મૌન ની પણ એક તાકાત છે : છ.શા. વિરાણી બહેરામૂંગા શાળા

0
50
virani bahra munga sada-rajkot
virani bahra munga sada-rajkot

(આસ્થા મેગેઝીન-જય ભટ્ટ-ધ્રુવ કુંડેલ)

કહેવાય છે કે, જયારે કુદરત કોઇપણ વ્યકિતનો એક રસ્તો બંધ કરે છે ત્યારે બીજો રસ્તો ખોલી પહેલો રસ્તો બંધ કરે છે. આવી જ રીતે કુદરત પણ કોઇ વ્યકિત પાસેથી કશું છીનવે છે તો સામે તેને તેનાથી ડબલ શકિત આપી દે છે. દરેક મનુષ્યમાં ભગવાને કંઇક ને કંઇક અથાગ શકિત મૂકેલી છે. બસ જરૂર છે તેને ઓળખવાની સામાન્ય રીતે મનુષ્ય કુદરતને આધિન હોય છે પરંતુ જયાં કુદરત જ સાથ નથી આપતી ત્યારે માણસ લાચાર બની બેસી જાય છે. આવા સમયે પરમાત્મા ની પણ એક ફરજ હોય છે કે મનુષ્ય માં કંઇક સર્વશ્રેષ્ઠ કરવાની શકિત આપવાની નહીં તો કુદરત પણ કુદરત ના કાનુન મુજબ ગુનેગાર સાબિત થાય છે.
આવા જ કિસ્સાઓમાં રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત શ્રી અને શ્રીમતી છગનલાલ શામજીભાઇ વિરાણી બહેરામૂંગા શાળા ટ્રસ્ટ પ0 વર્ષ પહેલા જયારે સામાન્ય બાળકોને પણ પૂરતુ શિક્ષણનો અભાવ હતો ત્યારે બહેરા મૂંગા બાળકો ને શિક્ષણ આપવું તે તો એક સ્વપ્ન હતું. પીઢ ગાંધીવાદી પુરષોતમભાઇ ગાંધી અને ડો.પી.વી.દોશી બન્નેને એક વિચાર આવ્યો કે મુક બધિર બાળકોને શિક્ષણ આપવા કંઇક કરવું જોઇએ. સમાજ સેવામાં બન્નેના વિચારો એક સરખા નિ:સ્વાર્થ ભાવે સેવા કરવાના ભાવ હોવાથી આ બન્ને વડિલોએ મૂકબધીર બાળકોને ભણાવાનો પ્રારંભ રાષ્ટ્રીય શાળાના એક ખંડમાં 1960 માં કર્યો હતો. સ્વ. છગનભાઇ વિરાણી ના પુત્રો ભૂતપભાઇ-જયંતીભાઇ, શશિકાંતભાઇ પાસેથી 51 હજારની રકમનું દાન પ્રાપ્ત થયું હતું. અને તે સમયના મેયર સ્વ. અરવિંદભાઇ મણિયારના સહયોગ થી ઢેબર રોડ ખાતે છ હજાર વાર ચો.મી. જમીન ટોકનદરે ફાળવવામાં આવી. આ શાળાનો પ્રારંભ 1961 ના રેંટીયા બારસના દિવસે 2 ઓકટો. થી કરવામાં આવ્યો હતો. પ્રારંભે આ સ્કૂલની શરુઆત માત્ર ત્રણ બાળકો થી કરાઇ હતી બાદમાં આજુ બાજુના ગામડાઓથી પણ અભ્યાસ માટે મૂકબધીર બાળકો આવવા માંડયા. બાદમાં સંખ્યામાં વધારો થતા વર્ગખંડ ઉભો કરાયો. છાત્રાલય અને રસોડુ તેમજ અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી .
