પુષ્પની સુગંધને વળી ઘડપણ કેવું !

0
70

(શ્રી ગુણવંતભાઇ શાહ પ્રતિષ્ઠિત લેખક)

પંખી ઘરડું થાય તોય ઊડી શકે છે. વહેલ માછલી ઘરડી થાય તોય તરી શકે છે. હરણ ઘરડું થાય તોય દોડી શકે છે. સિંહ ઘરડો થાય તોય ગર્જના કરી શકે છે. વૃક્ષ ઘરડું થાય તોય લીલું રહી શકે છે. માણસ ઘરડો થાય તોય વિચારી શકે છે. સભાનતાની છેલ્લી ક્ષણ સુધી એનું વિચારવાનું અટકતું નથી. યૌવનનો સંબંધ મનની વૃતિ સાથે હોય છે. વિચારને ઘડપણ હોતું નથી. આપણા કોઇ ઋષી ઘરડા ન હતા. તેઓને ચિર યૌવનનું રહસ્ય એમના બ્રહ્મભાવમાં પડેલું હોવું જોઇએ. જીવનની છેલ્લી ક્ષણ સુધી કૃષ્ણ યુવાન હતા તેઓ યુવાન હતા કારણ કે તેઓ યોગેશ્ર્વર હતા.
જેનું મન ઘરડું હોય તે મનુષ્ય વીસ વર્ષની ઉંમરે પણ ઘરડો ગણાય. જેનું મન સ્ફૂર્તિમય હોય તે મનુષ્ય એંશી વર્ષની ઉંમરે પણ યુવાન ગણાય. કેટલાય મનુષ્યો એવા જોવા મળે છે, જેઓ જીવનમાં કયારેય યુવાન ન હતા. આપણી પ્રાણઊર્જા આપણી સ્ફૂર્તિ દ્વારા પ્રગટ થતી રહે છે. દેહને ઘડપણ હોઇ શકે, પરંતુ મન અને માંહ્યલાને ઘડપણ નથી હોતું. વિચારવાની રીત પણ ઘરડી હોઇ શકે છે. સન 1950 ના અરસામાં વિનોબાજીએ નિબંધ લખેલો, જેનું મથાળું હતું : ‘ઘરડો તર્ક’ યૌવનનો નાળસંબંધ સ્ફૂર્તિ સાથે રહેલો જણાય છે. સ્ફૂર્તિના ત્રણ પ્રકાર છે :
(1) કર્મસ્ફૂર્તિ, જેનો સંબંધ દેહભાવ સાથે છે.
(2) વિચારસ્ફૂર્તિ, જેનો સંબંધ મનોભાવ સાથે છે.
(3) વિવેકસ્ફૂર્તિ જેનો સંબંધ આત્મભાવ સાથે છે.
ગીતામાં ‘શરીરયાત્રા’ શબ્દ પ્રયોજાયો છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યના દેહને કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા
(કૌમારં યોવનં જરા ) હોય છે. મોટી ઉંમરે કર્મસ્ફૂર્તિ ઘટે છે, પણ વિચારસ્ફૂર્તિ અને વિવેકસ્ફૂર્તિ ઘટતી જણાતી નથી. દાદા ધર્માધિકારી અને આચાર્ય કૃપાલાનીના વિચારોની ધાર મોટી વયે પણ બુઠ્ઠી થઇ ન હતી. વિનોબાજીની વિચારસ્ફૂર્તિ અને વિવેકસ્ફૂર્તિ જીવનની છેલ્લી ક્ષણ સુધી જળવાઇ રહેલી.
ખાસ નોંધવા જેવી વાત એ છે કે વિચાર અને વિવેક વગરનું ‘યૌવન’ પણ વાસ્તવમાં ઘડપણ જ ગણાય. કેટલાક મનુષ્યો એટલા તો મંદપ્રાણ હોય છે કે એમનામાં ત્રણે કક્ષાની સ્ફૂર્તિનો અભાવ વરતાય છે. આવી કોઇ અ્રૂૂમળણ વ્યકિતના જીવનસાથી હોવું એ અભિશાપ ગણાય. જરાક છૂટ લઇને એવું પણ કહી શકાય કે યુવાનુભૂતિ એક આધ્યાત્મિક ઘટના છે. ‘ઘડપણ’ શબ્દ થોડોક તોછડો જણાય છે. ઉંમરલાયક માણસ ‘વૃદ્ધ’ ગણાય. જે વૃદ્ધિ પામ્યો, તે વૃદ્ધ ! બધા બુઢ્ઢા માણસો બુજુર્ગ નથી હોતા.
