ભાંગ્યાના ભેરુ…!

0
111
helping-hand-rashikbhai-mehta
helping-hand-rashikbhai-mehta

(રસિકભાઇ મહેતા, વરિષ્ઠ લેખક- રાજકોટ )

હું આ વાત કરું છું. ઇ.સ. 1975 ની આસપાસની મારો વ્યવસાય બિલ્ડિંગ ક્ધસ્ટ્રકશનનો અલગ અલગ જગ્યાએ સાઇટ ચાલતી હોવાથી સાંજના મોડે સુધી કામને લીધે ત્યાં રહેવાનું થાય. મારા એક અંગત વકીલ મિત્ર હતા. મારી સાઇટ ચાલતી ત્યાંથી કોર્ટનું બિલ્ડિંગ નજીક, એટલે આ વકીલ મિત્ર સાંજે કોર્ટેથી છૂટે ત્યારે મોટા ભાગે બીજું ખાસ કામ ન હોય તો અચૂક મારી સાઇટ પર બેસે, ચા પાણી આવે અને આખા દિવસની વાતો કરીએ. આ રોજનો ક્રમ. અમારા સ્ટાફના માણસોને પણ આ ખબર. મારે કયારેય ચા પાણી માટે કહેવું ન પડે. આવી જ જાય.
એક સાંજે મારા મિત્ર રાબેતા મુજબ મારી સાઇટ પર આવ્યા અને વાતમાંથી વાત નીકળતાં કહ્યું : ‘આજે તો કોર્ટમાં વિચિત્ર બનાવ બની ગયો. જો મારી વિનંતી જજે માની ન હોત તો મારી અસીલણ ના હકની દંડાઇ જાત’ મારી વધુ જાણવાની ઇચ્છાથી તેમણે માંડીને વાત કરતાં કહ્યું : ‘મારી લક્ષ્મીબેન કરીને એક વિધવા બ્રાહ્મણ વૃદ્ધ અસીલણ છે. તે એકલી જ છે. વર્ષો પહેલાં જરૂરીયાત હશે એટલે તેણે પોતાના રહેણાકના ઘર ઉપર શરાફ પાસેથી નાણાં વ્યાજુકાં લીધેલ હતા. અમૂક સમય સુધી વ્યાજ ચૂકવેલ, પરંતુ ત્યાર બાદ એ વ્યાજ ચૂકવી શકેલ નહોતી. જેમ જેમ સમય જતો ગયો, શરાફની ઉઘરાણીનો તકાજો વધતો ગયો. વ્યાજના ઘોડાને કોણ પહોંચે ? વ્યાજ સાથે રકમ વધતી ચાલી અને આખરે શરાફે દાવો દાખલ કર્યો અને કોર્ટમાં આ દાવો ચાલી જતાં મકાનની હરાજી કરી રકમ વસૂલવાનો કોર્ટે હુકમ કરેલ છે અને એ મુજબ આજે એ મકાનની જાહેર હરાજી હતી. બોલી બોલવાવાળા બધાં ખુંરાટ હતા.
અને તેઓ બધા સંપી ગયા અને બોલીની રકમ પાંસઠ હજારે આવીને અટકી ગઇ. આ સાંભળીને બાઇ તો ચાલુ કોર્ટે ચક્કર ખાઇને બેભાન થઇ ગઇ. લક્ષ્મીબેનના વકીલ તરીકે મેં નામદાર કોર્ટમાં અરજ કરી કે “મારી અસીલણ અત્યારે સ્વસ્થ નથી, તેની તબિયત પણ સારી નથી, અમને હરાજીની બીજી તારીખ આપો. અને આ સમયગાળા દરમિયાન અમે પણ અંગત રાહે મકાન વેચવાના પ્રયત્ન કરીશું. કોર્ટે અમારી અરજ માન્ય રાખી અને એક માસ પછીની બીજી તારીખ આપી છે.
મેં પૂછયું ‘ લોકેશન કયું ?’ તે કહે, ‘ આ જ જૂના જાગનાથ એરિયામાં’ એ સમયે જૂનું જાગનાથ રાજકોટ રહેણાંક માટે