અનેક સંસ્થાઓના સહયોગથી આ સંસ્થા એક નાના છોડ માંથી વટવૃક્ષ બનતા વાર ન લાગી. લોકોના સહકાર થી મળતા દાન મુજબ મૂકબધીરોની જરુરીયાતો પૂર્ણ થતી ગઇ. શરુઆતમાં બાલમંદિર થી પ્રાથમિક સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. 1999 થી ધો. 8 અને 9 ના વર્ગો નો પ્રારંભ કરાયો હતો. 2006 થી પી.વી. દોશી મુકબધીર મા. સ્વનિર્ભર શાળાનો વિધિવત શરૂ કરાઇ હતી. આ શાળામાં મૂકબધીર બાળકોને શરુઆતમાં નર્સરીમાં શબ્દની ઓળખ, વાતાવરણની ઓળખ વગેરે માટે વધુમાં વધુ ચીત્રો દ્વારા શીખડાવામાં આવે છે.
બાળકને એક શબ્દ શિખવા માટે આખો દિવસ જતો રહે છે. આ બાળકોનો અભ્યાસક્રમ સામાન્ય બાળકની જેમ જ અભ્યાસ કરાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, મૂકબધીર બાળકો માટેનો અભ્યાસક્રમ હોવો જોઇએ તેવી માંગણી સંતોષાણી નથી. અભ્યાસ ની સાથો સાથ મૂકબધીર બાળકોને સ્વનિર્ભર બનાવવા માટે ની પણ તાલીમ આપવામાં આવી રહી છે. આ બાળકોને તાલીમ જેવી કે, શીવણ, ચિત્રકામ, બ્યુટીપાર્લર, કમ્પ્યુટર, હેન્ડીક્રાફટ શિક્ષણના ભાગરુપે આપવામાં આવે છે.
આ વર્ષે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ઇન્ટરનેટ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. સંસ્થાની વિશેષતા એ છે કે, શાળામાંથી ભણી ગયેલ પાંચ મૂક બધીરોને સંસ્થામાં જ નોકરી આપવામાં આવે છે. અને તે લોકો પોતાના નાના ભાઇ બહેનને જુદી જુદી ટ્રેનિંગ આપતા હોય છે. વધુ અભ્યાસ ડિપ્લોમાં કરવા માટે દિલ્હી-મુંબઇ જવું પડતું હોય છે. બધા વાલીઓને ખર્ચ ન પરવળતો હોય ફકત એક ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. આ સંસ્થા માં જે શિક્ષકો તેમજ કર્મચારીઓ પોતાની ફરજ બજાવે છે તેમનું માસિક વેતન બહુ જ સામાન્ય છે. સંસ્થાએ સરકારની ઘણી વખત ધ્યાન દોર્યું છે કે, આ શિક્ષકો નો પગાર પણ બીજા શિક્ષકો જેટલો જ હોવો જોઇએ.

