પ્રાચીનકાળથી નારીને સતીની વ્યાખ્યામાં બાંધી છે

0
42
sati tradition was considered a common practice of the Hindu religion on the Indian subcontinent
sati tradition was considered a common practice of the Hindu religion on the Indian subcontinent

(ચંદ્રકાંત પટેલ (સરલ)-માણાવદર)

નારી ગૌરવ અને નારી ઉન્નતિની વાતો કરનાર આપણા પુરુષપ્રધાન સમાજે છેક પ્રાચીનકાળથી નારીને પરાધીન અવસ્થામાં જકડી રાખી છે. આજે વીસમી સદીમાં પણ નારી મનથી મુકત થઇ શકી નથી.
નારીને સ્વાતંત્રતાને નામે માત્રને માત્ર મુર્ખ જ બનાવાઇ રહી છે. સ્ત્રીઅનામતના ઢોલ પીટયા પછીયે તેને જે જગ્યાએ પ્રસ્થાપિત કરાઇ છે એ સત્તા, હોદો, ખુરસી અને ટેબલવહીવટ આજે મોટાભોગના પુરુષો પરદા પાછળ રહીને ચલાવી રહ્યા છે. સરપંચ ભલે નારી હોય પરંતુ ગ્રામ પંચાયત કે નગર પંચાયતનો વહીવટ એના પતિ કે સંબંધિત ઘરનો કોઇ પુરુષ કે પુત્ર ચલાવતો હોય છે. શું આમાં નારીની સ્વતંત્રતા દેખાય છે ? સત્તા ગ્રહણ કર્યા પછી આજની નારી (મોટાભાગની) પુરુષ જેટલું કહે છે કે કહેવડાવે અને કરાવે તેનાથી તસુભાર વધારે સ્વતંત્ર નિર્ણય લઇ શકતી નથી.
આવી પરાધીન દશામાં જીવતી નારી ક્ધયા કેળવણી પામ્યા પછી પણ સ્વતંત્ર નિર્ણયો લેવા જેટલી કાબેલ કે હિંમતવાન થઇ શકી નથી. આવી દશા કાંઇ આજકાલની નથી. છેક પ્રાચીનકાળથી જ આ સિલસિલો સતત ચાલી રહ્યો છે.
આજના સમયમાં દહેજ, પ્રતિષ્ઠા, અહમ અને રીત રિવાજોના વળગણની હેઠળ દવાબી રાખી નારીને પુરુષની સામે નમતી ઝુકેલી રાખવામાં આવી છે. સ્ત્રીઓ જો જરાકેય ચૂં કે ચાં કરે તો રીત રિવાજોનો આગળ કરીને તેનું અપમાન, માનભંગ કે અંતે હકાલપટ્ટી જેવા વ્યવહારો તેની સાથે કરવામાં આવે છે. અને જો પુરુષનો અહમ વધારે ઘવાયો હોય તો તે સ્ત્રીને બાળી મૂકી સઘળો દોષ બળનાર સ્ત્રીના માથા ઉપર ઢોળી દેવાય છે.
જયાં પુરુષનો અહમ ઘવાય કે પુરુષથી આગળ વધી સ્વતંત્રતા તરફ આગળ વધવા માગતી નારીને રોકવા જ આજે તેના પર દમન વલણ અપનાવાઇ રહ્યું છે. સળગી કે બળી મરવાના કેટલાક કિસ્સાઓમાં પુરુષપ્રધાન સમાજનું અહમભર્યું વલમ કારણભૂત રહ્યું છે. આમાં વહુ પ્રથમવાર શિકાર બનતી દેખાઇ છે.
પ્રાચીનકાળથી જ નારીને સતીની વ્યાખ્યામાં બાંધી દેવાઇ છે
આજે સ્ત્રીને સંરક્ષણના ઘણા કાયદાઓ અમલમાં આવ્યા છે પણ એ કાયદાઓ હેઠળ કેટલા ગુનાઓ નોંધાયા છે અને કેટલા ગુનેગારોને સજા થઇ છે ? ધન અને વગને જોરે કાયદાનું શસ્ત્ર બુઠ્ઠું કરી નિર્દોષ જાહેર થતા ગુનેગારોને આજે બજારમાં છૂટથી ફરી રહ્યાં છે.
