જીવનરૂપી નાટકનું અજાણ્યું પાત્ર : પિતા

0
20
Happy Fathers Day
Happy Fathers Day

સાહિત્યકારો,સંત મહાત્માઓએ વ્યાખ્યાનકારોએ માતાને વિવિધ ઉપમાઓ આપી તેમના ખૂબ વખાણ કર્યા છે. કોઇપણ વ્યાખ્યાનકાર માતા વિષે જ બોલ્યા કરે છે. સંત મહાત્માઓ પણ માતા ના મહત્ત્વ વિશે જ વધારે કહે છે. દેવ દેવીઓએ પણ માતા ના જ ગુણગાન ગાયા છે. લેખકો કવિઓએ પણ માતા ના ખૂબ વખાણ કર્યા છે. માતાનું મહત્ત્વ જીવનમાં અદ્વિતીય અનુપમ છે અને રહેશે. માતાનો મહિમા સૌ ગાતા રહે છે. ગવાય તેમાં ખોટું પણ કશું જ નથી. સ્ત્રીનું માતા તરીકેનું ઋણ પુરુષ કયારેય ચૂકવી નહી શકે. સ્ત્રી સૌથી પહેલા માતા છે. સ્ત્રીના બીજા બધા સ્વરૂપોનું મહત્ત્વ પછી આવે છે. દરેક પુરુષે જન્મ તો સ્ત્રીના કુખે લેવો પડતો હોય છે. એટલે જ માતાનો દરજજો ખૂબ જ ઊંચો છે. તેમ છતાં પુરુષનું પિતા તરીકેનું મહત્વ ભૂલી જઇએ તો કેમ ચાલે ? જાણે અજાણે આપણા સૌથી પિતાની અવગણના થઇ જતી હોય તેવું નથી લાગતું ? પિતાની સારપ વિશે કે સત્ગુણો વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે. અથવા તો આંખ આડા કાન કરવામાં આવતા હોય છે. કેટલાક લોકોએ પિતા ની કલ્પનાને કલમની ભાષામાં મુકી છે. પણ તે ઉગ્ર વ્યસની અને મારઝૂડ કરનારા હોય છે, આવા પિતાઓ સમાજમાં ખૂબ ઓછા હશે. પણ સારા પિતાઓ વિશે શું લખાયું છે ?
પિતા ના ઠેક ઠેકાણે સંધાયેલા ઝોડા જોઇએ તો તેમનો પ્રેમ નજરે ચડે, તેમનું ફાટેલું ગંજી જોયે તો સમજાઇ કે આપણા નસીબ ના કાણાં તેના ગંજી માં પડયા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પરંતુ પોતે તો જૂનો લેંધો વાપરશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતા પિતાને પણ મેં જોયેલા છે. આપણી કવિતાઓમાં લખાયેલું છે કે, માતા પોતે ભીને સૂઇ બાળકને સૂકામાં સૂવડાવે છે. પરંતુ બાળકના સ્વપ્ન આશા-અરમાનો પૂરા કરવાની ઝંઝટમાં પિતા જાણે કેટલીકવાર વરસાદમાં ભીંજાયા હશે ત્યાં કોઇનું ધ્યાન જતું નથી. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે પણ આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલીક સહજતાથી ભૂલી જઇએ છીએ. નોકરીમાં એક દિવસ રજા મળતાં જ ગામડે ખેતી કામ કરતા પણ મેં ગામમાં નજરે જોયેલા છે અને કપાસ ની ગાંસડી સાથે ઊંચકીને સેઢા સુધી લાવતા જોયા છે પિતાને.
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વના આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વના આપવાનું કામ પ્રમાણમાં અઘરું હોય છે. પોતાના પરિવારના સભ્યના મૃત્યુ સમયે પણ પિતા એ તો મક્કમતા દાખવીને બધાને સાંત્વના જ આપવાની હોય છે. આશ્ર્વાસન આપવાનું હોય ત્યારે તેનાથી રડાઇ ખરું ? એણે તો વિપરીત પરિસ્થિતિમાં-આપત્તિમાં-વિપતિમાં સંજોગો સામે લડી લેવા અડીખમ ઊભા રહેવાનું હોય છે. એટલે જ તો તેમને પિતા કહ્યા