પ્રાર્થના ઇશ્વર સાથે નો સોદો ન બની જાય !

0
125
prayer to god
prayer to god

(શ્રીમતી કૌમુદીબેન ડી. બક્ષી- અમદાવાદ)

પ્રાર્થના એટલે આપણું સમગ્ર અસ્તિત્વને ભૂલી ઇશ્ર્વર સાથે સાનિધ્ય કે તાદાત્મય સાધવું તે જીવનમાં પ્રાર્થના આપણુ એક પ્રેરકબળ બની રહે છે. જેમ જેમ પ્રાર્થનામાં એકાગ્રતા ને ઊંડાણ વધશે તેમ તેમ આપણે ઇશ્ર્વરની વધુ ને વધુ નજીક જતા હોઇએ છીએ એવી અનુભૂતિ અનુભવાય છે. જીવનની સમગ્ર ચિંતા કે વ્યગ્રતા એને સોંપી આપણે નિશ્ર્ચિંત થઇ જવાનું છે. અનન્ય ભાવે એની શરણાગતિ સ્વીકારી એનામાં ઓતપ્રોત થઇ જવાનું છે. પ્રાર્થના દરમ્યાન ઇશ્ર્વરને નહીં કોઇ ફરિયાદ કે નહીં કોઇ માંગણી એક એવી કક્ષા આવે કે મૌન એ જ આપણી પ્રાર્થના બની જાય છે. એવું લાગશે કે જીવ શિવ એક થઇ ગયા છે. હું જીવ તું શિવ નકી, હું ભકત તું દેવ : ભકિતભાવ વિશુદ્ધ એ હરે ભ્રાંતિ તતખેવ (શ્રી રંગાવધૂત) પ્રાર્થના એ તો ઇશ્ર્વર તરફ જવાનો એક સેતુ બની જાય છે.
જીવનમાં ચઢાવ ઉતાર એ એક નિયતિ છે. પરિવારમાં કોઇક આકસ્મિક ઘટના કે આપત્તિ એવી આવે જે આપણને વિહળ કરી નાખે છે. દુન્યવી માધ્યમોથી પણ એ હલ થઇ શકતી નથી ત્યારે અચાનક ઇશ્ર્વર તરફ મદદ માટે હાથ ફેલાવવા જરૂરી બની જાય છે. મનની ખિજતાને કારણે આ પ્રાર્થનાનો પ્રકાર બદલાઇ જાય છે. પ્રાર્થના નિરપેક્ષ નથી રહેતી.
દરેક વર્ણ કે જાતોના લોકો તેઓના કુળ દેવ દેવી કે પરમ ગુરુમાં અનન્ય શ્રદ્ધા ને નિષ્ઠા ધરાવે છે. આવી કાંઇક સમસ્યા જીવનમાં સર્જાય ત્યારે અનાયાસે આ દેવી દેવતાઓના પવિત્ર તીર્થસ્થાનો યાત્રા કે કાંઇક યજ્ઞ-યજ્ઞદિની વૈદિક વિધિ સારા વિપ્ર પાસે કરાવવાની બાધા સંકલ્પ નકકી કરે છે. પ્રાર્થના દરમિયાન ઇશ્ર્વર જો આ સમસ્યામાંથી મુકત કરશે તો આવી યાત્રા કે વૈદિક વિધિ કરાવીશ. ઇશ્ર્વર તો મદદ કરવા બેઠો જ છે. સમસ્યા હલ થઇ પણ જાય છે. આ બધામાં ઇશ્ર્વર ભકત પ્રત્યે ખૂબ નારાજ થઇ જાય છે. તે કહે છે મારા માટેની તારી શ્રદ્ધા અચાનક મરી પરવારી ? કે તારે તારી પ્રાર્થના દરમ્યાન એક વેપારી બીજા વેપારી સોદાની ભાષામાં વાત કરે, બસ તેવો જ રણકો તારી પ્રાર્થનામાં મને સંભળાયો.
જો ને તો એ તો એક શરત છે. સોદો છે. આ કારણસર તારી પ્રાર્થનાની દિવ્યતા ને ઊંડાણ અલોપ થઇ ગયા. તારા યોગ ક્ષેમની જવાબદારી મેં હોંશે હોંશે સ્વીકારી છે. મારું હોવું એ માત્ર મારા ભકતો માટે જ છે.
ભગવાન આવી સોદાબાજી જેવી પ્રાર્થનાથી ખૂબ જ ખિજાઇ જાય છે. આના સંદર્ભમાં મહાભારતનો એક પ્રસંગ યાદ આવ્યો. પાંડવોના વનવાસ દરમ્યાન એક વખત ધર્મરાજ યુદ્ધિષ્ઠિરજી એક વૃક્ષ નીચે ધ્યાનસ્થાવસ્થામાં બેઠા હતા. એવામાં દ્રૌપદીજી બહાર આવ્યા. તેઓએ ધર્મરાજના મ્હોંપર દિવ્ય તેજ જોયું. થોડીવારે ધર્મરાજ ધ્યાનની બહાર આવ્યા ને બોલ્યા. દેવી ! આજે તો ધ્યાનાવસ્થા દરમિયાન પરમાત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું.
