સુખ શાંતિ માટે બીજાને સુખ આપવું

0
80

(રાજેષભાઇ ત્રિવેદી-રાજકોટ)

સર્વ સામાન્ય અને માનવ માત્રને પૂર્ણ પણે ખ્યાલ હોય તેવી વાત હોય તો એ છે કે બીજાને સુખ આપીએ તો આપણને સુખ શાંતિ પ્રાપ્ત થાય. છતાં આનો તો આપણે અમલ વાસ્તવિક જીવનમાં કેમ જોઇ શકાતો નથી ? આપણે વાસ્તવિક જીવનમાં જોતા હોઇએ છીએ કે અનેક લોકો બીજાને દુ:ખી જોઇ કે દુ:ખી કરીને શાંતિ મેળવતા હોય છે. આ વાત કુદરતનાં નિયમ અને ધર્મ કે શાસ્ત્ર વિરુદ્ધ ની વાત છે.
વાસ્તવિક જીવનમાં આપણે માનવી પાસેથી વાતો સાંભળતા હોઇએ છીએ કે આપણે તો મનુષ્ય છીએ થોડા સાધુ સંત છીએ ? આપણાથી કોઇક ભૂલ થઇ જાય તો આ ભૂલ પછી ઇશ્ર્વર કે ભગવાનની માફી માંગી લઇએ એટલે ક્ષમા મળી જાય. આ વાત સત્ય પણ એકવાર ક્ષમા મળે બીજીવાર કે વારંવાર નહિં માટે માનવીએ ભૂલો પર ભૂલો કરતી રહેવી અને ઇશ્ર્વર પાસે ક્ષમા માંગ્યા કરવી અને માનવી તેમાંથી શાંતિનો અનુભવ કરતો રહેતો હોય છે. જે તદન બરાબર નથી.
આપણામાં માનવી તરીકેનાં બરાબર લક્ષણો હોય જ અને છે તો આપણે પૂર્ણપણે સભાનતા અને તમામ સકારાત્મક લાગણીઓની ઊર્જાની આપણા મગજ અને હોર્મોન્સ પર અસર થતી હોય છે. આપણે બીજાનું ભલું કરીએ તેથી આપણી આસપાસના વાતાવરણમાં આપણા પરિવારમાં તેની અસર થતી હોય છે. અને અન્ય લોકોની આપણા પર સકારાત્મક લાગણીઓ જોવા મળતી હોય છે. જેને કારણે આપણા શરીર, વાસ્તવિક જીવનમાં પણ અસર થતી હોય છે અને પોઝીટીવ ઊર્જા ઉત્પન્ન થતી હોય છે. જેને કારણે આપણને શાંતિ, ખૂશી અને આનંદ નવી આશાઓની લાગણીઓ અનુભવીએ છીએ.
આપણે વાસ્તવિક જીવનની વાત કરીએ તો, આપણે દ્રષ્ટિ બદલીએ તો ઘણી સુખ શાંતિનો અનુભવ થતો હોય છે. તમારી પાસે આર્થિક રીતે ઓછું હોય, પરિવારના અન્ય કુટુંબીજનો આર્થિક સધ્ધર હોય, પાડોશી સધ્ધર હોય. ત્યારે તેની ઇર્ષ્યા કે અદેખાઇ નહિં કરતા શુદ્ધ વિચાર કરજો કે તેની પાસે આર્થિક સદ્ધરતા છે. તો છે ને રહેવા દો. તેની પાસે સદ્ધરતા છે. તો તે આપણને કયારેય નહિં નડે ? આવી માનસિક દ્રષ્ટિ કેળવવાથી મનને તો શાંતિ જ મળશે. અને દિલથી આવું અનુભવશો તો કયારેક આવું સુખ આપણા ભાગ્યમાં પણ આવશે. માટે બીજાનું સારું જોઇને કદી બળવું નહીં.
