ઝાલાવડના શિલ્પ કલા રત્ન : રાજેશ મુળીયા

0
39
zalavad shil ratna kalakar
zalavad shil ratna kalakar

(મનોજભાઇ પંડયા-જોરાવરગનર)

યુવાનીમાં કાંઇક નવું કરવાનો તરવરાટ યુવાનોમાં હાલ ખૂબ જ વધતો જાય છે. પછી તે ક્ષેત્ર રમત ગમતનું હોય, સંગીતનું હોય તેમજ કલા કે સંસ્કૃતિનું હોય.
આવા જ એક તરવરિયા યુવાન ઝાલાવડના માનગઢમાં વસતા રાજેશ મુળીયા વિશે આજ મારે વાત કરવી છે. તેમની આગવી કલા વિશે લોકોને અવગત કરાવવા છે. રાજેશ મુળીયા થાનગઢની ફુલવાડીમાં રહે છે. જેઓ કલારસિક, સર્જનાત્મક વિચારો, કવિ હૃદય છે. પોતાના પિતાનો કલા વારસો લઇ પોતાની કલા દ્વારા સમગ્ર ગુજરાતનું અને દેશનું થાનગઢ નું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. એવા રાજેશભાઇ માં નાનપણથી જ કલા પ્રત્યેનો લગાવ જોઇ તેમના પિતા ત્રિભોવન ભાઇ તથા મોટાભાઇએ તેમને શિલ્પકલાનો પધ્ધતિસરનો અભ્યાસ કરાવવા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો. ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં (એમ.એફ.એ.) નો અભ્યાસ કરી રાજેશભાઇ એ શિલ્પકલાની માસ્ટર ડીગ્રી મેળવી. આ છ વર્ષના અભ્યાસકાળ દરમ્યાન રાજેશભાઇએ દેશ અને દુનિયાની આર્ટસ હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો તેમજ દેશ અને વિશ્ર્વના ખ્યાતનામ કલાકારો પાસે શિલ્પકલાનું ઊંડુ જ્ઞાન મેળવ્યું.
એ બાબત ગૌરવ અનુભવવા જેવી છે કે રાજેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લાનાં એક માત્ર શિલ્પકાર છે કે જેમણે એમ.એસ. યુનિવર્સિટીમાં થી શિલ્પ કલાની માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે દેશની વિવિધ આર્ટસ ગેલેરીમાં પોતે સર્જેલી કૃતિઓ પ્રદર્શિત કરી છે. ગુજરાતના એક માત્ર રેતી ચિત્રકાર છે. રાજેશભાઇ કે જે દેશના મહાન પુરુષોના આબેહૂબ રેતી શિલ્પો બનાવે છે. તેમજ દેશમા પ્રવર્તતી પરિસ્થિતિ ઓનો અનુલક્ષીને સામાજિક શિલ્પો બનાવી સમાજમાં સારો સંદેશો આપે છે.
તેમનો પરિવાર છેલ્લા પાંચ દાયકાથી નવાગઢમાં વસવાટ કરે છે સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. અભ્યાસપૂર્ણ કરી રાજેશ મુળીયા તેની એપલ સીરા નો કાર્યભાર સંભાળે છે. જેમાં આધુનિક યુગ સાથે ચાલવા માટે નવી નવી ડિઝાઇનો સિરામીક પ્રોડકટ બનાવે છે. જેની હાલમાં વિદેશોમાં ખૂબ જ માંગ
વધી છે.
આમ રાજેશ મુળીયા એક સારા પ્રોડકટર ડિઝાઇનનું જ્ઞાન ધરાવે છે. આજકાલની આ દોડધામ ભરી જિંદગીમાંથી પણ તેઓ સમય કાઢીને કેટલીય સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી સમગ્ર ઝાલાવાડ પ્રજાપતિ સમાજના સમૂહલગ્નમાં વિવિધ કલાત્મક ફલોટો બનાવે છે.