વર્તમાન સમયમાં સ્ત્રીને સમજવાનો, જોવાનો દ્રષ્ટિકોણ સામાજિક દ્રષ્ટિકોણથી જુદો જ છે. એટલે સ્ત્રી જુદા જ એંગલથી પોતે જ પોતાની સ્વતંત્રતા, સમાનતા એ પોતાના અધિકારોની સીમારેખા બાંધીને સમાજમાં ગૌરવભર્યું સ્થાન સ્ત્રીએ ખુદે જ મેળવવું પડે છે. એમાં પણ મોટાભાગની સ્ત્રીઓ સફળતા મેળવી શકતી નથી.
ઋગ્વેદકાળ સુધી નારી સન્માનીય હતી. સ્વતંત્ર હતી ઋગ્વેદમાં ક્ધયાઓ કે વહુ દીકરી પ્રત્યે કયાંય ધૃણાનો ઉલ્લેખ જોવા મળતો નથી. બાળકીને ત્યારે ખૂબ જ શુકનવંતી અને શુભ માનવામાં આવતી. અપરિણીત ક્ધયા માટે ઋગ્વેદમાં પિતૃપદ પિતાને ઘેર રહેનાર વિવાહિત થયેલી ક્ધયાને સ્વામિની કહેવાતી. ઋગ્વેદકાળમાં પદાપ્રથા ન હતી. એ પ્રથા મુગલકાળમાં જ દાખલ થઇ હતી. આ કાળથી જ નારીની હાલત રમવાનાં રમકડાં જેવી બની ગઇ હતી. મુગલ મોગલ કાળમાં જ સતીપ્રથા, ક્ધયા વિક્રય, વેશ્યાવૃતિ અને પરદાપ્રથા વગેરેએ જોર પકડયું હતું. આ કાળમાં સ્ત્રી માત્ર બાદશાહો માટે એક નજરાણું અને બાદશાહી દરબાર શોભાવવાની એક મૂલ્યવાન ચીજ બની ઉભી રહી ગઇ હતી.
બસ એ કાળથી જ એનું જીવન અંધકારમય બની ગયું હતું.
સતીપ્રથા :
મુગલકાળથી અસ્તિત્વમાં આવેલ સતીપ્રથા કાયદા વિરૂધ્ધ આજે પણ ચાલી રહી છે. સ્ત્રીને ચિતા પર ચડાવી તેને પરાણે, અનિચ્છા હોવા છતાં બાળી મુકવાના કિસ્સા કેટલાંક રાજયોમાં છાશવારે બનતા રહે કે બની રહ્યા છે. આવી પરાણે સતીપ્રથા રોકવા કે ડામવા માટે આજે કોઇ કાયદો સ્વતંત્ર કાયદો જાણે કે નથી જ. ધર્મ અને રીત-રિવાજો તથા અંધશ્રધ્ધા ના ખપ્પર નીચે આવી પ્રવૃતિ ઘણાં રાજયોમાં થઇ રહી છે. કાયદાને ઠોકરે ચડાવાઇ રહ્યો છે.
રાજસ્થાન સિકર જિલ્લાના દેવરાવાલા નામના ગામમાં 4 સપ્ટેમ્બર 1987 ની સવારે અઢાર વર્ષની રૂપકુંવર નામની રાજપૂત સ્ત્રી તેના પતિ માલસિંહ સાથે ચિતામાં બળી મરી સતી થઇ હતી. તેનો પતિ માલસિંહ ઝાડા ઉલ્ટી બીમારીથી કુદરતી રીતે મૃત્યુ પામ્યો હતો. રૂપકુંવર હજારેક લોકોની હાજરીમાં સતી માતાનો જય એવો પ્રચંડ નારાઓ તથા ઢોલ નગારાના ઘોંઘાટ વચ્ચે નવોઢાનો શણગાર સજી હાથમાં નાળિયેર લઇ મૃત પતિનાં શબ જોડે ચિતામાં બેસી બળી મરી હતી. આ બનાવના પડઘા જોરદાર રીતે ઉઠયા હતા. પણ નવાઇની વાત એ હતી કે સતી ઘટના પછી 13 દિવસે ચૂંદડી મહોત્સવ થયો. બે લાખ લોકોની હાજરીમાં 16 સપ્ટેમ્બર 1987 ના દિવસે રૂપકુંવરના પિતાએ સતી સ્થળે રોપેલ ત્રિશૂળ પર ચૂંદડી ઓઢાડી, ચૂંદડી મહોત્સવ ઉજવી ન્યાયાલયનો પણ એ પરિવારોએ અનાદર કર્યો હતો.