તૈત્તિરય ઉપનિષદ (2,8) માં આદર્શ યુવાન કેવો હોય તેની વાત થઇ છે. શ્રેષ્ઠ આચરણવાળો યુવાન (લળઢૂ્રૂૂમળ)કેવો હોય ? ઋષિનો જવાબ છે : ‘એ યુવાન વેદોભ્યાસી હોય, આશાવાન હોય, દ્રઢનિશ્ર્ચયી હોય અને બળવાન હોય.’ ઋષિ આગળ કહે છે : ‘એવા યુવાન માટે સમગ્ર પૃથ્વી ધનધાન્યથી ભરેલી હોવાની. આવું બને તેમાં જ મનુષ્યતાનો આનંદ સમાયેલો છે.’ આમ ઉપનિષદના ઋષિ યુવાનુભૂતિને આનંદાનુભૂતિ સાથે આબાદ જોડી આપે છે. ઋષિ થોરિયાના ઠૂંઠા જેવી શુષ્કતાના કે દરિદ્રતાના નહીં, પણ સમૃદ્ધિયુકત, રસયુકત અને સ્ફૂર્તિયુકત આનંદના ઉપાસક છે. આજના કયા યુવાનને ઋષિની આ વાત નહીં ગમે ? ‘નવી પેઢી દેશનું સત્યનાશ વાળવા બેઠી છે,’ એવું જયારે લાગવા માંડે ત્યારે જાણવું કે ઘડપણ શરૂ થયું. વડીલોને પણ એવું જ બોલાની કુટેવ હતી. સદીઓથી જૂની પેઢીને નવી પેઢી માટે આવું જ લાગતું આવ્યું છે.
યુવાનની વ્યાખ્યા શી ? વાહિયાત બાબતો સહન કરવાની જેની શકિત મર્યાદિત હોય તે ‘યુવાન’ ગણાય. સંસ્કૃતમાં ્રૂૂમણ એટલે ઉત્તમ, મજબૂત, નીરોગી અને નાની વયનો. સાઠ વર્ષની ઉંમરના હાથીને પણ ્રૂૂમણ કહે છે. ‘અયુવાન’ કોને કહેવાય ? દહેજ લેનાર કે આપનાર યુવાન વયની વ્યકિત પણ અયુવાન ગણાય. ગ્રીન કાર્ડને લોભે જે જીવનસાથીની પસંદગી કરે તે અયુવાન ગણાય. દસ કિલોમીટર થાકયા વિના ચાલી શકે, સો મીટર તરી ન શકે. એક કિલોમીટર ઝડપભેર દોડી ન શકે અને નવું નવું વાંચવામાં આળસ કરે તેવો વીસ વર્ષનો યુવાન પણ ડોસો ગણાય. જે દેશની સંસ્કૃતિએ ઉપનિષદ અને ગીતા જેવા ગ્રંથો આપ્યા તે દેશમાં ચીમળાયેલા ચહેરાઓની સંખ્યા આટલી મોટી કેમ ? ચેતન વગરની ચાલ અને ગાગરિયા પેટવાળા આળસુ લોકો દેશને ગરીબ રાખે છે. રાષ્ટ્ર પણ ઘરડું હોય શકે છે.
જે રાષ્ટ્ર અયુવાન હોય તે ગરીબ હોવાનું ‘ગરીબડું યૌવન’એ તો વદયોવ્યાઘાત છે. સમૃદ્ધ થવા ઇચ્છતા રાષ્ટ્રના નેતાઓએ યૌવનની માવજત કરવાની છે. એમ કરવામાં એક સૂત્ર વહેતું મૂકવું પડશે : દુનિયામાં ગમે ત્યાં જાઓ, પરંતુ પાણી તો 100 ડિગ્રી સેંટિગ્રેડ ઉષ્ણતામાને જ ઊકળે છે. માણસના રૂપાંતરણનું ઉષ્ણતામાન સરખું નથી હોતું. દરેક મનુષ્ય પોતાની રીતે, પોતાને સમયે જાગી ઊઠે છે.
પૂષ્પ ખૂલે છે, ખીલે છે અને ખરે છે. કળી પુષ્પત્વ પામવાની તૈયારીમાં હોય તેવી ક્ષણો માટે મહાકવિ કાલિદાસે ‘શાકુંતલ’ માં ઇૂંલૂપપ્લુરુટલ્રૂ જેવો મૌલિક શબ્દપ્રયોગ કર્યો છે. આગલી સાંજે છોડ પર જયાં કળી જોઇ હોય ત્યાં ખીલેલું પુષ્પ જોવા મળે છે. થોડાક કલાકો દરમ્યાન એક ચમત્કાર થયો ! કળીમાંથી પુષ્પબન્યું તે ક્ષણોમાં થતા ફેરફારની સ્લો મોશન ફિલ્મ જોવા મળે તો કદાચ આપણું રૂપાંતરણ પણ શકય બને. પુષ્પનું દેહસૌંદર્ય પૂર્ણરૂપે ખીલેલી કોમળ પાંખડીઓ દ્વારા પ્રગટ થતું દીસે છે. પુષ્પની સૂક્ષ્મતમ ચેતના એની સુગંધ થકી પ્રસરતી રહે છે. પુષ્પનું આયખું લાંબુ નથી હોતું. સમય વીતે તે સાથે પુષ્પનો દેહ કરમાય છે.
પરંતુ એની સુગંધમય ચેતના કરમાતી નથી. પુષ્પત્વ અને મનુષ્યત્વ હજારો સદીઓથી સાથોસાથ જીવતાં રહ્યાં છે. મનુષ્યના શરીરને ઘડપણ હોઇ શકે, પરંતુ એના મનને અને માંહ્યલાને ઘડપણ નથી હોતું. યુવાનુભૂતિ એટલે ચેતનાભૂતિ. પુષ્પની સુગંધને વળી ઘડપણ કેવું !

NO COMMENTS