બાળકોની અધિષ્ઠાત્રી દેવી ષષ્ઠી

0
28
Goddess Sashti Devi Stotram
Goddess Sashti Devi Stotram

(ચંદ્રકાન્તભાઇ પટેલ (સરલ)-માણાવદર)

દેવી પૂજા- શકિતપૂજા કયારથી શરૂ થઇ તેના નિશ્ર્ચિત સમય જાણી શકાયો નથી. પૃથ્વીના આદિકાળમાં પ્રકૃતિ અને પુરુષ બે જ હતા. પુરુષરૂપે નિરાકાર શિવપૂજા શરૂ થઇ તે પછી લાંબા કાળ બાદ પ્રકૃતિરૂપે શકિતદેવીપૂજાનો પ્રારંભ મનાય છે.
આદિ માનવસમાજોમાં, ખાસ કરીને નૂતન પાષાણયુગના સમાજોમાં સ્ત્રીને દેવી તરીકે ગણવામાં આવતી હતી. સ્ત્રીત્વના સૌથી અગત્યના પાસાંરૂપ માતાને ફળદ્રુપતા ધરાવતી પ્રકૃતિ સાથે એકરૂપ ગણવામાં આવી છે. માતૃદેવીની પૂજાનો સૌ પ્રથમ પ્રાચીનતમ પુરાવો સિંધુખીણ સભ્યતામાંથી મળે છે.
માતૃભકિતના મંડાણ અંધારઘેરી ગુફામાં મંડાયા હોવાનું ખોડીદાસ પરમારનું મંતવ્ય છે. પરમાર લખે છે કે આદમ કાળનો માનવી જંગલ, વન વૃક્ષોના રહેઠાણ (રહેણાંક) છોડી અંધારઘેરી ગુફામાં વસતો થયો. ગુફામાં માની કૂખના જેવો જ અંધકાર હતો. આ અંધકારની વચ્ચે પણ માનવીમાં સ્નેહ, પ્રેમનાં ઝરણાં વહેતાં હતાં. એ પ્રેમના પરિપાકરૂપે પ્રગટેલું નવું જીવન અને જનેતાની કૂખેથી અવતરેલું નવજાત શિશુને માતા હૃદયના ઉમળકાથી ઉછેરતી, સ્તનપાન કરાવતી. સૌ પ્રથમ આ સ્થળેથી જ વિશ્ર્વમાં માતૃભકિતના મંડાણ મંડાયા હશે.
આપણા દેશમાં સૌ પ્રથમ બહારથી આવીને વસેલી જાતિઓ જેવી કે હબસી, નિષાદ, દ્રવિડ, કિરાત, આર્યો વગેરે પોતપોતાના દેશની સંસ્કૃતિ લઇને અહીં આવ્યા હતા. ભારતમાં એ બધી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનું મેળવણ થયું. આમ અનેક સંસ્કૃતિનાં મેળવણથી આ દેશમાં મહાન ધાર્મિક પરંપરાનું નિર્માણ થયું. એ મિશ્રણને કારણે કોઇ એક દેવી કે દેવતાઓનું મૂળ સ્વરૂપ રહ્યું નહીં. અને એ મેળવણને કારણે અનેક બીજા દેવી દેવલાંઓનાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં છે.
શકિતદેવીઓનાં ચોસઠ હજાર સ્વરૂપો માનવામાં આવે છે. વાયુપુરાણમાં કહ્યું છે કે મહાદેવીનાં પ્રજ્ઞા અને શ્રી એ જ બે મૂળ સ્વરૂપો છે. એમાંથી હજારો દેવીઓ ઉત્પન્ન થઇ છે. દેવીઓનીં અનેક નામો અને સ્વરૂપોનો અભ્યાસ કરતાં એ જણાય છે કે તેઓ ‘ઘોર’ અને ‘શિવ’ એમ બે ભાગોમાં વહેંચાયેલી છે.
આ બધી દેવીઓમાં એક દેવી ષષ્ઠીમાતા છે. આપણા વિદ્વાનો લેખકોએ ષષ્ઠીદેવીઓની ઉત્પતિ અને તેનાં કાર્ય સ્વરૂપો ઉપર કલમ ચલાવી જ નથી. જે કોઇ સર્જકોએ થોડું લખ્યું છે, તે પાશેરામાં પૂણીસમાન ગણાય છે. ષષ્ઠી ઉપર સંતોષકારક કે સંતોષજનક કરવામાં વિદ્વાનો ઊણાં ઊતર્યા છે. અહીં ષષ્ટીમાતાનાં સ્વરૂપો, કાર્યો અને તેની ઉત્પત્તિ વિશે સમજવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
બાળકના જન્મના છઠ્ઠા દિવસે જે દેવીની પૂજા કરવામાં આવે છે તે દેવીનું નામ ષષ્ઠીમાતા છે. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તેને છઠ્ઠીદેવી તરીકે ઓળખવાઇ છે.
