દેશના પ્રથમ નાગરિક : રાષ્ટ્રપતિ

0
79
Indian President
Indian President

(અન્વી ત્રિવેદી-અમદાવાદ)

રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજયસભાની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. તેઓ લોકસભાને બરખાસ્ત પણ કરી શકે છે,પરંતુ આ સત્તાનો ઉપયોગ વડાપ્રધાનના વડપણ હેઠળની મંત્રી પરિષદની સલાહ કે ભલામણથી જ કરી શકે છે. સામાન્ય ચૂંટણી પછી સંસદના બંને ગૃહોનો પ્રારંભ કરે છે. દરેક વર્ષે સંસદની બેઠક સમયે ગૃહોને સંબોધે છે. જેમાં સરકારી નીતિ અનુલક્ષી વાત કહે છે. સંસદે પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપતિની સહીં વગર કાયદા નથી બનતા. સંસદે પસાર કરેલો ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ આવે અને રાષ્ટ્રપતિને એમ લાગે કે, આ ખરડામાં પુન: વિચારણાની જરુર છે તો તે નાણાકીય ખરડો કે બંધારણીય સુધારા સિવાયના ખરડાને સંસદમાં પરત મોકલે છે. ત્યારબાદ સંસદ તે ખરડાને સુધારીને કે સુધાર્યા વગર ફરીથી રાષ્ટ્રપતિને મોકલે તો તેની પર રાષ્ટ્રપતિ સહી કરીને કાયદાનું સ્વરુપ આપે છે. રાષ્ટ્રપતિ કોઇ ખરડો ઇચ્છે તો તેની પર પોતાનો પોકેડ વીટો વાપરી શકે છે. કોઇ ખરડા બાબતે બંને ગૃહો વચ્ચે મતભેદ થાય તો સંયુકત બેઠક બોલાવે છે. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડી બેઠક બોલાવી શકે છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નીમે છે અને તેમની સલાહ મુજબ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. કારોબારીનાં તમામ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે જ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે, તે અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની અને સંધિ કરવાની સત્તા ધરાવે છે. ભારતના એટર્ની જનરલ, કોમ્પ્ટ્રોલર,ઓડિટર જનરલ, સર્વોચ્ચ અદાલતો અને હાઇકોર્ટના ન્યાયાધીશો, રાજયના રાજયપાલો, ચૂંટણીપંચ, નાણાંપંચ, અને જાહેર સેવા આયોગના રાજદૂતોની નિમણૂક તેઓ કરે છે. તેમ જ વિદેશી રાજદૂતોને સ્વીકારે છે.
દેશની કોઇપણ અદાલતે ગુનેગારને ફરમાવેલી સજા માફ કરવાની, ફોજદારી સજાઓનો અમલ મોકૂફ રાખવાની, બાકીની સજા માફ કરવાની તેમજ સજાનું સ્વરુપ બદલવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. તેઓ લશ્કરી અદાલતે ફરમાવેલી સજા કે બંધરાણના ભંગ માટે થયેલી સજામાં ફેરફાર કરી શકતા નથી. અંદાજપત્ર કે કોઇ નાણાકિય ખરડો તેમની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઇ શકે છે. નાણાં અંગેનું બિલ તેમની અનુમતી વગર સંસદના ગૃહમાં રજૂ થતું નથી. રાજયોમાં નાણાંની વહેંચણી યોગ્ય રીતે થાય તે માટે તેઓ પાંચ વર્ષ માટે નાણાં આયોગની નિમણૂક કરે છે. આકસ્મિક ફંડમાંથી કોઇ ફંડનો ઉપયોગ કરવો હોય તો તેઓ સંસદની મંજૂરી વિના પણ આપી શક છે. દેશમાં આકસ્મિક સ્થિતિ વખતે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે. તે સમયે બંધારણના સમવાયતંત્રની જોગવાઇઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસન અમલમાં આવે છે. આવી કટોકટી ત્રણ પ્રકારની હોઇ શકે .બાહ્ય કે આંતરિક અશાંતિ બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી સમયે રાષ્ટ્રપતિ નિયમો પ્રમાણે લાગે કે રાજયનો વહીવટ નિયમ પ્રમાણે ચાલી શકે તેમ નથી ત્યારે તે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે. કટોકટી લાગુ કર્યા બાદ સંસદ સમક્ષ રજૂ કરવી પડે છે. સમગ્ર દેશમાં આવી કટોકટી ત્રણવાર લાગુ કરવામાં આવેલી છે. 