સુખ, દુ:ખની વાત કરીએ તો તે માનવીના સમજણ પર પણ આધાર રાખતું હોય છે કે અવલંબિત હોય છે. તમારી દ્રષ્ટિ કે વિચાર સરણી પરથી તમારું સહજ જીવનનો ખ્યાલ આવી જતો હોય છે. ઘણા લોકો ઘાતકી, મિજાજી હોય તેનામાં લાગણી, દયા, પ્રેમ ન હોય તેના મતે સુખની દ્રષ્ટિ જુદી હોય છે. તે કોઇનું જુટવી લઇ, આચકી લ્યે ત્યારે તેનાથી તેને આનંદ પ્રાપ્ત થાય છે. જુટવીને લેવાથી તે તેને હિંમત ગણતા હોય છે. આજે ઘણા લોકો પોતાની જાતને કાયદાના નિષ્ણાંત માનતા હોય છે. તે આંટી ઘૂટીથી કોઇની મિલ્કત પચાવી પાડતા હોય છે. તેમાં તે બુદ્ધિશાળી કે ચાલાક માનતા હોય છે. આવા ક્રૂર, લૂચ્ચા, બેશરમી લોકો આવા કૃત્ય આચર્યા પછી તેને ક્ષણિક શાંતિ મળતી હોય છે. પણ આ માનવી તે નહિં જાણતો હોય કે આ શાંતિ પાછળ અશાંતિ કે દુ:ખ જ સંગ્રહેલું છે. આપણે સર્વને વિદીત છે જ કે અન્યાય કે દુરાચારનું પ્રાપ્ત કરેલું કયારેય સુખ આપતું નથી તે આપણે કે આપણા વારસદારોને મુશ્કેલી સર્જતું હોય છે. જે ધર્મોશાસ્ત્રો દ્વારા પણ આપણને જાણવા મળે છે.
ઘણી વાર્તાઓ ઇતિહાસમાં કંડારેલી છે કે ઘરમાં ખાવાપીવામાં માટે ટંકે ટંકનું થતું હોય રસોઇ બની ગઇ હોય, ને ઘરના જ વ્યકિતનું રંઘાયું હોય અને જમવાનો સમય થાય, ત્યાં ઘર આંગણે સાધુ આવે અને ભિક્ષા માંગે, ભિક્ષા આપે તો પોતે ભૂખ્યા રહે તે ખ્યાલ હોવા છતાં આપણી નારી સાધુ સંતને જમાડતી અને જમાડયા બાદ આ પરિવાર ભૂખ્યા પેટે પણ સુખ શાંતિનો અનુભવ મહાલતા હોય છે. આવી અનેક વાતો આપણા વાસ્તવિક જીવનમાં કંડારેલી છે. બીજાને સુખ માટે ધન જ આપવું જરુરી નથી. વૈચારિક રીતે બીજાને મદદ કરો, બીજાના દુ:ખમાં ભાગીદાર થાવ, કોઇને દવાખાને લઇ જાવ, સામાજિક, શૈક્ષણિક કે સેવાકિય સંસ્થાઓને માનસિક, શારીરિક મદદ કરો, શકય હોય તો રકતદાન, દેહદાન, ચક્ષુદાન દ્વારા પણ સેવા કરી શકો છો, વૃક્ષ પર્યાવરણમાં મદદ કરી શકાય. આપણને ન ગમતા લોકો હોય છતાં તેના સારા ગુણના વખાણ કરવા, ખોટી નિંદા-ઇર્ષ્યા કે ખટપટ તો ન જ કરવી આવી અનેક રીતે આપણે સામાજિક જીવનમાં મદદરુપ થઇ શકીએ. આવી સારી બાબતો આપણા જીવનમાં પ્રાપ્ત કરવાથી સુખ શાંતિ સમુદ્ધિ તમારા જીવનમાં આવશે જ અને તે તમે જાણી અને જોઇ પણ શકશો માટે માણસે માણસ બનવું અનિવાર્ય છે. તેથી કહેવત છે કે “જીવો અને જીવવા દો…
-રાજેષભાઇ ત્રિવેદી
લાયબ્રેરીયન, પી.ડી.યુ.કોલેજ
રાજકોટ. મો. 9898027514

NO COMMENTS