સ્ટ્રેબોસ ઇન્ડિયા નામના એક અંગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે સિકંદરે ભારત ઉપર ચડાઇ કરી ત્યારે પંજાબમાં એક કોમમાં સ્ત્રી અને પુરુષનાં લગ્ન થતાં ત્યારે એવો કરાર થતો કે બે માંથી કોઇ એક જયારે મૃત્યુ પામે ત્યારે તેની જોડે બીજા એક જીવિતે પણ બળી મરવું.
મોગલ શાસકો સામેના યુદ્ધમાં પરાજીત થતા હિન્દુ રાજાઓની રાણીઓને મુસલમાનો બળાત્કાર કરી, અપહરણ કરી ધર્મભ્રષ્ટ બનાવી છોડી દેતાં જેથી હિન્દુ સ્ત્રીઓ પોતાનું શિયળ બચાવવા પતિની સાથે જ પ્રાણનો ત્યાગ કરતી. રાજસ્થાનમાં રાજપૂતોમાં જૌહરપ્રથા હતી.
જયપુરના રાજા માનસિંહ 1664 માં મર્યા ત્યારે તેમની 31 રાણીઓમાંથી ચાર રાણીઓ સતી થયેલી. છત્રપતિ શિવાજી સને 1680 માં મર્યા ત્યારે તેમની આઠ રાણીઓમાંથી પૂતળીબાઇ અઢી મહિના બાદ સતી થઇ હતી. બુંદીના રાજા બુદૃસિંહના મૃત્યુની સાથે તેમની 84 રાણીઓ પણ ચિતા ઉપર ચડી સળગી મરી હતી. તેમ જ જોધપુરના રાજા અજીતસિંહની 64 રાણીઓ પણ તે કાળમાં સતીત્વ પહેરી અજીતસિંહ સાથે બળી મરી હતી. સને 1819 માં જયપુર નરેશ જગતસિંહના મૃત્યુ પછી તેમની 22 રાણીઓ પણ પતિની સાથે ચિતામાં જીવતાં સળગી મરી હતી.
મધ્યયુગમાં સતીપ્રથા મર્યાદિત પ્રમાણમાં હતી. અઢારમી અન ે ઓગણીસમી સદીમાં તેનો ગ્રાફ ઘણો જ ઉંચે જઇ વિકૃત સ્વરૂપમાં ફેરવાયો હતો. આ કાળમાં નારીમાં થોડીક સમજણ આવી હતી. રાજીખુશથી સતી થવા કોઇ સ્ત્રી જયારે આગળ આવતી નહિં ત્યારે એવિધવાઓને બળજબરીથી સતી બનાવવામાં આવતી. વિધવા બનેલી સ્ત્રીને અફીણ ખવડાવી પતિની લાશ સાથે જીવતા બાંધી દઇ તેને ચિતા પર ચડાવી બાળી મુકવામાં આવતી. સતી થવા ઇન્કાર કરનાર સ્ત્રીને પતિના શબની સાથે પરાણે સુવડાવી ચિતાના ભારેખમ લાકડાં તેનીઉપર ઠાંસી ઠાંસીને ખડકવા માં આવતાં જેથી તે ભાગી ન શકે.
