વૈશ્વિક મુલ્યો : પ.પૂ. સ્વામિ વિદિતાત્માનંદજી

0
27
swami viditatmananda
swami viditatmananda

(પ.પૂ. સ્વામિ વિદિતાત્માનંદજી-અમદાવાદ)
સત્ય બોલવું જોઇએ, કોઇને ઇજા પહોંચાડવી ન જોઇએ, પ્રામાણિક રહેવું જોઇએ, આવું થોડું થોડું આપણે જાણતા હોઇએ છીએ, પણ પૈસા, પ્રમોશન, પ્રતિષ્ઠા વગેરેથી જે લાભ થાય છે તે તો પ્રત્યક્ષ છે. જયારે સત્ય, અહિંસા કે પ્રામાણિકતાથી શો લાભ થાય છે તે તો પ્રત્યક્ષ છે. જયારે સત્ય, અહિંસા કે પ્રામાણિકતાથી શો લાભ થાય તે આપણે જોઇ શકતા નથી, કારણ કે એનો કોઇ ભૌતિક લાભ દેખાતો નથી. ઊલટું આપણે જોતા આવ્યા છીએ કે સત્ય, અહિંસાનું પાલન કરનારા તો ગુમાવતા હોય છે. એમને કાંઇ પ્રત્યક્ષ લાભ થતો દેખાતો નથી અને તેથી મને જયાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી જરૂર હું સાચું બોલું. તેમાં કાંઇ મુશ્કેલી નથી, પરંતુ ખરી કસોટી તો ત્યારે થાય જયારે સાચું બોલવાનું મને અનુકૂળ ન હોય. કસ્ટમ્સમાં ખોટું બોલવાથી પંદર હજાર રૂપિયા બચી જતા હોય તો ‘જરા જૂઠું બોલવામાં શું ?’ વિચારી હું તેમ કરવા લલચાઇ જાઉં છું.
પંદર હજારની તો આશ્રમની એક ઓરડી બંધાઇ જાય !
આમ, આ બે પ્રકારના મૂલ્યો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે જેનાથી પ્રત્યક્ષ લાભ થાય તેની જ જીત થવાની અને જેમાં પ્રત્યક્ષ લાભ નથી તેની હાર થવાની. વિરોધી મૂલ્યો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે સત્ય, અહિંસા, પ્રામાણિકતાનો સામાન્ય રીતે ભોગ અપાયો હોય છે. એટલે કે અર્થ અને કામ માટે ધર્મનો જ ભોગ અપાતો હોય છે.
આપણા દેશમાં આજે આટલી બધી અપ્રામાણિકતા કેમ છે ? પચાસ વર્ષ પહેલાં આવું નહોતું. લોકો પ્રમાણમાં વધારે પ્રામાણિક હતા. આજે તો ભ્રષ્ટાચારને કારણે દેશ પાયમાલ થઇ ગયો છે. કેટકેટલો ભ્રષ્ટાચાર પ્રવર્તે છે !
આપણા વડવાઓ પાસે શું કાંઇ વધારે હતું જે આપણી
પાસે નથી ?
ઊલટા આપણે એમના કરતા વધુ સંપન્ન છીએ.
તો શું આપણે અપ્રામાણિક છીએ ?
એમ પણ ન કહેવાય. આપણે પણ એમના જેવા જ થવા ઇચ્છીએ છીએ. તો પછી આ બધાં મૂલ્યોનો અત્યારે છડેચોક ભોગ અપાય છે એવું કેમ ?
કારણ કે સત્ય, અહિંસા, પ્રામાણિકતા વગેરેનું શું મૂલ્ય છે તેની આપણને ખબર નથી. ‘અર્થ’ અને ‘કામ’ નું શું મૂલ્ય છે તે તો પ્રત્યક્ષ અનુભવ ઉપરથી બધા જ જાણે છે, પણ ‘ધર્મ’ શું છે અને તેનું શું મૂલ્ય છે તેનું જ્ઞાન ન હોવાને કારણે ‘ધર્મ’ નો ભોગ અપાય છે. ધર્મનું મૂલ્ય જો સમજાઇ જાય તો કોઇ તેનો ભોગ ન આપે. કોઇ પણ સમયે મનુષ્ય પોતાને સૌથી વધુ લાભ જેમાંથી થાય તેની પસંદગી કરતો હોય છે. જે વસ્તુ તેને મૂલ્યવાન લાગે તેને અપનાવે અને મૂલ્યવાન ન લાગે તેને ફગાવી દે. આજે આપણને ‘ધર્મ’ મૂલ્યવાન જણાતો નથી. માટે આપણે તેનો ત્યાગ કરીએ છીએ. નહીં કે આપણે મૂર્ખ છીએ કે અપ્રમાણિક છીએ માટે ધર્મ નો ત્યાગ કરીએ છીએ.
એટલે અજ્ઞાન જ આ પ્રશ્ર્નોનું મૂળ છે. મૂલ્યોનું મૂલ્ય ન જાણતા હોવાને કારણે જ મૂલ્યોનો આપણા વડે ભોગ અપાતો હોય છે.
અને કેળવણી જ આ બધાનો ઉપાય છે.
કેળવણી બે પ્રકારે અપાય : ઉપદેશથી તેમ જ આચરણથી.
શ્રેષ્ઠ પુરુષો, નેતાઓ, શિક્ષકો જે રીતે આચરણ કરતા હોય તે રીતે જ અન્ય જનો તેમનું અનુસરણ કરતા હોય છે. આથી આપણે જ મૂલ્યોનું પાલન કરીએ તો આપણું અનુસરણ કરનાર પણ તેમનું પાલન કરે અને વળી આપણે મૂલ્યોને જીવનમાં મૂલ્ય આપીએ તો આપણા પ્રત્યે આદર ધરાવનાર અન્ય પણ તેમ કરશે.
આદર્શ મૂલ્યોના ઉપદેશ ઉપરાંત ઉપદ્રષ્ટિ મૂલ્યો પર આધારિત આદર્શ આચરણ પણ આવશ્યક છે.

  •  પ.પૂ. સ્વામિ વિદિતાત્માનંદજી
    અધ્યાત્મ વિદ્યા મંદિર,
    તત્ત્વતીર્થ આશ્રમ, થલતેજ
    અમદાવાદ-3800059
    ફોન : 079-26858333

NO COMMENTS