આ ‘ષષ્ઠી’ મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થઇ હોઇ, તે ષષ્ઠી કહેવાય છે. શાસ્ત્રોએ તેને બાળકોની અધિષ્ઠાત્રી દેવી ગણાવી છે. અને ‘વિષ્ણુમાયા’ તથા ‘બાલદા’ તરીકે પણ ઓળખાવી છે.
પષ્ઠીદેવી પૂજા કયારથી શરૂ થઇ એ પ્રશ્ર્ન અનુત્તર જ રહ્યો છે. ગુપ્ત કાળમાં ષષ્ઠીદેવીની પૂજા અને સ્થાપનનો ઉલ્લેખ મળે છે. આ સમયના કેટલાક લેખો અને મળી આવેલી માટીની મહોરમાં ‘ષષ્ઠીદેવી’ ‘ષષ્ઠીદત્ત’ એવાં નામો મળી આવ્યાં છે. કાશ્યપ સંહિતામાં ષણ્મુખીષષ્ઠીનું અંકન યૌધેય ગણના કેટલાક સિક્કાઓ પર મળ્યું છે. એ લગભગ બીજી કે ત્રીજી સદીના છે. તાંબાની આ મુદ્રાઓ ની એક બાજુ ‘ષડાનન’ કાર્તિકેય અને બીજી બાજુ ‘ષણ્મુખી’ દેવીની મૂર્તિ છે. એનો મેળ ષણ્મુખી ષષ્ઠી સાથે બેસી શકે છે.
ષષ્ઠીમાતાની પૂજા આદિમાનવકાળમાં પણ અસ્તિત્વમાં હતી. ઇતિહાસવીદ્ સ્વ. બાબુભાઇ પેથાણીની નોંધપોથીમાંથી લખ્યાનુસાર-આદિમાનવકાળમાં બાળકના જન્મના છઠ્ઠા દિવસે અને એકવીસમાં દિવસે જન્મની ખુશીરૂપે એક ઉત્સવ ઉજવવામાં આવતો. આ ઉત્સવમાં સ્ત્રીઓ જ ભાગ લેતી. ‘છઠ્ઠમાતા’ નામની દેવીની સ્થાપના છ દિવસ સુધી કરવામાં આવતી. નવજાત શિશુને કપડામાં સુવડાવી કપડાના ચાર છેડાને પકડી બાળકને ‘છઠ્ઠમાતા’ સામે ઝૂલાવમાં આવતું. પછી બધી સ્ત્રીઓ ટોળેવળીને ગીતો ગાતી. એ ગીતો મોડી રાત સુધી ગવાતાં બીજે, ત્રીજે, ચોથે એમ છ દિવસ સુધી આ ઉત્સવપૂજા ચાલતી. છેલ્લા દિવસે બાળકને ઝુલાવેલું કપડું નદીમાં પધરાવી દેવાતું. આ વિધિ સમયે પણ સ્ત્રીઓ ગીતો ગાતી હતી.
‘દેવી ભાગવત’ માં ષષ્ઠીને કાર્તિકેય સ્વામીની પત્ની બતાવાઇ છે. અને મૂલપ્રકૃતિના છઠ્ઠા અંશથી તે પ્રગટ થઇ હોય, માટે ષષ્ઠી કહેવાઇ હોવાનું લખ્યું છે. ‘ષષ્ઠી’ કાર્તિકેય સ્વામીના પત્ની હોઇ, તેથી ઘણાં રાજયો કે ઘણા પ્રદેશોમાં બાળકના જન્મના છઠ્ઠા દિવસે પષ્ઠીદેવીની પૂજાના સમયે કાર્તિકેય (સ્કંદદેવતા) ની પણ પૂજા કરવામાં આવે છે. કવિ દંડીના સમયમાં પણ બાળકના જન્મના છઠ્ઠા દિવસે, એકવીસમાં દિવસે ‘બહુપત્રિકા’ નામની દેવીનું પૂજન કરાતું અને કાર્તિકેયદેવતાનું પૂજન વિધિવત કરાતું. આ સમયે સ્ત્રીઓ જે ગીતો ગાતી તેમાં ‘કુમાર ‘સ્વામી ‘ગુહ’ ‘સુબ્રહ્મન્ય’ અને ‘શકિતધર’ વગેરે શબ્દો વારંવાર આવર્તન પામતા હતા. આ બહુપત્રિકા એ જ છઠ્ઠીમાતા કે ષષ્ઠી દેવી છે.