    પ્રિન્સીપાલ : શ્રીમતી સ્વાતીબેન રવાણી

swati ravani
swati ravani

હાલમાં સ્વાતીબેન રવાણી સંસ્થામાં છેલ્લા પાંચ વર્ષથી પોતાની ફરજ બજાવે છે તેમનું લક્ષ્ય તે જ છે કે આ બાળકો વધુ માં વધુ ભણે અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે આવા બાળકો માટે ફરજ સાથે સેવા કરવાની ઇશ્ર્વરે તક આપી છે. તે માટે હું મનોમન ઇશ્ર્વરનો આભાર માનું છું. આ સંસ્થાની હજુ પણ નવી ઉંચાઇએ લઇ જવા માટે અમારો સંકલ્પ છે. તે અમો શાળા પરિવાર સાકાર કરી ને રહીશું. અને શાળાના છાત્રોને સમાજમાં એક સ્થાન પામે તે માટે અમો અથાગ પ્રયત્નશીલ બનીએ છીએ. સંસ્થા અમારું મંદિર છે બાળકો અમારા ઇશ્ર્વર છે. અને બાળકો ની પ્રગતિ તે અમારી પ્રસાદી છે.

આ સંસ્થા માટે આપણો સમાજ જેટલું યોગદાન આપીએ તેટલું ઓછું છે ત્યારે પ્રસંગોપાત સંસ્થાને યાદ કરી ભવિષ્યમાં થનાર નિર્માણકાર્ય જેવા કે, કલાસરૂમ એક્ષ્ટેનશન, ભોજન શાળા રિનોવેશન, ઉદ્યોગગૃહ, છાત્રાલય વગેરે માં સંસ્થાને દાન મળી રહે તેવી સંસ્થા દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવી છે. ફોરેન કરન્સી તેમજ ભારતમાંથી મળેલ દાન માટે ભારત સરકારના કાયદા મુજબ એફ.સી.આર. રજી. નં. 040080065 છે.
સંસ્થા ને હાલની મુશ્કેલીમાં 15 બાળકોએ 1 શિક્ષક હોવું જરૂરી છે ત્યારે હાલની સ્થિતિ મુજબ એક વર્ગખંડમાં એક વર્ગશિક્ષક છે. પરંતુ હાલમાં શિક્ષકોની ભરતી ન થવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સંસ્થામાં બહારગામથી આવતા છાત્રો માટે ઘર જેવી જ સુવિધા તેમજ અતિ ગુણવતાસભર ભોજન આપવામાં આવી રહ્યું છે.
દર શનિવાર તેમજ રવિવારે તેમજ વાર તહેવારે બહારગામ ના વિદ્યાર્થીઓના વાલીઓને મુલાકાતનો સમય ફાળવવામાં આવે છે. સંસ્થામાં પ્રવેશ માટે કોઇ ઉંમર બાદ્ય હોતી નથી. ફકત મૂકબધીર હોવાનું પ્રમાણપત્ર જરુરી હોય છે. સ્કૂલના જણાવ્યાનુસાર : અમુક બાળકો જન્મજાત બહેરા મૂંગા હોય છે. તેનું મુળ કારણ પ્રેગનેન્સી દરમિયાન માતાએ પુરતી સાળ સંભાળ ન લીધી હોય. બાળક જયારે જન્મે છે ત્યારે મૂકબધીર હોય તે માતા પિતા સ્વિકારી શકતા નથી. અને બાદમાં વધુ પડતા અંધવિશ્ર્વાસ તરફ વળે છે. અને ત્યારબાદ આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે આવે છે. આવા કિસ્સામાં બાળકનું ભવિષ્ય વધારે ઘૂંધળૂ બનતું જતું હોય છે. માટે જન્મજાત આવા બાળકો માટે અંધવિશ્ર્વાસને મૂકી શરૂઆતથી જ બાળક માટે યોગ્ય રસ્તો અને કેળવણી તરફ આગળ વધવું જોઇએ.
હાલમાં સમય સાથે બદલાવ અને લોકોની સમાજ પ્રત્યેની જવાબદારી અને નિષ્ઠાના કારણે આવા બાળકો જયારે મોટા થાય છે ત્યારે કોર્પોરેટ કંપની, અન્ય સંસ્થા પણ પોતાને ત્યાં નોકરી ઉપર રાખતી હોય છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ, ભાવનગર, કચ્છમાં થોડી કંપની છે કે જે માત્ર મૂકબધીરો બાળકો કે જે આ સંસ્થામાં અભ્યાસ કર્યો હોય તેમને ત્યાં પ્લેસમેન્ટ આપે છે. આ સંસ્થામાં ભણવા માટે બાળકો પાસેથી એક પણ જાતની ફિ વસૂલવામાં આવતી નથી. અને તમામ પુસ્તકો અને અન્ય જરુરીયાતની વસ્તુ નિ:શૂલ્ક આપવામાં આવે છે. આ સંસ્થામાં બાળકો સાથે સ્ટાફ દ્વારા અતિ પ્રેમાળભર્યું, હૂંક અને લાગણીસભર વર્તન કરવામા આવે છે. તેમજ દરેક તહેવારો અને ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવણી પરિવારની માફક કરવામાં આવે છે.
–  છ.શા. વિરાણી બહેરામૂંગા શાળા ટ્રસ્ટ
સ્વામિનારાયણ ગુરુકુળ પાસે, ઢેબરભાઇ રોડ, રાજકોટ
ફોન : 0281-2361638

NO COMMENTS