તેઓએ શાળા કોલેજમાં આર્ટસ વર્કશોપ પણ યોજયા છે. અમદાવાદની સી.એન. વિદ્યાલય કોલેજ ઓફ ફાઇન આર્ટસ, રાજકોટ ની ઇન્દુભાઇ પારેખ કોલેજ ઓફ આર્કિટેકચર, મુંબઇની જે. જે. સ્કુલ ઓફ આર્ટસ તેમજ ગાર્ડિ યુનિવર્સિટીની કોલેજોમાં પણ તેઓ વિઝીટીંગ ફેકલ્ટી રહી ચૂકયા છે.
કલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ થાનગઢમાં સિરામીકનું નોલેજ મેળવવા આવે છે. તેઓને પણ રાજેશભાઇ પોતાના ભગવતી આર્ટ સ્ટુડિયો માં એકત્રીત કરી માર્ગદર્શન આપે છે.
થાનગઢમાં અનેક મંદિરોના દેવી દેતવાઓની મૂર્તિઓ તેઓએ બનાવી આપી છે. તે પણ માત્રને માત્ર સેવાના ભાવથી. ઘાંગધ્રાના રણેરી માતાના મંદિરમાં ફાઇબર ગ્લાસની મૂર્તિઓ બનાવીને અર્પણ કરેલ છે.
રાજેશ મુળીયા શિલ્પ કલાની સાથે સાથે રંગોળી, ચિત્રકલા તેમજ પરફોમિંગ આર્ટનું જ્ઞાન પણ ધરાવે છે. તેથી તેઓને થાનગઢની વિવિધ સંસ્થાઓ, સ્કુલો તેમજ લાયન્સ કલબ દ્વારા યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેમણે નિર્ણાયક તરીકે નિમંત્રિત કરવામાં આવે છે.
તાજેતરમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ બનાવી મુંબઇ સ્થિત તેમના બંગલો જલસા માં તેમને મળીને ભેટ આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી શિલ્પ કલાના અનોખા માધ્યમ રેતીના શિલ્પો બનાવી રેતી શિલ્પકાર તરીકે સમગ્ર રાજયમાં પ્રસિધ્ધિ પામના રાજેશભાઇ આ રેતી શિલ્પ દ્વારા વ્યસન મુકિત, ભ્રૃણ હત્યા, પાણી બચાવો, જેવા સમાજ ઉપયોગી પ્રશ્ર્નોને વાચા આપી દેશવાસીઓમાં જાગૃતિ લાવવાનું ઉમદા કાર્ય કરે છે.
હાલમાં લોક ગાયક સ્વ. હેમુ ગઢવીનાં વતન ઢાંકણીયામાં બનાવવામાં આવેલ સ્મારકમાં તેઓએ તૈયાર કરેલ ચીજ વસતુઓ કે જે સ્વ. હેમુગઢવીની યાદ સાથે જોડાયેલ છે. તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સિવાય ચોટીલા, રાણપુરમાં ઝવેરચંદ મેઘાણી ના સ્ટેચ્યુનું અનાવરણ નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કલા માટે તેમને શિલ્પ કલા રત્ન એવોર્ડ દ્વારા થાનગઢ માં સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા લલિતકલા એકેડમી દ્વારા પણ રાજેશભાઇનું સન્માન કરવામાં આવ્યું છે. હાલમોજ ઝાલાવાડના પીઢ પત્રકાર
સ્વ. ભાનુભાઇ શુકલની યાદગીરીમાં પ્રારંભ થયેલ સુરેન્દ્રનગર નું સોનું એવોર્ડ કલા વિભાગ માં રાજેશભાઇને પ્રાપ્ત થયેલ છે. એ સિવાય ઘણી બધી સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન થયેલું છે. હાલમાં રાજેશ મુળીયા થાનગઢ સ્થિત પોતાના સિરામીક યુનિટ એપલ સીરા સંભાળે છે. તેમજ ઇન્ટિરીયર ડિઝાઇનર તેમજ આર્કિટેકટ સાથે મળીને લોકોના ઘરની સજાવટ કરે છે. આમ રાજેશ મુળીયા એ વિવિધ કલા દ્વારા ગુજરાતનું નામ રોશન કરેલ છે.

  • મનોજભાઇ પંડયા
    6-શિવાલય, વિઠ્ઠલ પાર્ક, રામજી મંદિર પાછળ
    જોરાવરગનર, તા. વઢવાણ,
    જિ. સુરેન્દ્રનગર મો. 98799 63522

NO COMMENTS