‘રેવતીકલ્પ’ માં ‘રેવતી’ નામની દેવીનો ઉલ્લેખ મળે છે. આ દેવીને અનેક રૂપોવાળી કહી છે. ‘જાતહારિણી’ નું રૂપ લઇને માનુષી અને અમાનુષી જીવ એમ બધાના ગર્ભમાં પ્રવેશ કરી રહેલા અસુરોનો નાશ કરે છે. વૃક્ષ અને વેલીઓનાં પુષ્પો તથા પર્ણોને સૂકવી દે છે. બાળકોનાં શરીરને પણ સૂકવી નાખે છે. એ જન્મ લેતાં, અને જન્મનારાં બાળકોને મારી નાખે છે. લોકભેદે એ ત્રણ પ્રકારની છે (1) દેવી (2) માનુષી અને (3) તિરશ્રીના પક્ષીઓમાં રહેનારી જાતહારિણી
આ રેવતીનાં અનેક રૂપ અને અનેક નામ હતાં જેવા કે વારુણી, રેવતી, કુમારી, બહુપત્રિકા, શુષ્ખાષષ્ઠી, શીલવતી, પૂતના, યમિકા, મુખમંડિકા, ભૂતમાતા, લોકમાતા, હારીતી, જાતહારિણી, સૂતિકાષષ્ઠી, જાતમાતૃદેવી, દેવસેના, અદિતિ સમેત રેવતીની બીજા અનેક નામો અને સ્વરૂપોમાં પૂજા કરામાં આવતી.
‘પ્રાચીન ભારતીય લોકધર્મ’ ના અનુવાદક યશવંત ત્રિવેદીએ હારીતી અને જાતહારિણી એ બન્નેને એકરૂપ કહી છે જાતહારિણીમાં જાત એટલે
બાળક. હારીતી એટલે હરણ કરનારી. બાળકોનાં હરણ કરવાને લીધે એ ‘હારીતી’ કહેવાઇ છે. હારીતી એ બૌદ્વ દેવીનું નામ છે. એ પણ એક લોકદેવી જ હતી. એ ત્યાંનાં બાળકોને પકડીને ખાઇ જતી હતી એને પોતાને પણ ઘણાં બાળકો હતાં. કહેવાય છે કે એમની સંખ્યા પાંચસો હતી. એકવાર જયારે બુદ્ધ રાજગ્રહ આવ્યા ત્યારે લોકએ હારીતી વિશે ફરિયાદ કરી. બુદ્ધે હારીતીના એક બાળકને છુપાવી દીધું. પોતાનું બાળક ખોવાયું જાણીને એને ખૂબ દૂ:ખ થયું. એ બાળકને ચારે તરફ ખોળવા માંડી. બુદ્ધ ભગવાને યોગ્ય સમય જોઇને એને સમજાવ્યું : “તને તારા એક બાળક માટે આટલું દુ:ખ થાય છે, તો જે માતાઓમનાં બાળકોને તું ખાઇ જાય છે તેમને શું થતું હશે ? બુદ્ધના પ્રત્યક્ષ ઉપદેશની એના પર બહુ સારી અસર થઇ. એણે બુદ્ધને શરણે આવીને પ્રતિજ્ઞા લીધી કે હવે પછી હું આવું નહીં કરું. બુદ્ધે એને ક્ષમા આપી અને એ ત્યારથી બાળકોની અધિષ્ઠાત્રી દેવી અને રક્ષક બની ગઇ. બધે એની પૂજા થવા લાગી. આ જાતમી લોકસંમત દેવીની અનેક નામ રૂપોમાં ખ્યાતી થવી સંભવ અને સ્વાભાવિક હતી. બહુપત્રિકા અને બહુપુત્રા નામની સંગતતા પણ હારીતીના ઘણા પુત્રો ઉપરતી સમજી શકાય છે એ ઘણાં બાળકોની વીંટળાયેલી રહેતી. દેવોની માતા અદિતિનું જ બીજું નામ રેવતી છે.
