ગુજરાત-સૌરાષ્ટ્રમાં પાણી ની મોકાણ..!

0
774
water problem in gujarat

(આસ્થા મેગેઝીન-રાજકોટ)

ઊનાળો શરૂ થતાં ની સાથે જ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાણી ની મોકાણ ચાલુ થઇ જાય છે. નાનામાં નાનું ગામ હોય કે શહેર જયાં પાણીની સમસ્યા ન થતી હોય તેવું બનતું નથી. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે પાણીના તળ સાવ સુકાતા જાય છે. સરકાર દ્વારા પ્રજાને ઠાલા વચનો આપી ચૂંટણી જીત્યા બાદ નેતાઓ નપાણીયા થઇ જાય છે. આજે આપણે જોઇએ તો સૌરાષ્ટ્રના ગામડાઓમાં કે જયાં એક પાણીના બેડા માટે પણ માઇલો સુધી જવું પડે છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા બોર ડુકી ગયા હોય છે. તળાવ, જળાશયો અને કુવા પણ સદંતર સુકાવા લાગે છે. ખેતરમાં પાણી તો ઠીક પીવાના પાણી માટે પણ સરકાર ટેન્કર (અનિયમિત) દોડાવવા લાગે છે.
જયારે એક ગામમાં દરરોજ ના એક પાણીના ટેન્કરની જરૂરીયાત હોય ત્યારે સરકાર દ્વારા ત્રણ દિવસે કે ચાર દિવસે પાણી પુરુ પડાતું હોય છે. સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે. આટલા ગેલન પાણી નર્મદા યોજનામાંથી લાવીશું..! હવે કોઇ પ્રજા પાણી વગર નહિં રહે…! ચોવીસ કલાક પાણીની સુવિધા અપાશે..! જેવા વાકયો આપણે વારંવાર સાંભળતા અને વાંચતા હોઇએ છીએ. જયારે છેવાડાના વિસ્તારમાં તો પાણી ની અન્ય ઋતુ માં પણ સુવિધા નથી ત્યારે તો ઊનાળામાં શું હાલત થતી હશે..? સૌરાષ્ટ્ર નો મોટા માં મોટો પ્રાથમિક પ્રશ્ર્ન હોય તો તે પાણી છે. પાણી વગર માણસ કઇ રીતે જીવન ગુજારી શકે ? હાલમાં નાના ગામડાઓ અને તાલુકા મથકો એ સરકારની નિષ્ફળ કામગીરી અને પાણી પ્રશ્ર્ને બેડા સરઘસ અને રસ્તા રોકો કલેકટર, મામલતદાર ને આવેદનપત્ર જેવા કાર્યક્રમો યોજાઇ છે. પરંતુ આનાથી કશો ફરક પડતો નથી.
મોરબી સહિતના અનેક વિસ્તારોને જયાંથી પાણી વિતરણ કરાય છે. તે ખીરઇ પમ્પીંગ સ્ટેશનનો પંપ બદલવાની જરુર હોવાથી કામગીરી ચાલી હતી. લોકોને ટેન્કર દ્વારા પાણી વિતરણ કરાયું હતું. જયારે રાજકોટ સહિત ના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ચાલુ વર્ષે નર્મદાના પાણી વિતરણમાં છેલ્લા બે માસથી ધાંધિયા શરુ થયા છે. જયારે
હળવદ ની આસપાસ ના ગામોમાં પણ તંત્રના પાપે લોકો તરસ્યા રહે છે. મોરબી, માળીયા, વાંકાનેર જેવા પંથકમાં તો તંત્ર દ્વારા કોઇને કોઇ બ્હાને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. અને અસંખ્ય ગામો પાણી વગરના રહે છે. જયારે રાજકોટના રાણસીકી ગામે પાણીના પ્રશ્ર્ને મહિલાઓએ ગામ બંધ રાખી બેડાઓ લઇ સડકો ઉપર ઉતરી આવી હતી. ભાજપ સરકાર દ્વારા 24 કલાક પાણી પુરુ પાડવાના વાયદા તો કરેલ હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ર્ને