સારામાં સારો વિસ્તાર ગણાતો અને વળી મારો જાણીતો વિસ્તાર પણ હતો મેં પૂછયું, ‘ભાવ શું ગણાય ?’ તો વકીલ મિત્રે કહ્યું કે, એક લાખ પાકા ગણાય (આખી મિલ્કતના હો) પણ કોર્ટે મામલો છે તેથી નેવું હજારમાં મળી જાય. અહીં મારા મિત્રના સ્વભાવનો પણ મને પરિચય થયો. તેઓએ પોતાની અસીલણ, જે વિધવા હતી અનું હિત પહેલાં જોયું અને તેણીને પચીશ હજારનો લાભ કરાવી આપવાની વાત કરી અને સાથેસાથે મને પણ દસ હજાર સસ્તામાં મળે એવું કર્યું મેં કહ્યું, ચાલો સ્થળ અને મકાન બહારથી જોઇ લઇએ. (કારણ કે, મને તો જમીનના માપ અને લોકેશનમાં જ રસ હતો. ઉપર ઊભેલ ઇમલો તો મારે પાડી નાખવાનો હતો. એટલે મકાન અંદર જઇને જોવાની જરૂર નહોતી.)
મને જગ્યા ગમી એટલે મેં નેવું હજારમાં વકીલમિત્ર મારફત માગણી મૂકી. અંતે સોદો પાકો થયો, એટલે હું તથા મારા મિત્ર બંને સાથે રૂબરૂ લક્ષ્મીબહેન સાથે વાત કરવા, મકાન જોવા તથા બાનાની રકમ આપવા ગયા.
તે મકાન માલિકણ લક્ષ્મીબેન ઉંમર પંચોતર વર્ષ આસપાસની હશે. ઉંચો સપ્રમાણ બાંધો, ગૌર વર્ણ, લાંબા સફેદ વાળ અને સફેદ સાડલામાંથી ઉપસતાં ઉંમરસહજ વૃદ્ધત્વ અને વૈધવ્ય ઉપરથી એનો ભૂતકાળ કેવો ભવ્ય હશે એ વાતનો ખ્યાલ સહેજે આવી શકતો હતો.
મારા વકીલમિત્રે ઓળખાણ કરાવી. અને અમારી વચ્ચે સોદો પાકો થયો. બાનાની રકમ મેં ચૂકવીને જોઇતું લખાણ કરાવી લીધું. ત્યાર બાદ કોર્ટના આદેશ અને કાર્યવાહી મુજબ ધિરાણ કરનાર શરાફને એની લેણી રકમ વ્યાજ સહિત ચૂકવી, કાગળો બોજામુકત કરી બાકીના રહેતા અવેજની રકમ ચૂકવીને જે તે સમયે દસ્તાવેજ કરાવવો એવું નકકી કરવામાં આવ્યું. હરાજીની રકમ કરતાં ખાસ્સી એવી વધારે રકમ મળવાનો આનંદ તે બહેનના મોઢા ઉપર વરતાતો હતો. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ નિયત સમયે અમે રજિસ્ટ્રાર ઓફિસે મકાન વેચાણનો દસ્તાવેજ કરવા ગયા. બાકીની રકમની લેતીદેતી અને વેચાણદસ્તાવેજ થયા પછી એ પંચોતેર વર્ષની જાજરમાન બ્રાહ્મણ વિધવા લક્ષ્મીબહેને મારા માથા ઉપર અચાનક હાથ રાખીને, આંખમાં હરખનાં આંસુ સાથે ભાવવિભોર થઇને મને કહ્યું : દીકરા, તારું અભરે ભરાશે, તૂં ખૂબ સુખી થઇશ એવા મારા આશિષ છે. મારી ઉંમર ત્યારે માંડ પાંત્રીસ આસપાસની હશે.
આજે એ વાતને પાંત્રીસ ચાલીસ વર્ષ વીતી ગયા છે, તેમ છતાં આજે પણ તે વાત યાદ કરું છું. ત્યારે તે ભાવસભર અને સાચા દિલથી આશીર્વાદ આપતો ચહેરો મારી નજર સમક્ષ ખડો થઇ જાય છે. અને મારી સફળતામાં લક્ષ્મીબહેન જેવાં જાણ્યાં અજાણ્યાંના અંત:કરણના આશીર્વાદ મળ્યા હશે, એનો વિચાર કરું છું ત્યારે હૈયું ગદગદ થઇને ભરાઇ આવે છે.
–  રસિકભાઇ મહેતા (વરિષ્ઠ લેખક)
ઇશાવાસ્યમ, ક્રિસ્ટલ મોલ પાછળ,
આઇ.ઓ.સી. કવાર્ટસનીી સામે,
કાલાવડ રોડ, રાજકોટ
મો. 94280 04964

NO COMMENTS