વાસુદેવશરણ અગ્રવાલ લખે છે કે બહુરૂપા રેવતી દેવી સ્કંદની આજ્ઞાથી જ બધી જાતિઓમાં પ્રવેશ કરીને અધાર્મિકોને ભુલવામાં નાખીને દુષ્ટોનો નાશ કરે છે. પોતાના કલ્યાણકારી રૂપમાં આ રેવતી જયારે ષષ્ઠી બની ત્યારે એના પરિવાર કે વ્યૂહની કલ્પના જે રીતે થઇ તે વિશે કાશ્યમ સંહિતામાંથી મૂલ્યવાન સામગ્રી મળે છે. સ્કંદના ચાર ભાઇઓ હતા. એમાં પાંચમો ભાઇ નંદિકેશ્ર્વર થયો. છઠ્ઠા નંબરની બહેન ષષ્ઠી એ નામે લોકોમાં પ્રસિદ્ધ થઇ. આ ષષ્ઠી કે છઠ્ઠીદેવી જુદાં જુદાં ત્રણ રૂપે પૂજાતી હતી. જેમાં સુતિકાષ્ઠી, પક્ષષષ્ઠી, ષણ્મુખી એ બધાં રેવતીનાં જ જુદાં સ્વરૂપો ઉત્પન્ન થયાં. પષ્ઠીનાં જે ત્રણ રૂપો થયાં એમાં જેની પૂજા બાળકો માટે પહેલાં પણ થતી હતી અને ખાસ કરીને છઠ્ઠીને દિવસે આજે પણ થાય છે તે સૂતિકાષષ્ઠી છે. જાતમાતૃકાદેવી કે જાતમાતૃદેવી વિશે ટીકાકાર શંકરે લખ્યું છે :
જાતમાતૃદેવતાનાંબે ખાસ લક્ષણો હતાં. એક તો એ ઘણાં બાળકોથી વીંટળાયેલી રહેતી અને બીજું એની મૃખાકૃતિ બિલાડી જેવી હતી. આ જાતમાતૃદેવીને માર્જરમુખી પણ કહેવાઇ છે. એ ઉપરથીલાગે છે કે એજ ષષ્ઠીદેવીનું સાવ અલાયદું રૂપ હશે. માર્જરમુખીનું બીજું નામ ચર્ચિકા કે ‘ચર્ચાદેવી’ પણ મળે છે. આ ‘ચર્ચિકા’ લોકોમાં ‘છાછીદેવી’ નામથી પણ પૂજાતી. આ સિવાય ‘જરા’ નામની રાક્ષસી પણ આદિમ નિવાસીઓમાં કુળદેવી કે ગૃહદેવી તરીકે પૂજાતી હત4ી. આ ‘જરા’ તે જ બુદ્ધ પરંપરા ‘હારીતી’ નામે પ્રસિદ્ધ થઇ છે. લોકમાં પૂજાતી જાતહારિણી પણ ‘જરા’ નું એક સ્વરૂપ મનાય છે.
દેવી ભાગવતમાં પ્રિયવ્રત નામના રાજાની કથામાં રાજની રાણી માલિનીને પેટે જન્મેલાં મૃત:પ્રાય અંગવાળા મરેલા પુત્રનો અંતિમ સંસ્કાર કરવા રાજા તેને સ્મશાને લઇ જાય છે ત્યારે રાજાએ આકાશમાં એક વિમાન જોયું. વિમાનમાં મનમોહક સુંદરીને બેઠેલાં જોઇને રાજએ મૃત બાળકને જમીન ઉપર મૂકી દીધું અને ખૂબ આદરપૂર્વક એ સુંદરીની સ્તુતિ કરી. ત્યારે જગતને મંગળ આપનારાં સ્કંદપ્રિયા ષષ્ઠીદેવી એ દેવ સેના પોતાની દિવ્ય શકિતથી મૃત બાળકને જીવિત કરી સર્વાંગી અખંડાંગી બનાવ્યું. રાજએ ષષ્ઠીદેવી ને પ્રણામ કર્યા. ત્યારે દેવીએ કહ્યું કે હે રાજન ! તમે સર્વત્ર મારી પૂજા કરાવો. એ તમે પણ મારી પૂજા કરો. રાજએ ષષ્ઠીદેવીની આજ્ઞા પ્રમાણે દેવીની પૂજા કરી ત્યારથી દરેક મહિનાની શુકલ પક્ષ છઠ્ઠના દિવસે ષષ્ઠીદેવી નો મહોત્સવ થવા લાગ્યો. સ્વ. પેથાણીની કથન પ્રમાણે ષષ્ઠીદેવીએ રાજાનો પુત્ર જીવંત કર્યો ત્યારે દેવીએ રાજાને બે શરતો પાળવાની આજ્ઞા કરી હતી. એક કે જયારે દરેક ઘરમાં નવું બાળકો જન્મે ત્યારે છઠ્ઠે દિવસે મારી પૂજા કરવામાં આવે. અને બીજું એ કે છઠ્ઠના દિવસે તમામ લોકો મારી પૂજા કરે. નવા જન્મેલાં બાળકના રક્ષણ માટે મારી પૂજા ફરજિયાત બને એવો ઢંઢેરો પીટયા પછી પણ જે કોઇ મને ભૂલી જશે તો તે પોતાનાં બાળકનું છેલ્લુ મુખ જ જોશે. સ્વ. પેથાણીની આ કથનને છઠ્ઠીના દિવસે અચૂક થતી ષષ્ઠી પૂજાનું સમર્થન મળે છે.
