રાજકોટના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું

0
92

સમગ્ર સૈૌરાષ્ટ્રની પ્રજા ઉત્સવપ્રિય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ કલેકટર દ્વારા આયોજિત લોકમેળામાં આવર્ષે લગભગ ચાર દિવસીય મેળામાં 17 લાખથી વધારે માણસોએ લોકમેળાને માણ્યો હતો. તદઉપરાંત જન્માષ્ટમીના દિવસે પાંચ લાખથી વધુ માણસો ઉમટી પડયા હોય છે.
સાથો સાથ રાજકોટમાં અન્ય પ્રાઇવેટ મેળાઓ પણ ચાલી રહ્યા છે. જેમાં રૂપિયા લઇને અંદર જાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એન્ટ્રી ફીના નામે પૈસા વસુલી માણસો મેળો માણી શકે છે. આ દરમિયાન રાજકોટ શહેરમાં લોકમેળામાં માણસોને પગ મુકવાની પણ જગ્યા ન હતી. રાત્રિના 12 વાગ્યા પછી પણ માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
દર વર્ષ કરતા આ વખતે સ્ટોલના ભાવ પણ સત્તાધીશો દ્વારા વધારી નાખવામાં આવ્યા હતા. અને આઇસ્ક્રીમના સ્ટોલના ભાવ તો ડબલ કરી નાખવામાં આવ્યા હતા. આસપાસના ગામડામાંથી પણ લોકો મેળાની મોજ માણવા આવી ચૂકયા હતા.
આ વર્ષે લોકોએ ચિંતા, આધિ,વ્યાધિ વગેરે સામાજીક ચિંતાઓ ઘરે મુકી મન મુકી લોકમેળાનો આનંદ ઉઠાવ્યો હતો. સાથો સાથ રાજકોટની આસપાસના વિસ્તારમાં રતનપર, ભૂચરમોરી, ગોંડલ, શાપર, વગેરે નાના સેન્ટરોમાં પણ લોકમેળાઓ યોજાઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે, રમકડાંના સ્ટોલવાળાઓએ અને રાઇડઝ, મોતના કુવા, ફજર ફારકાવાળાઓ અઢળક રૂપિયાની કમાણી કરી હતી. અને રાજકોટની પ્રજા રંગીલી છે તેવું સાબિત કરી બતાવ્યું હતું.
જોકે ખિસ્સાકાતરુઓ તો પોતાનું કામ દેખાડયા વગર છાના ન જ રહે તેવી રીતે ઇશ્ર્વરીયા, રતનપર અને રાજકોટના લોકમેળામાંથી ખિસ્સાકાતરુઓ ઝડપાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ કલેકટર કચેરી દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સારી એવી આવકમાં નોંધપાત્ર વધારો કર્યો હતો.
તદઉપરાંત રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી બજવી હતી. કારણકે જયાં લાખોની સંખ્યામાં ભીડ એકઠી થાય છતાં પણ એક પણ બનાવ ન બને તે માટે પોલીસની કામગીરી બિરદાવા લાયક હતી.
લોકમેળાના રેસકોર્સ ગ્રાઉન્ડની આસપાસ અને ગલીઓમાં વાહનોના થપ્પા લાગ્યા હતા. અને કોંઇપણ જગ્યાએ પાર્કિંગ કરી શકાય તેટલી પણ જગ્યા ન હોતી. તદઉપરાંત લોકોની એવી પણ બૂમ ઉઠી હતી કે અમુક વેપારીઓ દ્વારા ભાવની બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે.
સાથો સાથ લોકમેળા સમિતિ દ્વારા સતત લાઇવ પ્રોગ્રામો, સંગીત સંધ્યા, ડાન્સ, જેવા મનોરંજ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસ દ્વારા 6 જેટલા વોચ ટાવરો ગોઠવ્યા હતા. જેના કારણે કોઇ અનિચ્છનીય બનાવો ન બને. કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને પણ લોકોએ રાઇડસમાં બેસવાનું પસંદ કર્યું હતું.
મોતના કુવામાં મોટર સાઇકલ અને મોટરના હેરતભર્યા ખેલો જોઇને બાળકો અને મોટાઓના મન સ્થગીત થઇ ગયા હતા. જન્માષ્ટમીના આ મેળામાં બહારગામથી માણસો લોકમેળો માણવા આવ્યા હતા. આ સાથે અમુક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા હતા. તો કયાંક સ્ટોલ ધારકોની બેદરકારી દેખાઇ આવતી હતી. પરંતુ અંતે માનવ મહેરામણ ઉમટયું…

NO COMMENTS