ગણેશ ચર્તુથી : આજે ગણપતિ દાદા ઘરે પધારશે

0
319

(તારક દિવેટીઆ- વડોદરા)

આપણે જાણીએ છીએ કે ભાદરવા સુદ ચતુર્થી ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય છે. શ્રી ગણેશ એ તો આપણા આરાધ્ય દેવ, નાના મોટા કોઇપણ શુભ પ્રસંગ હોય ત્યારે પ્રસંગની શરૂઆતમાં સૌ કોઇ શ્રી ગણેશજીને યાદ કરીને તેમની પૂજા, અર્ચના કરે જ છે કારણ એજ કે શ્રી ગણેશ વિધ્નહર્તા છે. આપણે નિર્ધારીત કરેલ શુભ પ્રસંગ હેમખેમ પાર પડે એ માટે વિધ્નહર્તા ને તો યાદ કરવાના જ રહ્યા.
શ્રી ગણેશને આપણે ગણપતિ તરીકે પણ જાણીએ છીએ ગણપતિ શબ્દની ઉતપતિ તરફ નજર નાંખીએ તો ગ એટલે જ્ઞાન અને મોક્ષ. ગણપતિ એટલે જ્ઞાન અને મોક્ષ આપીને પ્રત્યેકનું પાલન પોષણ કરનાર શકિત છે. એજ ગણપતિ ટૂકમાં જ્ઞાનરૂપી પ્રકાશ આપી અજ્ઞાનને દૂર કરે તે ગણપતિ..
આ વર્ષે સપ્ટેમ્બરમાં ગણેશ ચર્તુર્થી આવે છે અને દસ દિવસ અનંત ચૌદશ સુધી દસ દિવસ ભાવ અને ભકિતપૂર્વક ગણેશોત્સવ ઉજવાશે. આમ તો શ્રી ગણેશ ના અનેક નામ છે પરંતુ સંકટ નાશક ગણપતિ સ્તોત્રમાં ગણપતિના બાર નામોથી પ્રાર્થના કરવાનો ઉલ્લેખ છે. આ બાર નામો આ પ્રમાણે છે. વક્રતુન્ડ, એકદંત, કૃષ્ણપિંગાક્ષ, ગજવક્ર, લંબોદર, વિકટ મેવચ, વિધિરાજેન્દ્ર, ધુમ્રવર્ણ, ભાલચંદ્ર, વિનાયક, ગણપતિચ અને ગજાનન એવું કહેવાય છે કે ગણપતિનું પેટ વિશાળ હોઇ તે ક્ષમાશીલ છે અને ઉદાર દિલના છે. તેઓનું મૂળ ગજનું હાથીનું હોઇ તેઓ ગજાનન તરીકે ઓળખાય છે. તેઓ મોટા મનવાળા અને મોટા કાનવાળા હોઇ આપણી અરજ અને પ્રાર્થના સાંભળી શકે છે.
શ્રી ગણેશને મોદક પ્રિય છે. વળી મોદક એ જ્ઞાનનું પ્રતીક છે એટલે એને જ્ઞાન મોદક પણ કહેવામાં આવે છે. મોદકનો સ્વાદ મીઠો મધુર હોય છે જ્ઞાનનો આનંદ પણ તેવો જ છે. જ્ઞાન એજ શકિત છે. માટે જ ગણપતિને જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે. મહાભારત લખવા માટે મહર્ષિ વ્યાસને એક બુધ્ધિમાનની જરૂરત હતી તે કાર્ય કરવા માટે તેમણે ગણપતિ પર પસંદગી ઉતારી તેમની પ્રાર્થના કરી અને મહાભારત લખવાનું કાર્ય શ્રી ગણપતિની કલમે કર્યું હતું.
મૂષક એટલે કે ઉંદર એ એમનું વાહન છે એ પણ સુચિતાર્થ એટલા માટે કે તેઓ પ્રત્યેક નાનામાં નાની વસ્તુઓ પ્રત્યે ધ્યાન રાખી શકે છે. તેમની આંખો બારીક અને નાની છે જેથી તેઓ દૂર સુધી સારું જોઇ શકે છે. અને દ્રષ્ટિમાત્રથી જાણકારી મેળવી શકે છે.
ગણપતિની પૂજા ચતુર્થીના દિવસે વિશેષ રીતે થાય છે કારણ આ એમની પ્રિય તિથિ છે. ચતુર્થ એટલે જાગૃત ત્રણેય અવસ્થાની ઉન્નત થઇ ચોથી અવસ્થા. જેને તુર્યાવસ્થા કહેવામાં આવે છે, તેને પ્રાપ્ત કરવાથી જ પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના જીવનનું પરમ સાધ્ય મેળવી શકાય છે.
ગણપતિના પરિવામાં માતા પિતા શંકર અને પાર્વતી, પત્ની રિધ્ધિ, સિધ્ધિ અને બુધ્ધિ પુત્રો શુભ અને લાભ તેમજ પુત્રી સંતોષીમાં, ગણપતિને એકલા ન પૂજતા સહપરિવાર પૂજવામાં આવે છે જેથી ભકત પર ગણપતિની સાથે રિધ્ધિ સિધ્ધમાંની કૃપા, આગમન અને પ્રત્યેક વાતમાં સંતોષી રહેવાનું વરદાન પ્રાપ્ત થાય છે.
ગણપતિ વિષે કલમ ચાલી રહી છે ત્યારે પુના નજીક આવેલ અષ્ટવિનાયક ગણપતિના દર્શનનો ઉલ્લેખ કરવો પડે કે જે પુનાથી 650 કિ.મી.ના અંતરે છે. મુંબઇના સિધ્ધિ વિનાયકના દર્શને શ્રધ્ધાળુઓ દર્શને ઉમટે છે. લોકોની આસ્થા જોઇને થાય છે કે હજુ લોકોના હદયમાં શ્રધ્ધાદીપ પ્રજજવલિત રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા મુંબઇના દર્શને જઇએ ત્યારે ખ્યાલ આવે કે કલાકો સુધી ઉભા રહીને દર્શન કરવા માટે ભકતો કેવા ઉત્સુક હોય છે.
ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા કોઠગણેશ નું જે સ્થાન આવેલ છે ત્યાં જમણી સૂંઢવાળા પાંચ ફૂટના શ્રી ગણેશ બિરાજે છે. જેનું મહત્વ પણ વિશેષ છે.
ગણેશજીના અનેક મંત્ર છે પરંતુ સૌથી સરળ અને ઉત્તમ મંત્ર
ઓમ ગં ગણપતયે નમ : છે એવું કહેવાય છે કે અંતરના ઉંડાણથી જો આ મંત્રની માળા કરવામાં આવે તો દિવસના કોઇપણ કાર્યાં વિધ્નનો સામનો કરવો પડતો નથી. અત્યારના યુગમાં પ્રવર્તતા શબ્દોનો ઉપયોગ કરીને કહેવું હોય તો શ્રધ્ધા ખરેખર ઓરગેનીક હોવી જરૂરની છે. ચાલો આપણે પણ શ્રધ્ધાદીપ પ્રગટાવીને શ્રી ગણેશને સાદર વંદન કરીએ.. ગણેશોત્સવને આનંદ પૂર્વક ઉજવીએ.
– તારક દિવેટીઆ
વિકાસ જયોત ટ્રસ્ટ
નાગરવાડા ચાર રસ્તા
ભરત ફલોરમીલ પાછળ
બરોડા, મો. 98983 74150

ganesh-chaturthi

NO COMMENTS