માતૃત્વ અનુભવવા પુરુષે મા થવું પડે ! : મમતાની મૂર્તિ..મા

0
21
mother love
mother love

મા ને કોઇ ઉપમા ન હોય. મા એટલે મા.. બસ ! માના હેત વહાલનું શબ્દોમાં વર્ણન ન થઇ શકે, માત્ર અનુભવાય !

મા નવ મહિના સુધી પોતાના ઉદરમાં બાળકને ઉચકે છે. દુન્યવી, સાંસારિક મર્યાદા ઓળંગીને બાળકને જતન કરે છે. ઉદરમાં રહેલા બાળકની તંદુરસ્તી માટે મા સ્વાદનો ત્યાગ કરે છે. સાત્વિક ખોરાક અને સાત્વિક વિચારો થકી બાળકનું શારીરિક માનસિક પોષણ કરે છે મા !
બાળકનો મા સાથે નાળ નાતો છે. મા સ્વયં જાણે છે કે બાળકરૂપે અવનિ પર અવતરે છે. માટીના લોંદા પિંડરૂપ સંતાનનું જતન કરે છે.
મા પોતાનું દૂધ પીવડાવતી વેળાએ પોતાનું હેત-વહાલ પીવડાવે છે. અરે ! અમૃતપાન કરાવે છે. ખોળામાં રહેલા બાળકને દ્રષ્ટિથી સ્નેહનો અભિષેક કરે છે ! બાળકના રોમ રોમ પર સર્વાંગ શરીર પર માની અમીદ્રષ્ટિ કરે છે. આંખે આખા બાળકને મા હૈયા સાથે ચાંપે છે !
મા પોતાના બાળકને પોતાના ડાબા પડખે સૂવડાવે છે જેથી મા બાળના હૈયા ધબકારા એક બીજાના પૂરક બને ! સૂકામાં સૂવડાવી, ભીનામાં પોતે સૂએ છે. બાળકને સર્વાંગ સ્પર્શ કરી વહાલની અનુભૂતિ કરાવે છે.
બાળકના શારીરિક પોષણ સાથે તેના ભાવને, લાગણીને પણ માં પોષણ પુરું પાડે છે મા અને બાળકનું હાર્દિક જોડાઇ હોઇને માનો મહિમા વિશેષ છે. મા નિસ્વાર્થભાવે બાળકને ઉછેરે છે.
હા, સંતાન પાગલ હોય, દિવ્યાંગ હોય તો … તો મા તેને વિશેષ કાળજી લે છે. ખૂબ વહાલપૂર્વક માવજત કરે છે. નિસ્વાર્થ ભાવે..
અરે..! માનો માતૃભાવ જ મહિમાવંતો છે.
માનો સ્નેહ અનિરુધ્ધ વહ્યા કરે છે, સંતાન તેમાં ન્હાયા કરે છે. મા નો તુંકારો જગતનો સૌથી માનવાચક આદરવાચક હોય છે. મા યાદ આવતાં બાળપણ યાદ આવી જાય ! મોટપ ખંખેરાય જાય !
બાળક ઘેર રાત્રે મોડો આવે તો મા તેના આવવાની ચાતક નજરે રાહ જુએ છે. બાળક ઘેર આવે ત્યારે શાતા અનુભવે.
મા માટે શિશુ ઇસુ સમાન છે તો બાળક માટે મા મમતાનૂ મૂર્તિ સમાન છે.
મા સંતાનને જીવન જીવવાના પાઠ શીખવે છે. માતા બાળકની પ્રથમ શિક્ષિકા છે જયારે શિક્ષક બીજી માતા ! ઉદરમાં રહેલા સંતાનને મા માણસ થવાનો બોધ આપે છે. કીર્તિવંત થવાની દિક્ષા મા પાસે થી મળે છે.
કહેવાયું છે :
ઘોડે ચઢતો બાપ મરજો..
પણ..રેંટિયો કાંતતી મા નહીં..!
વિધવા થયેલી મા પોતાના સંતાનને ઉછેરી મોટા કરવા લોકોના ઘેર વાસણ ઘસી, શરીર ઘસી નાખવાનો ભોગ આપે છે.
માતૃત્વ અનુભવવા પુરુષે મા થવું પડે !
ઇશ્ર્વરને અનુભવવા પુરુષે મા થવું પડે
ઇશ્ર્વરને પણ માના ઉદરથી અવતાર લેવાનું મન થાય છે. મા ઇશ્ર્વરનો જન્મ આપી શકે !
– ભૂપતરાય ઠાકર

NO COMMENTS