હશે ખરું ને ? અહીં ફકત સામાન્ય ઘરના માતા પિતાની વાત છે, અતિ ધનવાન માતા પિતાની વાત ઘણી જુદી હોય છે. ગરીબ કુટુંબના પરિવારના પિતાએ પરિવારના ભરણપોષણ ખાતર આપેલા ભોગને ધ્યાન માં લઇએ તો ખબર પડે કે ઓછી આવકમાં મહિનો પૂર્ણ કરવા કેટલું સંતુલન સાધવું પડે છે. કુટુંબના સભ્યોતો પોતાની જરૂરિયાતોની માંગણી મુકી દે છે પણ એ જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરવી એના વિષે વિચારવાનું પ્રયત્નો કરવાના તે પિતાએ જ કરવાના હોય છે. આ બધા ટેન્શનમાં તાણમાં તણાઇને કયારે ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હૃદય રોગના દર્દી થઇ ગયા એ ખબર પણ નથી પડતી ! વળી પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી પરંતુ જો ડોકટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કેમ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઇ સાધન હોતું નથી. પહોંચ હોય કે ન હોય દીકરાને મેડિકલ કે એન્જિનિયરીંગ માં પ્રવેશ અપાવે છે. પોતે ખેંચ ભોગવીને બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે કોઇપણ પરીક્ષાનું સારું પરિણામ આવે ત્યારે માતા જ સૌથી નજીક લાગે છે. કારણ કે બાજુમાં લે છે. વખાણ કરે છે, આશિષ આપે છે. અંતમાં એટલું કહી શકાય કે : માતા જે કંઇ છે તે પિતા ના કારણે હોય છે. પિતા ની સફળતા પાછળ માતા નો હાથ અવશ્ય હોવાનો. પિતા એ માતાનું સૌભાગ્ય છે, માતા એ પિતાનું સદભાગ્ય છે. માતા -પિતા બન્ને સંતાનોનું ભાગ્ય વિધાતા છે. સંતાનો તો માતા-પિતાનું ભવિષ્ય છે. આપણે બસ આપણા માતા પિતાને યાદ કરી આદર આપી કદર કરવામાં બેદરકાર ન રહીએ. અને તેનું ઋણ ચૂકવવા પ્રયત્નશીલ રહીએ.
– જસ્ટ થિંક : અમદાવાદની એકલવ્ય શાળાના એક શિક્ષિકાનો આ અનુભવ છે. તેમના કલાસનો એક વિદ્યાર્થી સતત ચિંતિત રહેતો હોય તેમ લાગતું ટીચરે પૂછયું : બેટા તું આટલો કેમ ટેન્શનમાં રહે છે, વિદ્યાર્થીએ કહ્યું : બહેન મને મારા માતા-પિતાનું ટેન્શન છે. પપ્પા ઉંધુ ઘાલીને કામ કર્યા કરે છે. મને સારી શાળામાં ભણાવવા માટે સારા કપડા, સાત્વિક ખોરાક આપવા માટે સતત મહેનત કરે છે. વળી સારી કોલેજમાં મોકલવા માટે પૈસા ભેગા કરવા તેઓ ઓવરટાઇમ નોકરી પણ કરે છે. મમ્મી આખો દિવસ ઘરકામ, મારા કપડામાં ઇસ્ત્રી, રસોઇ વગેરેમાં વ્યસ્ત રહે છે જેથી મારે કોઇ ચિંતા ન રહે. ટીચરે કહ્યું : તો બેટા તારે શું ચિંતા છે ? વિદ્યાર્થી બોલ્યો : ટીચર મને તો એ ચિંતા છે કે, બે માંથી એક કંટાળી ને ભાગી જશે તો ?……!
– છેલ્લો સીન : માતા નવ માસ સુધી તેના ગર્ભ માં ભાર ઉઠાવે છે પરંતુ પિતા આજ બાળકની જવાબદારીનો ભાર જીવનભર તેના મગજમાં ઉઠાવે છે. માતાની સાથે સાથે પિતાને પણ લાખ લાખ સલામ…..
– કામળિયા જીતુ વી.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટ મો. 9624210307

NO COMMENTS