1962 માં ચીન સાથે યુદ્ધ, 1971 માં પાકિસ્તાન સાથે યુદ્ધ અને 1975 થી 1977 માં ઇંદિરા ગાંધીના શાસન વખતે આંતરિક ખલેલના કારણે રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યારે તેમની સામે કોઇ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. ઉપરાંત તે પોતાની ફરજ અંગે કોઇપણ પ્રશ્ર્નનો જવાબ કે માહિતી આપવા બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ ના હોદ્દા ની મુદત પાંચ વર્ષ હોય છે. તે પહેલા ઇચ્છે તો રાજીનામું આપી શકે છે. રાષ્ટ્રપતિને બંધારણ ભંગ કરવાના આરોપસર હોદા પરથી દૂર કરવાની જોગવાઇ બંધારણમાં છે. સંસદનું એક ગૃહ રાષ્ટ્રપતિ સામે તહોમતનામું ફરમાવે અને બીજું ગૃહ તેની સામે કામ ચલાવે તો બે તૃતીયાંશ સભ્યોની બહુમતી રાષ્ટ્રપતિને દોષિત ઠરાવે તો તેને હોદાનો ત્યાગ કરવો પડે છે. છેલ્લે 13 માં રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખરજીની વરણી તા. 25 જુલાઇ 2012 ના થઇ છે.
– રાષ્ટ્રપતિ પદનું અસ્તિત્વ દેશના, બંધારણી કલમ 52 (બાવન) ને આભારી
– દેશના પ્રથમ નાગરિક, બંધારણી વડા છે, શસ્ત્ર દળના વડા છે.
-દેશ આખાના બનેલા ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધરે ચૂંટાય છે.
-સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.
-રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષપક્ષે યોજાય છે.
-સંસદ કે વિધાનસભાની બેઠકો ખાલી હોવા છતાં ચૂંટણી યોજાય છે.
-સસ્પેન્ડ વિધાનસભાના સભ્યો ચૂંટણીમાં ભાગ લઇ શકે.
-કલમ 56(1)(સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ ચાલુ રહે
– રાષ્ટ્રપતિની મુદત લંબાવી શકાતી નથી કે ચૂંટણી મોકૂફ રાખી શકાતી નથી
-મુદત પૂરી થવાના બે માસ અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે જાહેરનામું બહાર પાડવું પડે
-કલમ (62)(1) માં નકકી કરેલી સમયમર્યાદામાં ચૂંટણી કરવી પડે
-રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે. ભારતના ત્રણે સંરક્ષણ દળોના વડા તથા રાષ્ટ્રની એકતા શકિત ગૌરવના પ્રતીક છે.
રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા :
તે ભારતના નાગરિક હોવા જોઇએ
ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઇએ.
લોકસભાના સભ્ય થઇ શકતા હોવા જોઇએ.
લાભ નો હોદ્દો ન ધરાવે
રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ :
રાષ્ટ્રપતિને લોકો પ્રત્યક્ષ રીતે ચૂંટી શકતા નથી. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે.
તેમની ચૂંટણી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે.
હેદ્દાની મુદત : તેમની હોદાની મુદત પાંચ વર્ષની હોય છે પોતે ફરી ચૂંટણીમાં ઊભા રહી શકે છે.
શપથ : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ લે છે.
રાજીનામું : ઉપરાષ્ટ્રપતિને આપી શકે છે.
રાષ્ટ્રપતિની સત્તાઓ
– કારોબારી સત્તાઓ, ભારતના રાષ્ટ્રપતિને આ સત્તાઓ બંધારણના આર્ટિકલ 53 અન્વયે મળ્યા છે, કેન્દ્રની તમામ કારોબારીની નિમણૂક જ નહીં પણ તેમના તમામ નિર્ણયોને રાષ્ટ્રપતિની આખરી મંજૂરી આપવાની હોય છે. ઉપરાંત અયોગ્ય હોદ્દેદાર કે તેના નિર્ણયને રદબાદલ પણ ઠેરવી શકે છે. આ સત્તાની રુએ જ દેશના વડાપ્રધાન, પ્રધાનો, ખાતાની વહેંચણી પર પણ આખરી મહોર તેની જ હોય છે. કોઇ શાસક પક્ષ કે યુતિ તેમના મંત્રીમંડળમાં જેને સામેલ કરવાનો નિર્ણય કરે તો રાષ્ટ્રપતિ તેની યોગ્યતા અંગે પ્રશ્ર્નાર્થ કરી ને તેને રદ પણ કરી શકે. નિષ્ક્રિય વડાપ્રધાનને બદલવા સુધીના નિર્ણયની પ્રક્રિયા પ્રારંભી શકે. સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના જજની નિમણૂક પણ તે જ કરે છે.
