જીવનમાં કસોટી.. :સ્વામિ વિદિતાત્માનંદજી

0
31
Swami Viditatmananda
Swami Viditatmananda

-પ.પૂ. સ્વામિ વિદિતાત્માનંદજી

કઠોપનિષદ વર્ણવે છે કે મૃત્યુદેવ યમરાજ પાસે ત્રીજું વરદાન માગતાં બાળક નચિકેતા પૂછે છે : ‘કોઇ કહે છે કે મૃત્યુ પછી આત્મા નામનું તત્ત્વ શેષ રહે છે અને કોઇ કહે છે કે દેહથી ભિન્ન આત્મા છે જ નહીં. આપ મને આનુઅ રહસ્ય સમજાવો.’ યમરાજા આશ્ર્ચર્યચકિત થઇ ગયા. આટલો નાનો બાળક આત્મવિદ્યા વિશે પ્રશ્ર્ન કરે છે, આત્મા વિષે જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે ! આવું જ્ઞાન યોગ્ય પાત્ર સિવાય તો અપાય નહીં. એટલે યમરાજા પહેલાં નચિકેતાની કસોટી કરે છે. નચિકેતાને ખૂબ બધાં પ્રલોભન આપતાં કહે છે : ‘નચિકેતા, તું આ વાત છોડી દે. આ તારે માટે નથી. દેવતાઓને પણ આ વિષયમાં સંશય રહેલો છે અને તેમને માટે પણમ આ જ્ઞાન દુર્લભ છે. આથી આત્મજ્ઞાનને બદલે પુત્ર, પૌત્ર, રાજ્ય, વાહન, સુખ, સગવડ જે જોઇએ તે બધું તું માગી લે.’
નચિકેતાએ કહ્યું : ‘ જે જ્ઞાન દેવતાઓને પણ દુર્લભ છે તે તો મારે વિશેષે કરીને જોઇએ. મારે સુખ સગવડો નથી જોઇતાં. તેને હું શું કરું ? ’ યમરાજાએ કહ્યું, ‘ તને પૃથ્વીના ભાગોથી સંતોષ ન થતો હોય તો હું તને સ્વર્ગના ભોગ આપું.’ નચિકેતાએ જવાબમાં કહ્યું : ‘ ભગવાન ! આપ જે વસ્તુઓ મને આપવા તૈયાર છો-રાજય, સુખ ઉપભોગો, વાહનો, અપ્સરાઓ, નૃત્ય, ગીત, ઇત્યાદિ, એ શું હંમેશા ટકી રહેવાનાં ખરાં ? તે આવતી કાલે હશે તેની ખાતરી ખરી ? આપ મને લાંબુ આયુષ્ય આપી શકો પણ કેટલું લાંબુ ? આપના આયુષ્ય કરતાં તો વધુ લાંબુ નહીં જ આપી શકો ને ? યમરાજનું પણ એક પદ છે, અધિકાર છે અને તેની પણ મર્યાદા છે. તેથી નચિકેતા કહે છે, ‘આપ ગમે તેટલું લાંબુ આયુષ્ય આપો પરંતુ તે શાશ્ર્વતની અપેક્ષાએ અલ્પ જ રહેવાનું છે. તેથી મને એવી વસ્તુ આપો જે નિત્ય હોય, સ્થાયી હોય.’
યમરાજાએ જોયું કે આ બાળક સત્યને જ શ્રધ્ધાપૂર્વક વળગી રહેલો છે અને તેથી જ્ઞાનનો અધિકારી છે ત્યારે તેમણે તેને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો.
નચિકેતા જો ધન સંપત્તિ, રાજપાટ, પુત્રપૌત્રાદિમાં લલચાઇ ગયો હોત તો તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકયો ન હોત.
કહેવાનું એટલું જ છે કે ઉત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો નિકૃષ્ટ વસ્તુનો ભોગ આપવો જ પડે. કોઇ માણસ વ્રત લે તો તેની કસોટી તો થવાની જ છે. એ સિવાય એ વ્રતનો અર્થ જ નથી રહેતો. એટલે જીવનમાં ઉચ્ચ ધ્યેય સિદ્ધ કરવું હોય તો કસોટી તો થવાની જ, વિઘ્નો તો આવવાનાં જ. આ વિઘ્નોનો સામનો કરવા માટે આપણામાં શ્રધ્ધા જોઇએ, અંતરનું બળ જોઇએ.
શિવ મહિમ્ન સ્તોત્રમાં એક કથાનો ઉલ્લેખ છે. વિષ્ણુ ભગવાન શિવજીના ભકત છે. તેઓ દરરોજ કાશી વિશ્ર્વનાથની ખૂબ ભકિતભાવથી પૂજા કરે, સહસ્ત્રનામ અર્ચના કરે અને ભગવાનનાં શ્રીચરણમાં એક હજાર કમળ ચઢાવે. એકવાર શંકર ભગવાને એમની કસોટી કરવાનો નિર્ણય કર્યો. એક દિવસ નિત્ય પ્રમાણે સહસ્ત્રનામ અર્ચના ચાલી રહી હતી. એક હજારમાંથી 999 નામના ઉચ્ચારણ સાથે શ્રીવિષ્ણુએ કમળ ચઢાવ્યાં અને ત્યાં કમળ ખૂટી ગયાં. છેલ્લા નામ સાથે ચઢાવવા માટે કમળ રહ્યું નહીં. આપણે પૂજા કરતા હોઇએ અને કમળ ખૂટે તો ચોખા ચઢાવી દઇએ, અગર તો ઊઠીને બહારથી લઇ આવીએ, પરંતુ પૂજા પૂરી કર્યા વિના આસનેથી ઉઠાય નહીં. હવે પૂજા પણ કેમ કરવી ? એક કમળ કયાંથી લાવવું ? વિષ્ણુ ભગવાનને યાદ આવ્યું કે લોકો મને પુંડરીકાક્ષ એટલે કમળનયમ કહરે છે. અર્થાત્ મારાં નેત્રોને કમળ સાથે સરખાવે છે. તો મારું નેત્રરૂપી કમળ જ હું શા માટે ભગવાનને અર્પણ ન કરું !
આમ વિચારીને તેમણે પોતાની એક આંખ ઉખાડીને ભગવાનના શ્રીચરણમાં
ધરી દીધી !
કેવી તીવ્ર ભકિત અને કેવી મહાન શ્રધ્ધા !
આવાં અનેક ઉદાહરણો આપણે ત્યાં છે. આપણી પાસે એટલી શકિત નથી, સામર્થ્ય નથી, શ્રધ્ધા નથી કે ભકિતભાવ પણ નથી કે આપણી આંખ અર્પણ કરી દઇએ અને આપણી પાસે એટલી અપેક્ષા પણ નથી. પરંતુ આપણે ઉત્કૃષ્ટ ધ્યેય પામવા ઇચ્છતા હોઇએ ત્યારે અનેક વિઘ્નો આવવાનાં જ, કસોટી થવાની જ. એમનો સામનો કરવા માટેનો દ્રઢ નિશ્ર્ચય આપણામાં હોવો જોઇએ.
સત્યનો જ જય થાય છે એવી શ્રદ્ધા હોવી જોઇએ અને ન હોય તો ભગવાનને એ માટે સાચા દિલથી પ્રાર્થના કરવી જોઇએ.

-પ.પૂ. સ્વામિ વિદિતાત્માનંદજી
અધ્યાત્મ વિદ્યા મંદિર, તત્ત્વતીર્થ આશ્રમ, થલતેજ, અમદાવાદ-3800059 ,ફોન : 079-26858333

NO COMMENTS