દ્રૌપદિજી ખુશ થયા ને બોલ્યા : નાથ ! પરમાત્માના દર્શન થયા તો તમે માંગ્યુ નહીં કે આપણને વનવાસના કષ્ટમાંથી છોડાવે ? ધર્મરાજે કહ્યું
દેવી ! હું ધ્યાન ધરું છું. પરમાત્માના દર્શન કરવા ને પરમાત્માએ મને દર્શન આપી પ્રસન્ન કર્યો હવે જો હું કંઇક આવું માગી બેસું તો એ ધ્યાન કે પ્રાર્થના નિરર્થક બની જાય કારણ એ તો મેં એની સાથે સોદો કર્યો કહેવાય. આપણા કષ્ટ તો આપણા કર્મને આધિન છે. તે માટે ઇશ્ર્વરને દોષ ન દેવાય. દ્રૌપદીજી ધર્મનિષ્ઠ અને જ્ઞાની હતા. એમની ભૂલ એમને સમજાઇ.
સંસારી જીવ છીએ, જીવનમાં પારિવારિક, આર્થિક કે શારીરિક વિટંબણા કે ઉપાધિઓ આવવાની જ. સ્વભાવિક રીતે દૂન્યવી પ્રયત્નો કરીએ પણ અનાયાસે ઇશ્ર્વર પાસે મદદ માગવા હાથ ફેલાવીએ જ છીએ, અનન્ય શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી મનથી નિશ્ર્ચિત થઇ જવાનું છે. દૈવી મદદ મળી પણ રહે છે ને ઉપાધિમાંથી બહાર આવી જઇએ છીએ. મોટાભાગના ભકતો ભૌતિક સુખ, ધન ને પ્રતિષ્ઠા માટે પ્રાર્થના કરે છે. આપણા મનની ઇચ્છાઓ કે અપેક્ષાનો કોઇ અંત નથી. પ્રારબ્ધવશાત કે દૈવવશાત જે મળવાનું હોય છે તે મળે છે પણ જીવનમાં સંતોષ નથી, સમૃદ્ધિ ને પ્રતિષ્ઠાની જાણે હરિફાઇમાં ઉતરીએ છીએ આવા સમયે પણ આપણે દૈવી સહાય માંગીએ છીએ, તે વખતે આપણે બેધ્યાન થઇ જઇએ છીએ કે આપણી પ્રાર્થના ઉપાસના આવી ક્ષુલ્લક બાબતો માટે થતી પ્રાર્થના પાંગળી હોય છે.
પ્રાર્થનાનો ઉદેશ્ય પ્રભુકૃપા મેળવવાનો છે. એવામાં આપણી પ્રાર્થના ભૌતિકતા તરફ વળી જશે તો દેવદર્શનનો પવિત્ર ધ્યેય અલોપ થઇ જશે.
કોટિજન્મસુકૃત ફળે તો જ ભકત થવા, નહિં તો શ્રુદ્ર દૈવતો ભજતાં આયુષ જાય- (એક સંતપુરુષ). ઇશ્ર્વરના આપણે પરમ ભકત છીએ એ ચારિતાર્થ કરવા ને એના દિવ્ય દર્શન કરવા ઇશ્ર્વર સાથે જો નાતો નિરપેક્ષ હોવો જરૂરી છે. મૂંઝવણ કે તકલીફમાં તેની મદદ જરૂર માંગો. કશુંક માગવા તો પ્રાર્થના નહીં જ કરવાની નહીં તો ઇશ્ર્વર તો ભકતોને મદદ કરવા સતત તત્પર છે એ શાસ્ત્રવાણી પોકળ સાબીત થશે. એક પ્રસિદ્ધ ગઝલકારે સરસ કહ્યું છે કે ” મારા હાથ ને હું ફેલાવું તો તારી ખુદાઇ દૂરનથી, પણ હું માગું ને તું આપે તે મને મંજૂર નથી. ઇશ્ર્વર સાથે ના સાનિધ્યની એક આગવી ખુમારી છે. એક આત્મવિશ્ર્વાસ છે.
પ્રાર્થનાને માત્ર આપણને પ્રભુ સાથે જોડનાર એક પવિત્ર સેતુ માની એનું સાતત્વ જાળવીએ.
” ઇશ્ર્વરભકિત આ નકી, પુણ્ય હોય તો થાય
નહીં તો તો બહુધા જીંદગી વાતોમા વહી જાય. (પૂજય રંગ અવધૂત)

  • શ્રીમતી કૌમુદીબેન ડી. બક્ષી
    11, શ્રી હરી ફલેટસ
    વસંતકુંજ, નવા શારદામંદિર રોડ
    પાલડી અમદાવાદ,મો. 7600505121

NO COMMENTS