તેવી જ રીતે રાજયના ગવર્નર, એટર્ની જર્નલ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, ચૂંટણીપંચના ચીફ કમિશનરથી માંડી તેના સભ્યો, યુપીએસસીના ચેરમેન અને સભ્યો, આયોજન અને નાણા કમિશન તેમજ અન્ય તમામ કમિશનો તેને આધીન છે. – લેજીસ્લેટિવ સત્તાઓ :
સાંસદની કાર્યવાહીનો નિષ્કર્ષ, નિર્ણય કે ઠરાવ આખરે તો રાષ્ટ્રપતિ સમક્ષ જ મંજૂરી માટે મુકાય છે. રાષ્ટ્રપતિ નો આખરી નિર્ણય જ આખરી અમલી ઠરાવ તરીકે સ્વીકૃત બને છે. રાષ્ટ્રપતિ ધારે તો સંસદને જોડી પણ શકે અને વિખેરી પણ શકે જે લોકસભા અને રાજયસભા વચ્ચે કોઇ સ્થગિતતા હોય તો રાષ્ટ્રપતિ સંયુકત સંસદ બોલાવવાનો હુકમ પણ કરી શકે . ચૂંટાયેલી તમામ સરકારના સાંસદોને સૌ પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધન કરે છે અને સરકારનો એજન્ડા શું હોવો જોઇએ તે જણાવે છે. કોઇ રાજયની હદ વધારવાની કે બે ભાગ કરવાનો હોય, રાજયનું નવું નામ આપવાનું તે નિર્ણય લે છે. નાગરિકોના પાયાના અધિકારો જળવાતા ના હોય તો અંતિમ પગલું લઇ શકે છે. કોઇ બિલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ બને છે. સંસદ સત્ર ના હોય અને કોઇ ઠરાવ પસાર કરવાની નોબત આવે તો રાષ્ટ્રપતિ તેમ કરી શકે છે પછી પ્રવર્તમાન ઠરાવ પરત ખેંચી શકે છે. દેશના જુદી જુદી ટેલેન્ટ ધરાવનાર સામાજિક ક્ષેત્રના રત્નો સન્માન 12 હસ્તીઓની નિમણૂક રાષ્ટ્રપતિ રાજયસભા કરી શકે. સંસદમાં મુકતા તમામ અહેવાલો રાષ્ટ્રપતિને સંબોધીને હોય છે.
-લશ્કરી (મિલિટરી સત્તાઓ)
લશ્કરની ત્રણેય પાંખના વડા છે. સંરક્ષણ અંગેના તમામ હોદ્દેદારો તેમના વડાની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અન્ય દેશ સાથે યુદ્ધ જાહેર કરી શકે, સંધિની પ્રકિયા કરી શકે.
રાજદ્વારી (ડિપ્લોમેટિક ) સત્તાઓ
વિદેશ મંત્રાલયની તમામ નીતિઓ, રાજદૂતો અને જે તે દેશમાં હાઇ કમીશનની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. વિદેશના જે રાજદૂતો કે અધિકારીઓ ભારતમાં તેમની ઓફિસને રિપોર્ટ કરે તે પહેલા રાષ્ટ્રપતિ તેના વિશે જાણી શકે. વિદેશી એજન્સી કે દૂતાવાસનો હોદ્દેદાર રાષ્ટ્રપતિની મંજૂરી હેઠળ હોવો જોઇએ. રાષ્ટ્રપતિ તેમને દેશનિકાલ કરી શકે.
