તમારો સુખાંક કેટલો ?

0
98

વર્તમાન સમયમાં, અખબારોમાં અવારનવાર સુખાકારી નો આંક એટલે કે ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્ષ ની ચર્ચા વાંચવા મળે છે, તો સવાલ એ થાય છે કે વાસ્તવમાં આ સુખનાં સૂચકાંક નો અર્થ શો ? એને શા માટે માપવામાં આવે છે ? તે કેટલો જરૂરી છે ?
કોઇપણ રાષ્ટ્રનો વિકાસ અને પ્રગતિ ને તેમની રાષ્ટ્રીય આવકનાં વૃધ્ધિ દર થી નકકી કરવામાં આવે છે, જેને જીડીપી ગ્રોથ કહેવાય છે. પણ જો જીડીપી ગ્રોથ એટલે કે રાષ્ટ્રની આવકનો વૃધ્ધિ દર ઊંચો જાય તો તેનો એ મતલબ નથી કે તે રાષ્ટ્રમાં સુખી લોકો વધારે છે. ઘણીવાર સાદું સરળ જીવન સમૃધ્ધ જીવન કરતાં પણ વધારે સુખ આપતું હોય છે. અનુભવી પીઢ લોકોનું કહેવું છે કે વિકાસ કયારેક વિનાશનાં માર્ગેઓ દોરી જાય છે. રાષ્ટ્રીય આવક વધારવાની ઘેલછામાં આપણે ઉલ્ટાનું માનવ સમાજનાં દુ:ખોનો વધારો કર્યો છે !
તો કોઇપણ દેશનાં લોકોનો હેપીનેશ ઇન્ડેક્ષ એટલે કે સુખી હોવાનો સૂચકાંક અને માનવ વિકાસ નો આંક, જે તે દેશનાં લોકોની સરેરાશ માથાદીઠ આવક તેમનું સરેરાશ આયુષ્ય કે તેમનાં શિક્ષણનાં વર્ષો પર થી નકકી થાય છે. ટૂંકમાં જે દેશમાં લોકો જેમ વધારે ધનિક તેમ વધારે સુખી !
પણ હકીકતમાં તો કંઇક જુદું જ ચિત્ર જોવા મળે છે. વધારે પડતી ધન સંપતિ તેની સાથે અનેક દૂષણો લાવે છે. દા.ત. જે ઘરમાં રાતોરાત પૈસાની આવક વધવા લાગે છે, તો એમના સંતાનો ડ્રગ્સ જેવા હાનિકારક વ્યસનો નો જલ્દીથી ભોગ બનતા હોય છે. અમેરિકા જેવા સૌથી વધારે સમૃધ્ધિ ધરાવતા રાષ્ટ્ર ને એક ગંભીર સમસ્યા નો વારંવાર સામનો કરવો પડે છે. ત્યાં ના યુવાનો અચાનક ઘાતક હથિયારો વડે કોઇપણ કારણ વિના આડેઘડ ગોળીબાર કરી, અનેક નિર્દોષ લોકોનાં જાન લઇ લે છે. તોઆનો શો ઉપાય કરવો ? આવા વાતાવરણ માં સુખ-દુ:ખની ફિલસૂફી ડહોળવી હાસ્યાસ્પદ છે.
સામેપક્ષે એવી દલીલ કરવામાં આવે છે કે વિશ્ર્વની સરેરાશ રાષ્ટ્રીય આવક લગભગ ત્રણ ટકાનાં દરે વધે છે. અને નિર્ધન લોકોની સંખ્યા હવે ઘટી છે. આધુનિક એવા અનેક જાતનાં ગૃહઉપયોગી સાધનો અને તૈયાર ખોરાક ના પેકેટ ના કાણે ગૃહિણીઓનો ઘરકામકાજનો બોજ ઘણો ઘટયો છે. એનાં પરથી એવું જ જણાયું છે કે દરેક દેશમાં ધનવાન લોકો, ઓછી આવકવાળા કરતાં વધુ સુખ સગવડ ભોગવે છે. આજે દેશમાં મધ્યમ વર્ગ પણ જીવન જરુરી બધી સવલતો ભોગવી રહ્યો છે. જયારે અછતગ્રસ્ત જીવન લોકોને એક શ્રાપ સમાન લાગે છે. કોઇપણ જાતની કુદરતી, સામાજિક આપત્તિ નો સૌથી વધારે ભોગ તો ગરીબોનો જ લેવાય છે. આવા સંજોગોમાં નિર્ધનતાની વાહ વાહ કરવી કે વધુ પડતી સાદગીનાં વખાણ કરવા મૂર્ખામી છે.
મનુષ્ય પાયાની જરૂરીયાત તો શારીરિક તંદુરસ્તી અને સધ્ધર આર્થિક ર્સ્તિાથ છે. આ બન્ને વડે તે એક સારું જીવન જીવી શકે છે. તો વ્યકિતનો સુખાંક વધારવા બે તદન પાયાની જરૂરીયાત લોકોને ઓછાદરે શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સારામાં સારી સગવડ મળવી જોઇએ તે છે.
ખૈર, આ તો સામાજિક સુખાંક ની વાત થઇ, પણ વ્યકિતગત લોકોનાં ખરા સુખી હોવાનાં મુખ્ય લક્ષણો કયા ?
– સુખી લોકો હંમેશા શાંત અને રિલેક્ષ હોય છે તેઓ કેન્દ્રિત અને સ્વભાવનાં રમુજી હોય છે. તેઓ ગમે ત્યાંથી હાસ્ય શોધી કાઢે છે અને સંસારની નાની નાની બાતો ને બહુ મહત્વ આપતા નથી તેને એમને એમ જવા દે છે.
– તેઓ કાર્યમાં અન્યો ને મદદ કરવા તત્પર
હોય છે.
– તેઓને નવા નવા મિત્રો બનાવવાનો શોખ
હોય છે.
– પોતાનાં વર્તુળમાં તેમની ઓળખાણો એક સફળ અને આનંદી વ્યકિત તરીકેની થતી હોય છે.
– તેઓ પોતાનાં કામને, ફરજો ને પ્રેમ કરે છે અને રાજી ખુશીથી પોતાની જવાબદારી નીભાવતા
હોય છે.
– તે પોતાની નિષ્ફળતા કે ઉદાસીને પચાવી જાણે છે તેઓ કયારેય નકારાત્મકતાને પોતાના પર હાવી થવા દેતા નથી.
– પરેશભાઇ અંતાણી
4- શારદાનગર,
વિરાણી હાઇસ્કૂલ ચોક પાસે
રાજકોટ, મો. 99792 24755

NO COMMENTS