રોષ જોવા મળી રહ્યો છે. લોકો ઉનાળાની શરુથી જ પાણી માટે વલખા મારી રહ્યાં છે. રાણસીકી ગામમાં 2005 થી નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી છે. પરંતુ 12 વર્ષ વીતી ગયા છતાં પાણીનું એક ટીપું પણ ગામલોકોને મળ્યું નથી. આ પ્રશ્ર્ને ગામલોકોએ કલેકટર અને સરકારને અનેક વખત રજૂઆતો પણ કરી છે. લોકો દ્વારા અનેક વખત નેતાઓ તથા સરકારી બાબુ તેમજ મંત્રીઓ તેમજ અનેક સત્તાધીશોને રજૂઆત કરી છે. પરંતુ જાડી ચામડી વાળા નેતાઓ ને શું ફરક પડે ? તેમના ઘરે તો રેગ્યુલર પાણી મળતું હોય છે.
જયારે રાજકોટ શહેરને પાણી પુરુ પાડતો ન્યારી-1 ડેમ માં પણ હવે તળિયું દેખાઇ ગયું છે.
જયારે ન્યારી-2 માં પણ એવી જ સ્થિતી છે. જો થોડા દિવસ માં નર્મદાના નીર નહિં મળે તો રાજકોટ ઉપર પણ પાણીકાપ લાગુ કરાશે. જયારે રાજકોટ માટે નર્મદાની લાઇનમાંથી પણ પાણી ચોરી થઇ રહ્યં ુ હોવાની ફરિયાદો મળી આવતી હોય છે. રાજકોટના મવડી, રૈયાધાર, સામાકાંઠા વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. હાલતા નર્મદાની પાઇપલાઇન તૂટતી હોય છે છતાં પણ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ભરાતા હોતા નથી. બીજી બાજુ સૌરાષ્ટ્રના વાંકાનેર, મોરબી, પંથકમાં તો તળ સાવ સૂકાઇ ગયા છે. બીજી બાજુ ધાંગધ્રા, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ માં પણ પાણીની આજ રીતની મોંકાણ ચાલુ થઇ ગઇ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, દ્વારા પાણીના ટેન્કરો ચાલુ કરી દેવાયા છે. છતાં પણ લોકોને પૂરતા અને નિયમિત પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. સરકાર દ્વારા કરવામાં આવેલા બોર ની કોઇપણ જાતની જાળવણી ન થતી હોવાના કારણે બોર પણ મોટાભાગના બગડી ગયા છે. જયારે ખેડૂતો માટે તો આ દિવસો કપરા સાબિત થઇ રહ્યા છે. બીજી બાજુ સાસણ-ગીર, વિસાવદર, પંથકમાં પશુઓની સ્થિતી પણ દયાજનક છે. સાસણ ખાતે જંગલ ખાતા દ્વારા
વન્ય પશુઓ માટે પાણીના નાના હોજ બનાવાયા છે પરંતુ તે પણ પુરતા પ્રમાણમાં પાણીથી ભરેલા હોતા નથી. ભાવનગર પંથક માં પણ પાણીની ઉનાળા દરમિયાન ખરાબ સ્થિતી સર્જાય છે. જયારે કચ્છ માં ભૂજ,ગાંધીધામ ખાતે પાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા કચ્છ પાણી વગર વેર વિખેર થઇ રહ્યું છે. જયારે જામનગર જિલ્લાના ધ્રોલ-જોડિયા પંથકમાં તો બહુ કરુણ સ્થિતી છે. માણસો ને વપરાશ નું તો ઠીક પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. છતાં પણ સરકાર દ્વારા કોઇ નક્કર પગલા લેવતા નથી. બોર રીચાર્જ, તળાવ નું ખોદકામ, પાણીના સ્ત્રોત વધારવા માટે કોઇ યોજનાઓ બસ માત્ર ઠાલા વચનો દ્વારા પ્રજાને સાંત્વના આપી રહ્યા છે.

NO COMMENTS