ચિતાની ચારે તરફ હથિયારધારી માણસો ઊભા રાખવામાં આવતા. જો વિધવા સ્ત્રી ભાગવાનો પ્રયત્ન કરે તો તેને બળજબરીથી ચિતામાં પાછી ઘકેલી દેવામાં આવતી. ઢોલ ત્રાંસા નગારા વગાડી એટલો બધો ઘોંઘાટ કરવામાં આવતો કે જેથી સતી થનાર સ્ત્રીની વ્યથાભરી ચીસો સંભળાય જ નહિં. અને નિર્દોષ અબળા સતીને નામે શહીદ થઇ જતી. મર્યા પછી એ સતીની પૂજા કરવામાં આવતી. એની માનતાઓ ચાલતી. અને સતીમાતા નામથી એની ખાંભી ઉભી કરી ભાવિ પેઢીઓને સતીની વીરગાથા સંભળાવવામાં આવતી.
સને 1980 માં જયારે દેશના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા ત્યારે દિલ્હીમાં સર્વ સતી સંઘ નામની સંસ્થા સ્થપાયેલી વડાપ્રધાન ઇન્દિાર ગાંધીએ જાહેર કર્યું કે સતીને નામે હવે કોઇ સતી મંદિર ભારતમાં બનવા નહિં દે.
ભારતીય દંડ સહિતનાની ખૂન અંગેની કલમ-302 અને કોઇને આપઘાત કરવામાં મદદરૂપ થનાર માટે કલમ 306 હેઠળ અને જો કોઇ સ્ત્રી થવા પ્રયત્ન કરે તો આપઘાતનો ગુનો નોંધી કલમ 309 હેઠળ તેની સામે કામ લેવામાં આવશે એમ ઇન્દિરાએ ભલે કહેલું પરતું આજે પાટનગર દિલ્હીમાં ચાર ચાર સતી મંદિરો ઉભા થઇ ગયા છે. સતીને નામે આવા અસંખ્ય મંદિર દેરીઓ ગામડે ગામડે ખાંભી પાળિયાને સ્વરૂપે પથરાયેલી જોવા મળે છે. સવાલ સતી મંદિરનો નહિં પણ સવાલ નારી સુરક્ષાનો છે. સ્ત્રીઓને સ્વતંત્રતા બક્ષવાના દાવાઓ યુગોથી ચાલી આવે છે. પરંતુ નથી સ્ત્રી સ્વતંત્ર થઇ શકી કે નથી સરકારી કાયદા તેને સફળ બનાવી શકયા. આજે પણ ગામડાં કે અમુક શહેરોમાં સ્ત્રીની દશા એ જ દશા છે. જે 13 મી અને 14 મી સદીમાં હતી. ફરક માત્ર શિક્ષણનો થયો છે.
સતીપ્રથા બંધ થઇ છે. પણ સ્ત્રી ઉપર અત્યાચાર હજુ અટકયો નથી. અગાઉના સમયમાં પતિનું મૃત્યુ થાય ત્યારે સ્ત્રીને ચિતા ઉપર ચડાવી દેવામાં આવતી, આજે પતિની હયાતીમાં જ સ્ત્રીને વાવ-કૂવો, વિષપાન કે સળગાવી તેને પરાણે સતી બનાવવામાં મારી નાખવામા આવે છે. જો કે દરેક ઘરમાં આવું નથી બનતું. પણ આવું બની રહ્યું છે એ પણ એક હકીકત જ છે. સ્ત્રીને આજે ઢીગલી બનાવી સજાવવામાં આવી રહી છે.
અને ફેશનને નામે સ્ત્રી પણ સ્વયં સજી રહી છે. પરંતુ અંતિમ નિર્ણય તો આદિકાળથી જ પુરુષોનો જ ચાલ્યો છે. સ્ત્રી આજે પણ સ્વયં સ્વતંત્ર નિર્ણયો લઇ શકતી નથી. એ ભલે આખાશમાં સફર કરે કે ઉંચા આસને બેઠી હોય. એને હંમેશા પુરુષને તાબે જ રહેવું પડે છે એ અબળા જ રહી છે. સબળા બનતાં એને યુગો લાગશે.

– ચંદ્રકાન્તભાઇ પટેલ (સરલ)
સંસ્કૃતિ દર્શન, આસોપાલવ શેરી નં. 2,
રેલ્વે સ્ટેશન પ્લોટ માણાવદર જિ. જૂનાગઢ,
મો. 87359 02424

NO COMMENTS