પોતાનાં બાળકનાં રક્ષણ કાજે ઘેર ઘેર છઠ્ઠી દેવીની પૂજા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં છઠ્ઠી દેવીને વિધાતા કે વિધાત્રીદેવી તરીકે પણ ઓળખાય છે. બાળકના જન્મના છઠ્ઠા દિવસે રાત્રિના સમયે છઠ્ઠીદેવી બાળકની સંભાળ લેવા આવે છે. અને બાળકનું ભાગ્ય બાળકનાં કપાળ ઉપર લખે છે. ષષ્ઠીદેવીને સત્કારવા સ્ત્રીઓ છઠ્ઠી માંડે છે. તેમાં ષષ્ઠીની પૂજન સામગ્રી એક કોરો કાગળ, પીપળાનું પાન, બરૂ નામના વૃક્ષનાં લાકડાંની લેખણ-કલમ, કંકુ ભરેલી કંકાવળટી, ચોખાના દાણા, સોપારી અને રૂપિયો. વગેરે વસ્તુઓને લાકડાના પાટલા ઉપર ગોઠવે છે. દીવો પ્રગટાવે છે. જાતક બાળકને કપડામાં ઢબૂરીને છઠ્ઠીદેવીને પગે લગાડે છે. બાળક છઠ્ઠીનો દીવે જોઇ જાય તો ત્રાંસી આંખવાળું અથવા બાડું કે આંધળું થાય છે. એવી માન્યતા પ્રવર્તે છે. આ વિધિ પ્રસંગે જો જાતક પુરુષ હોય તો લાપશી અને સ્ત્રી હોય તો ચોખા રાંધવામાં આવે છે. આ નિવેદ માત્ર સ્ત્રીઓ જ ખાય છે. પુરુષોથી તે ખવાતા નથી.
પ્રાચીન સમયમાં છઠ્ઠીને દિવસે જ જાતકનું નામ નકકી કરવામાં આવતું નામ પાડતી વખતે ઘોડિયા પારણાં ના ચારેય ખૂણાને પકડી ચાર કુમારિકાઓ પારણામાં સુવાડેલાં નવજાત શિશુને હિંચકા નાખે ત્યારે શિશુની ફઇબા ગાય છે.

ઓળી ઝોળી પીપળ પાન…
ફઇબા પાડે ….(નામ)….
આ વિધિ પૂરી થયા પછી છઠ્ઠી કરવા આવેલી સ્ત્રીઓ બોલે છે.
પાંચ પાંચ ગામનો મોડવી થાજે
પાંચમાં પૂછાજે, ને પંચમાં પૂજાજે

ભારતણાં ઘણાં રાજયોમાં છઠ્ઠીને દિવસે બીમાતા (વિધાતા) ની પૂજા થાય છે તેમાં ગીતો ગવાય છે. ગુજરાત સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ગીતો ગાવાની પ્રથા નથી. છઠ્ઠીના દિવસે બીમાતા બાળકને જોવા આવે છે. તેની વધામણી રૂપે ગીતો ગવાય છે એ ગીતો બિહાઇનાં ગીતો તરીકે
ઓળખાય છે.

– ચંદ્રકાન્તભાઇ પટેલ (સરલ)
સંસ્કૃતિ દર્શન, આસોપાલવ શેરી નં. 2,
રેલવે સ્ટેશન પ્લોટ માણાવદર જિ. જૂનાગઢ,
મો. 87359 02424

NO COMMENTS