શનિ યુતિ કરે ત્યારે…!

0
1217

શનિ જે સ્થાનમાં હોય તે સ્થાનનું ખરાબ ફળ આપે છે. ઉપરાંત કુંડળીમાં શનિ જે સ્થાનનો અધિપતિ બનતો હોય તે સ્થાનમાં ફળ બગાડે છે. આથી આવો યોગ અશુભ ગણવામાં આવી રહ્યો છે. શનિ શુક્રનો સંબંધ ચારિત્ર્ય માટે હાનિકારક નિવડે છે. આવી યુતિ જાતકના ચારિત્ર્યને બગાડે છે. કેટલાંય વ્યસનો તરફ વળે છે.
શુક્ર લગ્નજીવનનો કારક હોય છે. આવો યોગ લગ્નજીવનમાં પણ વિક્ષેપ પાડે છે. કયારેક સેકસ લાઇફમાં પણ અડચણો પેદા કરે છે. શનિ-બુધનો સંબંધ પણ માનવીની બુધ્ધિ અને સમજણને અવળે માર્ગે વાળે છે. પરિણામે આવા સંબંધવાળા માણસો પોતાની શકિતનો ઉપયોગ સાચા માર્ગે કરી શકતા નથી. આવા યોગ વાળી વ્યકિતઓ ગેરકાનૂની ધંધાઓ કરવામાં માહિર હોય છે. ઉપરાંત શનિ-ગુરુનો યોગ માણસને આધ્યાત્મવાદ તરફ વાળે છે. શનિ એટલે એકલતા,કષ્ટ અને ગુરુ એટલે ધન-કુબેર વગેરે શનિ જો ગુરુની સાથે હોય તો આવા જાતકો પૈસા ખર્ચવાની બાબતમાં ખૂબ જ કંજૂસ હોય છે.
શનિ-મંગળનો સંબંધ પણ શત્રુઓનો સંબંધ ગણવામાં આવે છે. અભ્યાસની દ્રષ્ટિએ આ યોગ ટેકનિકલ લાઇન માટે સારો ગણાય છે. એન્જિનીયર, કોમ્પ્યુટર, અન્ય ટેકિનકલ લાઇન માટે તેનાં પરિણામ શુભ હોય છે. પરંતુ મંગળ સેનાપતિ ગ્રહ આથી મંગળનું શૌર્ય શનિના દબાણ હેઠળ હોય તો મંગળની સાહજિકતા સાહસનો નાશ થાય છે. આવી વ્યકિતઓ ગુનાખોરી ક્ષેત્રે વધુ સંકળાયેલી હોય છે.
શનિ-ચંદ્રના સંબંધને શાસ્ત્રોમાં વિષયુતિ ગણવામાં આવે છે. આવા જાતકો માનસિક રીતે નબળા પડે છે. કારણ કે ચંદ્રને જયોતિષશાસ્ત્રમાં મનનો કારક ગણવામાં આવે છે. શનિ-ચંદ્રનો સંબંધ જ્ઞાનતંતુો માટે કષ્ટદાયક હોય છે. આવો સંબંધ જાતકની માનસિક મુંઝવણ વધારે છે. મન નિર્બળ પાડે છે. કયારેક સંકટોનો ઢગલો કરે છે. આવા જાતકો જીવનમાં પૈસા વધુ કમાય છે. અને સારા હોદા તથા સુખ સાહ્યબી ભોગવે છે. પરંતુ મનથી દુ:ખી હોય છે. શનિ એટલે એકલતા-આધ્યાત્મવાદ, શનિ એટલે સંકટ, પીડા, કષ્ટ શનિને શાસ્ત્રોમાં કષ્ટ આપનારો ગ્રહ ગણવામાં આવ્યો છે. શનિ કર્મ સાથે જોડાયેલો ગ્રહ છે. શનિ એટલે ચિંતન શનિને કર્મ સાથે સીધો સંબંધ છે.
પનોતી દરમિયાન માણસ કાં તો રસ્તા ઉપર આવી જાય છે. કાંતો કરોડપતિ બની જાય છે. શનિ-સૂર્યનો સંબંધ શાસ્ત્રોમાં ખરાબ ગણવામાં આવ્યો છે. કારણકે બન્ને એકબીજાના શત્રૂ માનવામાં આવ્યા છે. સૂર્ય-શનિની યુતિ માણસને ચડતી પડતી સંઘર્ષ આપે છે.
શનિ-સુર્યની યુતિ માણસને બ્લડપ્રેશર જેવા રોગ પણ આપે છે. આવા માણસોને પિતા સાથે ઓછું લેણું હોય છે. જો ગોચરમાં સૂર્ય પરથી શનિનું ભ્રમણ થાય તો પિતા માટે કષ્ટદાયક હોય છે. શનિની પનોતી બાદ માણસના જીવનનું સરવૈયું બેલેન્સ થઇ જાય છે. આથી પનોતી બાદ માણસ એકદમ ચોખ્ખો થઇ જાય છે. શનિની પનોતી દરમિયાન શનિ માણસના કર્મને આધીન સારું ખરાબ ફળ આપે છે.

NO COMMENTS