ન્યાયતંત્ર (જયુડિશિયલ) સત્તાઓ
ન્યાયતંત્રની શાખા કે ન્યાયાધીશ આખરે તો માનવોથી બનેલી છે. તેમાં ભૂલ થઇ શકે રાષ્ટ્રપતિ કોઇપણ જાહેર થયેલ કસૂરવારને માફી આપી શકે છે. સજા ઘટાડી શકે છે, મૃત્યુદંડની સજાને રદ કરી શકે, આખરી જજ તરીકે નિર્ણય લઇ શકે છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજની નિમણૂક, બદલી અને સસ્પેન્શનની સત્તા પણ છે. રાજય કે વ્યકિત સમૂહ ના પાયાના હકકોની જાળવણી ના થતી હોય કે અન્યાય થતો હોય તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ કે ન્યાયપંચનો અભિપ્રાય લઇને નિર્ણય લઇ શકે છે.
નાણાકિય સત્તા
કેન્દ્રના અંદાજપત્રના દરખાસ્તો માટે મંજૂરી અનિવાર્ય છે. તેવી જ રીતે ઓડિટર જનરલનો રિપોર્ટ, નાણાબિલ, ફાઇનાન્સ કમિશનનો અહેવાલ રાષ્ટ્રપતિને આપવાનો હોય છે. કેન્દ્રનું આકસ્મિક ભંડોળ વાપરી શકે છે.
કટોકટી વખત ની સત્તાઓ
ભારતના બંધારણના ઘડવૈયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ 1935 થી પ્રભાવિત છે આ ઉપરાંત જર્મનીના વેઇમરના બંધારણી જોગવાઇઓ તો પણ તે વખતે અભ્યાસ થયો હતો. તેના આધારે ભારતના રાષ્ટ્રપતિને ત્રણ પ્રકારની કટોકટી વખતે અસાધારણ સત્તા આપવામાં આવી છે. જેમ કે રાષ્ટ્રીય કટોકટી, રાજયની કટોકટી અને આર્થિક કટોકટી.
– રાષ્ટ્રીય કટોકટી : બંધારણના 18 મા ભાગમાં કટોકટીની સ્થિતિનું જે નિરુપણ થયું છે તેમાં આગળ જતા 42 મા સુધારા (1976) અને ત્યારબાદ 44 મા સુધારા (1978) અન્વયે ઘણા ફેરફારો થયા છે. રાષ્ટ્રપતિ દેશમાં કટોકટી જાહેર કરી શકે છે. દેશની સલામતી અને વ્યવસ્થા ખોરવાઇ ગયેલી લાગે. યુદ્ધ બાહ્યા આક્રમણ, લશ્કરી બળવો કે કોઇ કુદરતી માનવ સજિર્ર્ત અસાધારણ ઘટના બને તો કટોકરી જાહેર કરી શકે છે.
– રાજયની સ્ટેટ કટોકટી : સ્ટેટ ઇમરજન્સી આમ તો રાજયની રાજકીય વહીવટ વ્યવસ્થા ઠપ થઇ જાય કે વ્યાપક જનહિતમાં શાસન ન હોય તો રાષ્ટ્રપતિ લાગુ પાડી શકે છે. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ કે રાજયપાલના હસ્તક શાસનની દોર આવી જાય છે. સરકાર દેશના બંધારણ પ્રમાણે વહીવટ કરતી નથી. પ્રજાના મૂળભૂત હક્કો પર જોહુકમી કરે છે ભય પ્રવર્તે છે રક્ષણ નથી થતું ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. ત્યારે રાજયનું મંત્રીમંડળ વિખેરી નાખે છે. અથવા સસ્પેન્ડેડની સ્થિતિમાં મૂકી દે છે.
– નાણાકિય કટોકટી :
રાષ્ટ્રપતિ રાજય સરકારને જાહેર ખર્ચાઓ ઉપર કાપ મૂકવા જણાવી શકે છે. કર્મચારીના પગાર કાપ કરી શકે છે. ખાનગી કંપની, વિદેશી આર્થિક જોડાણ, કરારને મોકૂફ કે સ્થગિત કરી શકે છે. જજના, ઉચ્ચ હોદ્દેદારોના, ભથ્થા, પ્રવાસ ઉપર કાપ મૂકી શકે, સુવિધાઓ ઉપર કાપ મૂકી શકે, કેન્દ્રની રકમ રાજ્યને આપવી કે ના આપવી તે રાષ્ટ્રપતિ સત્તા ભોગવે છે. દેશની તિજોરી અને આર્થિક વહીવટ તેમના હસ્તગત રહે છે.
