જિંદગીના ચોપડાનો સરવાળો તું માંડજે : કર્મરૂપી કોડિયું…!

0
76

(અમીચંદ શા. પટેલ, હિંમતનગર)
તમામ પ્રાણીઓમાં એક મનુષ્યનો અવતાર જ દુર્લભ છે. આપણે કેટકેટલાં પુણ્ય કર્યા હોય ત્યારે મનુષ્યનો અવતાર મળે છે. પણ માનવી એ એક એવું પામર પ્રાણી છે કે જેને પોતાના અવતારનું મૂલ્યો સમજાતું નથી. ‘મોંઘો મળ્યો મનુષ્ય અવતાર, મળે ન વારંવાર’ એ વાત જો માનવીને સમજાય તો જરૂર તે અહંકાર ત્યજીને નમ્ર ભાવે સારાં કાર્યો વડે દૈવત દાખવે પોતાનાં કર્મો દ્વારા જ માનવી જિંદગીની સુવાસ ફેલાવી શકે છે.
પ્રત્યેક માનવી માટે નીચેની પંકિતઓ સત્કર્મ અંગે અત્યંત પ્રેરક છે :
કયાંથી આવ્યો, કયાં જવાનો વિચારજે,
જિંદગીના ચોપડાનો સરવાળો તું માંડજે,
ખાલી હાથે આવ્યો, ખાલી હાથે જવાનો,
જિંદગી ફૂલ છે, સુવાસ તું ફેલાવજે.
આપણા દરેક કાર્યની સુવાસ પ્રસરે તે માટે તો આપણા જીવનને ફૂલ સમાન બનાવવું પડે નિ:સ્વાર્થ ભાવે કરેલું કાર્ય આવી સુવાસ
પ્રસરાવી શકે છે.
સ્વામી રામતીર્થે કહયું છે, તમારા કાર્યને સૂર્ય, ચંદ્ર અને તારાના કાર્યની જેમ નિ:સ્વાર્થ બનાવતો તો તમને જરૂર સફળતા હાંસલ થશે આપણે આપણા કર્મરૂપી કોડિયા વડે જીવવને અજવાળી શકીએ છીએ એક સામાન્ય એવું માટીનું કોડિયું કેટલી શ્રદ્ધાશકિત ધરાવે છે તે અંગે કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કવિતા છે.
અસ્ત થતો રવિ, પૂછતો અવનિને
સારશે કોણ કર્તવ્ય મારાં ?
સાંભળી પ્રશ્ર્ન એ, સતબ્ધ ઊભા સહુ,
મોં પડયાં સર્વનાં કાળાં,
તે સામે પડયાં સર્વનાં કાળાં
તે સમે કોડિયું એક માટી તણું,
ભીડને કોક ખૂણેથી બોલ્યું,
મામૂલી કોક ખૂણેથી બોલ્યું,
મામૂલી જેટલી મારી ત્રેવડ,
પ્રભુ ! એટલું સોંપજો તો કરીશ હું..
આટલી નાનકડી કવિતાનો કેટલો સરસ બોધ છે ? આથમતો સૂરજ જયારે પૃથ્વીને પૂછે છે કે હવે તો આથમી જઇશ તો ત્યાર પછી પૃથ્વીને અજવાળાનું કામ કોણ કરશે ? પૃથ્વી ઉપરનાં સૌ કોઇ આ પ્રશ્ર્નથી સ્તબ્ધ થઇ જાય છે. બધાનાં મોઢાં પડી જાય છે પણ તે વખતે ટોળામાંથી એક કોડિયું પોકારી ઉઠે છે કે. ‘હે પ્રભુ જો એક કામ તેમે મને સોંપશો તો જરૂર મારી શકિત મુજબ તે કરીશ’ એક ટમટમતું કોડિયું કેવો શ્રદ્ધાનો દીપ જલાવવાની જિગર કરે છે ! અને પછી જો કોડિયાની ગજબનાક તાકાતનું તમારે દર્શન કરવું હોય તો તે જાણીતા કવિ શ્રી પ્રહલાદ પારેખની કવિતામાં જોવા મળશે.
મેલો એક કોડિયું રે ભાઇ, મેલો એક કોડિયું,
એક એક કોડિયે ભાઇ, કોટિ કોટિ દીવડાઓ થાય !
એક એક કોડિયાની આલબેલ સાંભળીને લાંબો તે પંથ ટૂકો થાય !
એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો તરી જઇ સામે પાર જવાય !
‘જયોત સે જયોત જલાતે ચલો જીવન આપના બહાતે ચલો’ મનુષ્યનું જીવન તો વહેતાં પાણી જેવું છે. માનવીની જિંદગી એટલે જાણે પાણીનો પરપોટો પોતાના આયુષ્યની દોરી કેટલી લાંબી છે
તેની કોઇને ખબર નથી. હાલતો ચાલતો ને સતત દોડતો માણસ પળના પલકારામાં તો હતો ન હતો થઇ જાય છે. હાર્ટ એટેક એ તેનું ઉતમ ઉદાહરણ છે. તેથી તો કહ્યું છે કે
‘ કલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
પલમેં પ્રલય હોગી, બહુરિ કરેગો કબ’
હે માનવ જીવડા તું તો એક પામર જંતુ સમાન છે તારી જિંદગીનો કોઇ ભરોસો નથી. જીવન એક હસ્તી ક્ષણમાં તો અસ્થિ. તેથી તારે જે કંઇ રૂડાં-રૂપાડાં સારાં કર્મો કરવાં હોય તે જલદી જલદી કરવા લાગી જા. કાલનો ભરોસો નથી.
કાલના ચકકરમાં કાલ તો કયાંય વીંખાઇ જાય છે. કર્મરૂપી કોડિયું જલતું રાખીને જ માણસ પોતાના જીવનને સતત અજવાળતો રહે છે.
કામ, કામ અને કામ આનો કોઇ અર્થ છે ? શું જિંદગી ઢસરડો જ છે ? હરગિજ નહીં. કર્મરૂપી યજ્ઞ એ જ જીવનનો શ્રેષ્ઠ ધર્મ છે. માણસે કામથી માત્ર પેટિયું ભરવાનું નથી. પ્રત્યેક કર્મ એટલું સારું હોય કે જે યજ્ઞની ગરજ સારે છે. સંત તુકારામે આ વાત સરસ સમજાવી છે. મુખ મહીં કણ મૂકતાં, નામ લેજો પ્રભુનું,
સહજ હવન થાશે, નામ લેતાં હરિનું
જીવન સજીવન કરતું અન્ન છે પૂર્ણ બ્રહ્મ,
ઉદરભરણ નથી આ જાણજો યજ્ઞકર્મ
આ ચાર જ લીટીમાં સંત તુકારામે માણસને કર્મમાત્રને યજ્ઞ તરીકે ઓળખાવ્યો છે. કેટલીક આશ્રમ સંસ્થાઓમાં આ ભોજનમંત્ર સવાર સાંજ જમતી વેળા ઉચ્ચારવામાં આવે છે.
– પ્રિ. અમીચંદભાઇ શા. પટેલ
51-લક્ષ્મીનારાયણ સોસાયટી,
મહાવીરનગર,
હિંમતનગર
ફોન : 02772-235002

NO COMMENTS