ચિંતા ચિતા સમાન..!

0
87
Man worrying
Man worrying

ચિંતા કોને નહીં થતી હોય ? દુનિયામાં કોઇ વ્યકિત એવી નહીં હોય કે તે તદન ચિંતાથી મુકત હોય. ચિંતાતો માનવ સ્વભાવની પ્રકૃતિ છે. વ્યકિત ચિંતા નહીં કરવાના ગમે તેટલા પ્રયત્નો કરે છતાં તેમાંથી સંપૂર્ણપણે અલિપ્ત રહેતી નથી. વ્યકિતને પોતાની જવાબદારી નિભાવવા માટે ચિંતા રહે તે સ્વાભાવિક ગણાય અને તે ચિંતા જરૂરી પણ ગણાય. જવાબદારી નિભાવવા માટે ચિંતાની નહીં પણ ફરજમાં ચૂસ્ત પાલનની અને કાળજીની જરૂર છે. ચિંતાનું મૂળ કારણ વ્યકિતમાં રહેલો અહંકાર છે. અહંકારનો ભાવ જિંદગીમાં અશાન્તિ જન્માવે છે, જે ચિંતાનું કારણ બને છે.
માણસ બુધ્ધિશાળી હોય કે અજ્ઞાની હયો તેને પણ પોતાના ભવિષ્યની ચિંતા તો હોય જ છે, પરંતુ ભૂતકાળમાં જે બની ગયું તેની ચિંતા કરવાનો કશો અર્થ નથી, અને જેનો ઉપાય જ ન હોય તેની ચિંતા કરવાથી કશું પ્રાપ્ત થતું નથી. વિતી ગયેલા ભૂતકાળને ઉથામવાની અને તે અંગે ચિંતા કરવાથી વર્તમાનના અને ભવિષ્યના બન્ને કાર્યોને અવરોધક બને છે.
મન ભૂતકાળમાં ખોવાયેલું હોય કે ભવિષ્યમાં ભમતું હોય તો પણ અને પ્રબળ ઇચ્છા શકિત હોવા છતાં પણ માનસિક તણાવ ટેન્શન માં ઉતરી જાય છે વિચારો પણ નિયંત્રણ લાવવાથી જ અહંકારને ઓગાળી શકાય છે. અહંકાર ઓગળી જાય તો જ ચિંતા દૂર થાય.
અમુક કામ મારા સિવાય અન્ય કોઇથી થઇ શકે નહીં, આવા પ્રકારનો અહંકાર જ ચિંતાનું મૂળ કારણ છે. સંચાર વ્યવહારમાં પ્રશ્ર્નો ઉપસ્થિત થતા હોય છે તે માત્ર ચિંતા કરવાથી ઉકેલાઇ જતા નથી. પરંતુ આવી ચિંતા થવા માંડે તો સમજી લેવું કે પ્રશ્ર્નનો ઉકેલ આવવાને બદલે તે અવરોધક બની કામને નુકસાન પહોંચાડે છે.
ચિંતાને કારણે ચિત્તમાં ગૂંચવાડો પેદા થાય છે. ચિંતા કરવાનું છોડી દેવાય તો ગૂંચવાડો આપોઆપ દૂર થઇ જાય. આપણે ચિંતા કરીએ છીએ અને ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતા નથી તેથી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ થઇએ છીએ કાર્યના પરિણામ અંગે ચિંતા કરવાથી કશું વળતું નથી. તેથી સ્વસ્થ રહેવા માટે આપણી અંદર આત્મવિશ્ર્વાસ પ્રગટાવવો જોઇએ. આમ કરવાથી કોઇપણ જાતની ચિંતા મનમાં રહેશે નહીં.
જીવનને યુધ્ધનું સમરાંગણ માનીને નહિં પણ એક ખેલદિલ રમત ગણી ચિંતા પર કાબૂ મેળવવા માટે શરીર, મન, બુધ્ધિ અને હૃદયનું સંતુલન જાળવવું જોઇએ. કોઇપણ દિવસ ચિંતા વગરનો જતો નથી કારણકે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આપણે સંતુલન જાળવી શકતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પ્રાપ્તને ભોગવો અને અપ્રાપ્યની ચિંતા ન કરો.
એક વિચાર ચાલુ થાય તે અમુક હદ પાર કરી જાય તયરે એ ચિંતાના સ્વરૂપમાં ફેરવાય જાય છે. એકવાર ચિંતા શરીરને તો કમજોર બનાવે છે એટલું જ નહીં પણ આત્માને પણ પીડારૂપ બની જાય છે.
પરિવર્તનશીલ દુનિયા જીવનમાં તાજગીની સાથો સાથ ઉદ્વેગ, બેચેની અને અશાન્તિ લાવે છે. ભૌતિક પ્રગતિના ચકકરમાં આધ્યાત્મિક વિકાસ અટકાવો ન જોઇએ. સતત બદલતી દુનિયાની બે બાબતો ચિંતા અને ચિતા યાદ રાખવી જોઇએ.
ચિંતાથી કામ બગડે છે આત્મવિશ્ર્વાસ ન હોય ને મોટર ચલાવીએ તો એકસીડન્ટ થવાનો ભય રહે છે. ભરપૂર આત્મવિશ્ર્વાસ કેળવવાથી ભય અને ચિંતા આપોઆપ દૂર થઇ જાય છે.
ચિંતા એટલે અપ્રગટ અગ્નિ જે નજરે દેખાતો નથી જે નિરંતર બાળ્યા જ કરે છે. જેવી રીતે લોખંડને કાટ લાગવાની ક્રિયા સતત ચાલ્યા કરે છે તેવી જ રીતે ચિંતા મનને અને પરિણામે શરીરને સતત બાળ્યા જ કરે છે. વ્યકિત જો સતત ચિંતામાં બળ્યા કરે તેનું પરિણામ પ્રગટ અગ્નિ ચિતામાં પરિણમે છે.
– મનુભાઇ વ્યાસ
પંચમુખી, શ્રીનાથજીનગર-1
બ્લોક નં. 4, ભાવનગર,
મો. 9376 303985

NO COMMENTS