અગાઉના રાષ્ટ્રપતિના નામ અને સમયગાળો :
– રાજેન્દ્ર પ્રસાદ (26 જાન્યુ, 1950 થી 13 મે, 1962)
– સર્વપલ્લી રાધાકૃષ્ણનન ( 13 મે, 1962 થી 13 મે, 1967)
– ઝાકીર હુસેન ( 13 મે, 1967 થી 3 મે, 1969)
– વી.વી. ગીરી ( 24 ઓગસ્ટ, 1969 થી 24 ઓગસ્ટ, 1974)
– ફકરુદીન અલી અહેમદ ( 24 ઓગસ્ટ, 1974 થી 11 ફેબ્રુ., 1977)
– નિલમ સંજીવ રેડ્ડી ( 24 જુલાઇ, 1977 થી 25 જુલાઇ 1982)
– જ્ઞાની ઝૈલસિંહ ( 25 જુલાઇ, 1982 થી 25 જુલાઇ 1987)
– રામાસ્વામી વેંકટરામન ( 25 જુલાઇ, 1987 થી 25 જુલાઇ, 1992)
– શંકર દયાલ શર્મા ( 25 જુલાઇ, 1992 થી 25 જુલાઇ, 1997)
– કે.નારાયણ શર્મા ( 25 જુલાઇ, 1997 થી 25 જુલાઇ, 2002)
– એ.પી.જે અબ્દુલ કલામ (25 જુલાઇ, 2007 થી 25 જુલાઇ,2012)
– શ્રીમતિ પ્રતિભા પાટિલ ( 25 જુલાઇ, 2007 થી 25 જુલાઇ 2012)
– શ્રી પ્રણવ મુખર્જી ( 25 જુલાઇ, 2012 થી 25 જુલાઇ 2017)
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહત્વના રહેશે પાંચ રાજયોનાં પરિણામો :
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નિર્ણાયક સાબિત થશે. પાંચ રાજયોના પરિણામોથી ચૂંટાઇને આવેલા ધારાસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે.
દેશના નવા રાષ્ટ્રપતિ પોતાના દમ પર ચૂંટવા માટે ભાજપ અને તેના સાથીઓને લગભગ 65 હજાર મૂલ્યના મતોની જરૂર છે. પાંચ રાજયોની 690 બેઠકો પર યોજાઇ રહેલી ચૂંટણીના પરિણામોની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 1,03,756 મૂલ્યના વોટ તૈયાર થશે. ભાજપ જો યુપીમાં બહુમતી મેળવવામાં સફળ રહે તો તેને 32 હજાર મૂલ્યોના વોટનો ફાયદો થાય.
હાલ લોકસભામાં પૂર્ણ બહુમતી અને એક ડઝન જેટલા રાજયમાં સરકારને કારણે ભાજપ અને તેના સાથીઓ પાસે 4,83,728 વોટ છે. જયારે કોંગ્રેસ, ડાબેરીઓ પાસે 4,11,438 મ્ૂલ્યના વોટો છે. તૃણમૂલ કોંગ્રેસ, બીજેડી, ઉપરાંત ટીઆરએસ અને વાયએસ અને વાયએસઆર કોંગ્રેસ પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 20,728 મતો છે, જયારે રાષ્ટ્રપતિ ની ચૂંટણી જીતવા માટે 4,49,442 મૂલ્યના મતો જરુરી છે.
કોંગ્રેસના એક નેતાના કહેવા મુજબ વર્તમાન સ્થિતિમાં એનડીએ પાસે પોતાની તાકાત પર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવી અધરી છે. ભાજપ યુપીમાં સ્થિતિ સુધારશે તો પણ તેને પંજાબમાં ગેરફાયદો થશે. ઉત્તરાખંડમાં ભાજપને ફાયદો નહીં થાય ત્યાં વિધાનસબાની 70 માંથી 31 બેઠકો ભાજપ પાસે છે. તથા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેના મતનું મૂલ્ય માત્ર 1984 છે. પાંચ રાજયોમાં યુપીના ધારાસભ્યનો વોટનું મૂલ્ય સૌથી વધુ છે. યુપીના એક ધારાસભ્યના વોટનું મૂલ્ય 208, પંજાબના ધારાસભ્યના વોટનું મૂલ્ય 116 અને ઉત્તરાખંડના એક ધારાસભ્યના વોટનું મૂલ્ય 64 છે. ગોવાના ધારાસભ્યના વોટનું મૂલ્ય 20, મણીપુરમાં 18 છે. દેશમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 4120 છે. 2007 માં યુપી વિધાનસભાના મતોનું મૂલ્ય સૌથી વધુ સિક્કીમમાં મતોનું મૂલ્ય સૌથી ઓછું 7 હતું. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિપક્ષો સક્રિય બન્યા છે. તેઓ ચૂંટણીમાં ભાજપા ગઠબંધનને સખ્ત ટકકર આપવા માટે મહાગઠબંધન બનાવવાની તૈયારીમાં સક્રિય થયા છે. તેમની આ કવાયત રાષ્ટ્રપતિની ચૂંટણીને રસપ્રદ જ નહીં, પરંતુ ભાજપના વિરોધ પક્ષોના તૂટેલા મનોબળને થોડું પ્રોત્સાહિત પણ કરી રહેલ છે.
