વાસ્તુ પુરુષ કોણ ? તેની પૂજા શા માટે ?

0
80

(જીતેન્દ્ર શાસ્ત્રી,જોરાવરનગર, સુરેન્દ્રનગર)

આ સંસારમાં ફકત દિગંબરો ને છોડીને બીજા કયા જીવ છે જે પોતાના સુખને ન ઇચ્છે ? મતબલ કે બધા જ જીવ કીટ પતંગીયા, હાથી વગેરે પોતાનું સુખ ઇચ્છે છે . જેને આપણે સુખ કહીએ છીએ તે જોઇ શકાય તેવો કોઇ પદાર્થ નથી. કોઇ વખતે નબળાનું સુખ બળવાન ઝુટવીલે તો શું નબળાને સુખ ન મળે એવું બની શકે નહિં. નબળાને પણ આશ્રયસ્થાન મળી જાય તો તે આશ્રયમાં સુખ મેળવે છે. સુખ ઇનવિઝિબલ છે જે જીવના અંત:કરણને સુખ આપે છે. આજ આનંદનું મુખ્ય ઘર છે. એટલા માટે જ પ્રમાણિત થાય છે કે સુખનું મૂળ ઘર છે. કહેવત છે કે ” ધરતીનો છેળો ઘર. પરંતુ આ ઘર વિશ્ર્વકર્માએ બતાવેલા વચનો પ્રમાણે બનાવવામાં આવે તો બધા જ સુખ મેળવી શકે અને તે ઘરમાં રહીને આ લોકો પરલોકના બધા જ સુખ પ્રાપ્ત કરી શકાય. ઘર આશ્રમ વગર કોઇ કામ થઇ શકતું નથી. પરંતુ સુખપ્રદ આશરા માટે વિશ્ર્વકર્માએ શિલ્પશાસ્ત્રના અનેક ગ્રંથ બનાવ્યા. ત્યારબાદ ઘણા શિલ્પકારો થયા તેવોએ પણ ઘણા ગ્રંથોનું નિર્માણ કર્યુ. વિશ્ર્વકર્મા ચાર પુત્ર 1- જય, 2- મય, 3-સિધ્ધાર્થ, 4- અપરાજિત આ ચાર પુત્રોએ પોતાના નામથી ચાર ગ્રંથોની રચના કરી. સુત્રધાર નામના ગ્રંથમાં પણ શિલ્પના અનેક રીતો બતાવી છે. સુત્રધારનો અપભ્રંસ સુતાર કહેવાય છે.
વિશ્ર્વકર્માએ બતાવેલ વચનો પ્રમાણે બનાવવામાં આવેલ ઘરમાં સુખ પ્રાપ્ત કરવા માટે બનાવેલ મકાનમાં વસવાટ કરતા પહેલા જે વિધિ કરવી જોઇએ તેનું નામ વાસ્તુશાંતિ કહેવાય છે. વાસ્તુના અનેક પ્રકાર હોય છે. વસ્તુપુરુષ કોણછે અને તેની પૂજા શા માટે કરવી જોઇએ તે માટે નીચે જણાવેલ શ્ર્લોક પુરતો છે.
કોઇપણ નવા ઘરમાં વાસ્તુ પૂજનનું મહત્વ જૂના ઘર કરતા અનેક ગણું વધુ હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે વાસ્તુપુરુષને જે પણ કષ્ટ મળે છે, તેના બદલો (વેર) એ તે ઘરમાં રહેનારા સભ્યો પાસે પ્રથમ વર્ષમાં જ વાળી લે છે. જે પ્રકારે કોઇ પણ ઘા રુઝાતા સમય લાગે છે, તે જ રીતે વાસ્તુપુરુષને મળેલા કષ્ટો પણ દૂર થતા સમય લાગે છે. કોઇપણ જગ્યાએ કરવામાં આવેલું બાંધકામ એક વર્ષ સુધી વાસ્તુપુરુષને વ્યાકુળ કરે છે. જેથી વાસ્તુપુરુષની ઊંઘમાં બાધા ઉત્પન્ન થાય છે. ઊંઘમાંથી જાગી ગયેલા વાસ્તુપુરુષને ભૂખ વધુ લાગે છે. વાસ્તુપુરુષની ભૂખ શાંત કરવા માટે હવન કરાવવો જોઇએ. આજ કારણ છે કે ભૂમિપૂજનના સમયે પણ નારિયેળ ફોડી તેનો પ્રસાદ વાસ્તુપુરુષને ભોજન સ્વરુપમાં આપવામાં આવે છે.
મત્સ્યપુરાણમાં વાસ્તુપુરુષના જન્મ વિશે એક કથા આપવામાં આવેલી છે. જે મુજબ અંધકાસુર નામના રાક્ષસને મારવા માટે ભગવાન શંકરને તેની સાથે યુદ્ધ કરવું પડયું હતું. શિવ દ્વારા તે રાક્ષસનો સંહાર બાદ તેના માથા ઉપરથી પરસેવાના અમુક ટીપાં ધરતી ઉપર પડયા. આ ટીપામાંથી એક વિશાળ આકારનો પુરુષ જેવો દેખાતો જીવ ઉત્પન્ન થયો. આ પુરુષ જમીન ઉપર પડેલા અંધકાસુરનું રકત પીવા લાગ્યો, જયારે અંધકાસુરના રક્તથી તેની ભૂખ શાંત ન થઇ તો તેણે શિવજી પાસે જઇ ત્રણેય લોક (દેવલોક, પૃથ્વી લોક, અને આકાશ લોક) ને ખાવાની ઇચ્છા જાહેર કરી.
