી થાય છે.
– ધર આંગણે : ત્યારબાદ ઘેર આવીને ઘરને આંગણે ખંડ ચોક પુરાય છે. જુવારના દાણાથી પુરાયેલા ખંડના ચારે ખુણે ચાર ઘડાં ચાર બૈરાઓ પાણી ભરીને આવે છે તે તેમાં મુકાય છે. આ ચારે ઘડા ફરતે કાચા દોરાં વીંટવામાં આવે છે પછી યજમાન પાસે તર્પણ કરાવાય છે. પણ માળબંધી તોડવામાં આવે છે. અને પીપળે પાણી રેડાય છે. મૃતકની પત્ની જો જીવિત હોય તો સાડીનો છેડો તર્પણના ત્રાંસમાં ઝબોળી ચાર વખત બહાર કાઢી નીચોવે છે. ત્યારપછી મૃતકની પાછળ શૈયાદાન, દીપદાન, વસ્ત્રદાન, ગૌદાન, પદદાન, પાદુકાદાન, ચપલ વગેરે અન્નદાન તથા અન્ય દાન ઇચ્છાશકિત મુજબ કરાય છે. પછી સૌ મિષ્ટાન જમે છે.
– શોક ભાંગવો : ત્યાર પછી મૃતક પતિ હોય તેની પત્નીને તેના માવતર પિયર તેડી જઇને શોક ભંગાવે છે ને સાકર, ટોપરું કોપરું પેંડા વગેરેના ટુકડા કરીને દરેકના મોંમા મુકે છે. તથા બૈરાનાં માથામાં તેલ નાખી તેના કપાળે ચાંદલો કરી શોક ભાંગવામાં આવે છે.
– સૂતક : અપવિત્રતા : સૂતક એટલે અપવિત્રતા માણસનું મૃત્યુ થતાની સાથે જ સૂતક શરૂ થઇ જાય છે. જેમાં બ્રાહ્મણ માટે 10 દિવસ. ક્ષત્રિય માટે 12 દિવસ, વૈશ્ય માટે 15 દિવસ અને શુદ્ર માટે 1 મહિનો સૂતકનો ગણાય છે. ફઇના, માસીના તથા મામાના પુત્રો, આત્મબંધુ કહેવાય છે પિતાની ફઇના, પિતાના માસીના તથા પિતાના મામાના પુત્રો પિતૃબંધુ કહેવાય છે. અને માતાની ફઇના, માતાની માસીના તથા માતાના મામાના પુત્રો, માતૃબંધુ કહેવાય છે. આ ત્રણ પ્રકારના બંધુઓમાંથી કોઇ મરણ પો તો તેનું દોઢ દિવસનું સૂતક લાગે છે. પણ જો તેની પરણેલી ક્ધયા મરણ પામે તો તેનુ એક અહોરાત્રિ સૂતક લાગે છે અને જો કુંવારી મરણ પામે તો તેનું માત્ર સ્નાન લાગે છે.
– વરસી છમાસી : મૃતકની પાછળ છ મહિને કરાતી વિધિને છમાસી કહે છે વરસે કરાતી વિધિને વરસી કહેવાય છે. પરંતુ આજના ઝડપી જમાનામાં આ વિધિઓ એકાદ કે બે મહિનાની અંદર કરી લેવાય છે. તેમાં માત્ર સ્ત્રીઓ જ ભાગ લે છે. પુરુષો નહિં. ખરેખર તો આ વિધિઓ શાસ્ત્રોએ સૂચવેલા સમયે જ કરવાની હોય છે. કારણ કે આત્માને યમદ્વારે પહોંચતા 1 વર્ષ લાગે છે એમ આપણા શાસ્ત્રો કહે છે.
આ સમય દરમ્યાન મૃતકનાં અસ્થિઓ કે જે માટીના લોટકામાં સંઘર્યા હોય છે તેને પવિત્ર નદીઓ, ગંગા, જમના કે દામોકુંડમાં પધરાવી દઇ આ તમામ વિધિઓ બાદ મરનારનો પરિવાર શોકમુકત થઇ પોતપોતાના કામ ધંધામાં લાગે છે.
વિદ્યાથીઓ, આપણે આવું બધું જાણવું એ જરુરી છે ને તે પણ એક શિક્ષણ જ છે. આજે આજના નવયુવકોને આવી વિધિઓની ખબર જ નથી. તેથી આવી ઘટના બને ત્યારે તે મુંઝાઇ જાય છે. પણ જો તેણે આવિધિઓ વિશે શીખ્યું હોય તો અડધો ભાર હળવો થઇ જાય.

-ચંદ્રકાન્તભાઇ પટેલ (સરલ)
સંસ્કૃતિ દર્શન, આસોપાલવ શેરી નં. 2
રેલ્વે સ્ટેશન પ્લોટ
માણાવદર જિ. જૂનાગઢ
મો. 87359 02424

NO COMMENTS