25 જુલાઇ, 2017 ના પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની રહે છે. એ જાહેર છે કે આ માટે ગઠબંધન બનાવવાની આતુરતા સંબંધિત ગતિવિધિઓ ઝડપી બની રહી છે. પરંતુ સવાલ એ છે કે મતના ગણિતમાં ભાજપાના ગઠબંધન સામે વિરોધી ગઠબંધન ટકશે કઇ રીતે ? ઉત્તર પ્રદેશમાં જીપ પછી ભાજપા ગઠબંધનની પાસે હવે 5.31,954 મત છે. જો રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે જરૂરી મતથી 17,488 ઓછા છે. ભાજપા ગઠબંધનના ઉમેદવારને જીતવા માટે પ,49,442 મતોની જરૂર રહેશે. જો અન્નદ્રમુક અને બીજું જનતાદળના મતોને જોડવામાં આવે તો ભાજપા ગઠબંધનની સંખ્યા 6,28,195 થઇ જશે. અન્નાદ્રમુકના 134 વિધાયકોના મતોનું મૂલ્ય 23,584 અને તેમના રાજયસભા લોકસભાના પ0 સાંસદોનું મત મૂલ્ય 35,400 છે. આ રીતે બીજુ જનતાદળ સાંસદો અને વિધાયકોનું મત મૂલ્ય 37,257 છે. ઉત્તરપ્રદેશમાં જીત પછી ભાજપાની સ્થિતી એટલા માટે પણ પૂરતી મજબૂત થઇ ગઇ છે. વિધાયકના મતોનું મૂલ્ય પ્રદેશની જનસંખ્યા આધાર પર નકકી થાય છે. ઉત્તરપ્રદેશના એક વિધાયકના મતનું મૂલ્ય ભારતમાં સર્વાધિક 208 છે, જયારે સિક્કિમના એક વિધાયકના મતનું મૂલ્ય ન્યુનતમ એટલે કે માત્ર સાત છે. હવે જો ભાજપા વિરોધી મહાગઠબંધન બનાવવાની કવાયતને સૂક્ષ્મ ગણિતથી જોવામાં આવે તો સ્થિતિ ઘણી જટિલ જોવા મળે છે. સપા બસપાને જોડવા કે તૃણમૂલ ક્રોંગ્રેસને અને ડાબેરી પક્ષોને એક સાથે લાવવા કે અન્નાદ્રમુક ને એક મંચ પર લાવવાનું શકય છે ? સોનિયા ગાંધીની સાથે શરદ પવાર, સીતારામ યેચુરી, નીતિશકુમાર અને શરદ યાદવે મહાગઠબંધનનો એક રોડ મેપ બનાવેલ છે. સવાલ એ છે કે, ક્રોંગ્રેસે સપાની સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી તો બસપા આ ગઠબંધનમાં કઇ રીતે ભાગ લેશે ? પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસે ડાબેરી પક્ષો સાથે ચૂંટણી લડી તેથી તૃણમૂલ કોંગ્રેસ આ ગઠબંધનમાં કઇ રીતે સામેલ થઇ શકશે ? તામિલનાડુમાં અન્ના દ્રમુક અને દ્રમુક ની લડાઇ સાપ નોળિયા જેવી રહી છે. તો આ બન્ને પક્ષોને એક પ્લેટફોર્મ પર લાવવાનું કઇ રીતે શકય બને ? આવી સ્થિતિ બીજા અનેક રાજયોમાં છે. સામી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય રીતે અસામાન્ય નિર્ણયો લેવા માટે જાણીતા છે. આ સ્થિતિમાં ભાજપા ગઠબંધન માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હોઇ શકે છે ? આ કિસ્સામાં પણ તે કોઇ અસામાન્ય કદમ ઉઠાવશે ? 25,890 મત ધરાવતી શિવસેના દ્વારા સંઘ મોહન ભાગવતને ઉમેદવાર બનાવવાની માંગને સ્વયં ભાગવતે નકારી કાઢી છે. શિવસેના દ્વારા શરદ પવારને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવાની માગમાં કોઇ વજુદ જણાતી નથી.
લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી બાબરી મસ્જિદના મામલામાં અટવાયા છે. ભાજપા ગઠબંધનને માત્ર 17,488 વધુ મતોની જરુર છે. આ સ્થિતિમાં મોદી કોઇ અલગ પતું ફેંકી શકે છે ? શું કોઇ અનુ.જનજાતિની વ્યકિત ભાજપા ગઠબંધનની તરફે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ હોઇ શકે છે ? આવું દેશમાં પહેલીવાર બની શકે. બીજી તરફ એક સવાલ એ પણ છે કે, અનુ. જનજાતિના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો કોઇ રાજકીય પક્ષ વિરોધ કરશે ?
વાસ્તવમાં શિવસેના બેવાર ભાજપા ગઠબંધનમાં રહેવા છતાં વિરોધી ગઠબંધનના ઉમેદવારને પોતાનો મત આપી ચૂકી છે. 2007 માં પ્રતિભા પાટિલ અને 20123 માં પ્રણવ મુખર્જીને શિવસેનાનો મત મળ્યો હતો. અથી ભાજપા અન્ના દ્રમુક અને બિજુ જનતાદળની સાથો સાથ જગમોહન રેડ્ડી અને કે. ચંદ્રશેખર રાવની પાર્ટીની સાથે ગઠજોડ બનાવવા પ્રયાસ કરી રહી છે. જો કે, ગઠબંધનથી અલગ રહીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાના મામલામાં નીતિશકુમાર પણ આગળ રહ્યા છે.
ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપા ગઠબંધનમાં સામેલ રહેવા છતાં જદયુનો મત પ્રણવ મુખર્જીને અપાયો હતો. તો શું અનુ. જનજાતિની કોઇ વ્યકિતને ભારતના રાષ્ટ્રપતિ બનાવવાના મામલામાં ગઠબંધનનો આદેશ તોડીને મત આપવાના બનાવો બનશે નહીં ? ભાજપા ગઠબંધનના ઉમેદવારને મત નહીં આપવાની પાછળ વિભિન્ન પક્ષોની દલીલ શું હશે ? આ સ્થિતિમાં શું તેમના તરફથી પણ અનુ. જન જાતિના ઉમેદવાર ઊભા કરવામાં નહીં આવે ?
વાસ્તવમાં રાજનીતિના ખેલ છે મોદી અને નિકટના સહયોગી મહિનાઓથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની ખોજમાં વ્યસ્ત છે. અને તેની પસંદગીમાં રાજકીય લાભ અને નુકસાનની સાથે સાથે ગઠબંધનમાં ભાગલા પર પણ તેમની નજર છે. સામી બાજુએ સોનિયા ગાંધી ની સક્રિયતા અને સીતારામ યેસુરીની બિજુ જનતા દળના પ્રમુખ સાથેની મુલાકાત રસપ્રદ છે. ઉમેદવારી સંબંધી મોદી અને શાહ ની સહયોગી પક્ષો સાથેની મુલાકાત આગળની આગળના મહિને શકય છે. અને માત્ર શિવસેનાનું વલણ જાણવાની કોશિશ થઇ રહી નથી, પરંતુ બાકીના સહયોગી પક્ષો સાથે પણ આ મામલામાં સંપર્ક વધારવામા આવ્યો છે. આ રીતે તેમનું લક્ષ્ય પોતાના સહયોગી પક્ષોને મજબૂત રીતે જોડી રાખવાની સાથો સાથ અન્ય પક્ષોને પણ આ મામલામાં સાથીદાર બનાવવાનું છે એ વિષે સંદેહ નથી કે, આ વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર રસપ્રદ જ નહીં પણ ભારતીય રાજનીતિની દિશા નક્કી કરશે.

NO COMMENTS