આ પુરુષ અંધકાસુરને શિવજીની મદદ કરી હતી એટલે શિવજીએ તેને ઇચ્છા પૂરી કરી લેવા આજ્ઞા આપી દીધી. ત્યારબાદ આ પુરુષ દેવલોક અને આકાશલોક પર ફરી પૃથ્વીલોક પહોંચ્યો. ત્રણેય લોકોના નાશથી ડરી ગયેલા દેવતાઓએ એ પુરુષને જોરનો ધક્કો આપ્યો, ત્યારે એ પુરુષ પૃથ્વી ઉપર ઊંધા માથે પડી ગયો. એ પુરુષ જે રીતે પૃથ્વી ઉપર પડયો હતો, તે જ સ્થિતિમાં બધા દેવતાઓ અને રાક્ષસોએ મળીને તેને દબાવી દીધો અને તેની ઉપર બેસી ગયા. આ પુરુષનું મોં સંપૂર્ણપણે જમીનમાં દબાવેલું હતું. જેના લીધે તેને ગૂંગળામણ થવા લાગી. બધા દેવતાઓએ તેને એ રીતે પકડી રાખ્યો હતો કે તે સહેજ પણ હલી નહોતો શકતો દેવતાઓને તે પુરુષના શરીર ઉપર વાસ હોવાને લીધે તેનું નામ વાસ્તુપુરુષ પડી ગયું.
આ વાસ્તુપુરુષે દેવતાઓને વિનંતિ કરી કે તમે મને એ રીતે દબાવી રાખ્યો છે કે હું હલી પણ નથી શકતો આ વિનંથિથી ખુશ થઇ બ્રહ્મા સહિત તમામ દેવતાઓએ તેને વરદાન આપ્યું કે તું જે સ્થિતિમાં અત્યારે છો, તે જ સ્થિતિમાં તારું શરીર આ ધરતી ઉપર વાસ કરશે. તમામ દેવતાઓનો તારા શરીર ઉપર વાસ રહેશે, જયારે પણ કોઇ માનવ આ પૃથ્વી ઉપર પોતાનું ઘર બનાવશે ત્યારે તે ઘરમાં નિવાસ કરતા પહેલા તમામ દેવતાઓ સહિત તારી પણ પુજા કરવી જરુરી રહેશે. વાસ્તુપુજનનાં અંતમાં બલિ અને વૈશ્ર્વદેવના પૂજનમાં જે બલિ આપવામાં આવશે તે તારું ભોજન હશે. વાસ્તુપૂજનના અંતમાં જે યજ્ઞ કરવામાં આવશે તે પણ તને ભોજનના સ્વરુપમાં પ્રાપ્ત થશે. નવા ઘરના નિર્માણ બાદ જે વ્યકિત વાસ્તુપૂજન નહીં કરે, તેમના દ્વારા અજાણતા જ ઘરમાં કરેલા કોઇપણ યજ્ઞની આહૂતિનો ભાગ તને ચોક્કસ મળશે. નવું તળાવ, નગર અથવા મહેલ બનાવતા હોય ત્યારે તારી પૂજા થશે. નવી ઇમારત, અગ્નિ ખુણામાં વાસ્તુને મુકવામાં આવે છે. બ્રહ્મપુરાણમાં થયેલા ઉલ્લેખમાં કયાંય મકાનની સાઇઝ, દિશા અથવા હાલ વાસ્તુશાસ્6ના નામે થતી ચાલતી વાતનો કોઇ ઉલ્લેખ નથી. જે ઘરમાં ગૃહપ્રવેશ પૂર્વે વાસ્તુપૂજન થયું હોય તેને કોઇ દોષ રહેતો નથી. આ ઘરોમાં તોડફોડ અથવા અન્ય કોઇ વિધિ વિધાનનો આપણા ગ્રંથોમાં ઉલ્લેખ નથી. નવું ઘર લીધા પછી અથવા બનાવ્યા પછી દરેક ઘરમાં વાસ્તુ શાંતિ કરાવવામાં આવે છે. વાસ્તુશાંતિ વાસ્તુદેવને ખુશ કરવા માટે કરવામાં આવે છે. આ વાતની પાછળ એક એવી માન્યતા છે કે જમીનના કોઇ ભાગ ઉપર જયારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર નિવાસ કરતી શકિતઓ જાગી જાય છે. આ શકિતો જ વાસ્તુપુરુષ છે. વાસ્તુપુરુષ દેવતાના શરીર જ 33 કોટી પ્રકાર ના દેવતાઓનો વાસ હોય છે. આ જ દેવતાઓને ખુશ કરવા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે, જેથી આ તમામ દેવતાઓ ખુશ રહે અને આપણા જીવનમાં સુખ,શાંતિ અને સમુદ્ધિ બની રહે.

  •  જીતેન્દ્ર શાસ્ત્રી
    શાસ્ત્રી સદન, 4-નીલકંઠ સોસાયટી
    ડી.એન.ટી. હાઇસ્કૂલ પાસે
    જોરાવરનગર, સુરેન્દ્રનગર
    મો. 99250 78288

NO COMMENTS