હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે : તુષાર સુમેરા

0
139
tushar isumera as officer
tushar isumera as officer

(કામળીયા જીતુ વી, રાજકોટ)
આજનો યુગ એટલો ટેકનોલોજીનો યુગ, જ્ઞાનનો યુગ, સ્પર્ધાનો યુગ 21 મી સીદીમાં માણસ વિજ્ઞાનની મદદથી ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. આવા સમયમાં દુનિયાના દરેક ક્ષેત્રમાં સ્પર્ધા અને હરિફાઇનો માહોલ જોવા મળે છે. શિક્ષણ જેવા ક્ષેત્રમાં પણ આ સ્પર્ધાત્મકયુગની ખૂબ ઊંડી અસર જોવા મળે છે. જેના કારણે માતા પિતા પોતાના સંતાનો ઉપર વધારે પડતી અપેક્ષાઓ લાદતા હોય છે જે ખરેખર તો વિદ્યાર્થીની ક્ષમતા બહાર હોય છે. આજના યુગમાં મોટા ભાગના માતા પિતા જ બાળકનું ભવિષ્ય નકકી કરતા હોય છે. તેને શું ભણવું, કયાં ભણવું, ઘણીવખત તો કોની સાથે પરણવું આ બધું જ માતા પિતા દ્વારા જ નકકી થતું હોય છે. તેમાં પણ આપણા ભારતીય મા બાપ તો પોતાના સંતાનનું લગભગ મોટાભાગનું જીવન જીવી દેતા હોય છે.
જે સમયે બેંગ્લુરુ અને અમદાવાદ જેવા શહેર આતંકવાદીઓની ધમકી અને બોમ્બ વિસ્ફોટનો સામનો કરી રહ્યા હતા તે દરમિયાન દેશની એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા આઇઆઇટીના એક વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. વિદ્યાર્થીઓ આ રીતે આત્મહત્યા કેમ કરતા હશે ?
વાત સ્પષ્ટ છે કે આજકાલ જીવનના દરેક ક્ષેત્રમાં વધતી સ્પર્ધા અને કંઇક સિધ્ધ કરવાના વધતા દબાણને કારણે લોકો આવી મનોદશામાં પહોંચી જાય છે. અને તેમનામાં એક હતાશા ઉત્પન્ન થયા છે સાથે જ એવી ભાવના ઘર કપવા લાગે છે કે તેમનું કોઇ ભવિષ્ય જ નથી ત્યારે તેમાંથી મુકિત મેળવવાનો સૌથી સરળ તેમને આત્મહત્યા જ લાગે છે. છતાં એક પ્રશ્ર્ન તો અહીં ઉભો જ છે કે એક એવો શાનદાર ભવિષ્યનો જે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું હોય.
આઇઆઇટીના એવા વિદ્યાર્થી માટે આત્મહત્યા કરવાની પરિસ્થિતિ કેમ ઊભી થઇ ? એક આઇઆઇટીના વિદ્યાર્થીની કારર્કિદી ખૂબ જ ઉજજવળ તો આઇઆઇટી એક મહાન સંસ્થા છે અને તેમાં ભણનારાઓ પર સારું પરિણામ લાવવાનું દબણ પણ એટલું જ વધારે હોય છે તેજ તેનું ખરાબ પાસું છે શિક્ષણ પરંપરામાં ખૂબ જ જરૂરી સુધારો કરવાના વિષય પર સલાહ આપનારો હું પોતાની જાતને યોગ્ય વ્યકિત સમજતો નથી પણ એ હકીકતથી મો ફેરવી શકાય તેમ નથી કે દરેક પ્રકારના શિક્ષણ, નોકરીઓ અને કામકાજમાં દબાણ હોય છે પણ ઘણી વખત આ દબાણ હદથી વધી જાય ત્યારે આવા પ્રશ્ર્નો ઉભા થતા હોય છે પણ અહી એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે કે દુનિયામાં જેટલા લોકો મહાન અને સફળતાના શિખરો સર કર્યા છે તેમના જીવન આપણે તપાસીઓ તો જાણવા મળે છે કે તેમના પર પણ અસાધારણ દબાણ તો રહ્યું જ હતું. પણ તેમણે કયારેય હાર માની ન હોતી કે હિંમત હારી નહોતી. પરંતુ અથાક પરિશ્રમ, અખૂટ શ્રધ્ધા અને અમાપ ધીરજ વડે અનેક મુશ્કેલીઓ અને પડકારો નો સામનો કરી પોતાના લક્ષ્યાંક સુધી પહોંચેલા હોય છે.
મને પણ આવા એક વ્યકિતત્વને મળવાની તક મળી હતી જે અહીં વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ ગણી શકાય એમની વાત હું અહીં વર્ણવું છું. જેથી આજના સ્પર્ધાત્મક યુગના પણ વિદ્યાર્થી નિષ્ફળતા મળવાથી નાસીપાસ થવાને બદલે હિંમતથી આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે અને સફળ થઇ શકે.
સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરિવારનો છોકરો ભણવામાં તો સામાન્ય કરતા પણ નીચો હતો ધો. 10 સુધીનો અભ્યાસ સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો. 10 ના એના પરિણામમાં તેણે પોતાની વિદ્વતા નો પરિચય બધાને કરાવ્યો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણેય મહત્વના વિષયોમાં 100 માંથી 35 માર્કસ આવ્યા આ બંદાને સ્વાભાવિક છે કે માર્કશીટ જોઇને કોઇ સ્કુલ એડમિશન આપવા તૈયાર નહોતી કરાણ કે આવા નબળા વિદ્યાર્થીને એડમિશન આપીને ભલા કઇ શાળા પોતાનું પરિણામ બગાડે ?
સાયન્સ કે કોર્મસનો તો વિચાર જ ન કરી શકાય આ પરિણામના આધારે આ મિત્રએ આર્ટસ રાખ્યું અંગ્રેજી એટલું બધું નબળું હતું કે ફોર્મ ભરતી વખતે એના નામનો પહેલો અક્ષર કેપીટલ ને બદલે સ્મોલ કરેલો અને છેલ્લો અક્ષર સ્મોલ ને બદલે કેપીટલ કરેલો. તેમ છતાં તેણે અંગ્રેજી વિષય સાથે જ આર્ટસ કરવાનો વિચાર કર્યો. બસ અહીંથી આ વાતનો બદલાવ આવે છે મને કેમ અંગ્રેજી ના આવડે ? જો સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહીં ? મારું અંગ્રેજી કેમ ન સુધરે ? અને એણે સખ મહેનત શરૂ કરી બી.એ. પછી એમ.એ. અને બી.એડ. કર્યું વિદ્યાસહાયક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં 2500 રૂપિયાના ફિકસ પગારમાં નોકરી શરૂ કરી.
અહીંયા એના દિમાગમાં એક સ્વપનબીજ રોપાયું મારે સામાન્ય શિક્ષક તરીકે નહીં પરંતુ આઇએસ બનીને કલેકટર તરીકે કામ કરવું છે. ધો. 10 માં માંડ માંડ પાસ થયેલા આ શિક્ષક મિત્રએ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નકકી કર્યું. રોજની 12 થી 14 કલાકની મહેનત કરે નોકરી પણ મુકી દીધી. પ્રથમવાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજીવાર નાપાસ, ત્રીજીવાર નાપાસ, ચોથીવાર નાપાસ.. હવે તો હદ થાય વારંવારની નિષ્ફળતા પછી પણ પ્રયાસ ચાલુ રાખ્યા. કદાચ આ પંકિતઓ આપણા આ મિત્ર માટે જ લખાઇ હશે.
” સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહીં લાવું,
હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.
અને પાંચમા પ્રયાસે આ મિત્રએ પોતાની મંઝીલને લાત મારી દેશની સર્વોચ્ચ ગણાતી યુપીએસસીની પરિક્ષા પાસ કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઇએએસ કેડર જ મળી અને ગુજરાત રાજય જ મળ્યું. આ વિદ્યાર્થી એટલે ગુજરાતમાં આઇએએસ તરીકે ફરજ બજાવતા
શ્રી તુષાર સુમેરા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
શ્રી તુષાર સુમેરાનું પહેલું પોસ્ટિંગ અમરેલી જિલ્લામાં આસી. કલેકટર તરીકે થયું હતું. ત્યારબાદ તેમની બદલી મોરબી જિલ્લામાં થઇ હતી. હાલમાં તેઓ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારી જિલ્લામાં ફરજ બજાવે છે.
મિત્રો, જો મનોબળ મજબૂત હોય તો સખત મહેનત દ્વારા સામાન્યમાંથી અસામાન્ય બની શકાય છે.

–  આલેખન : કામળીયા જીતુ વી.
શ્રી સ્વામીનારયણ ગુરુકુળ
રાજકોટ
મો. નં. 962421 03 07

NO COMMENTS