પ્રાણાયામ શું ? શા માટે ? અને કેવી રીતે ?

0
887

પ્રાણાયામનો અર્થ પ્રાણનો આયામ એટલે પ્રાણનો વિસ્તાર કરવો એવો થાય છે. મહર્ષિ પતંજલિએ પ્રાણાયામની વ્યાખ્યા આપતા પાતાંજલ યોગસૂત્રના સાધનાપદના 49મા સૂત્રમાં લખ્યું છે. શ્ર્વાસોચ્છવાસની ગતિનો વિચ્છેદ કરી પ્રાણને રોકવો તેનું નામ પ્રાણાયામ. કેટલાંક લોકોની માન્યતા પ્રમાણે પ્રાણ શબ્દનો અર્થ કેવળ વાયુ જ થાય છે, પણ એ માન્યતા ભ્રામક છે. પ્રાણ શબ્દનો અર્થ વાયુ કરતા વધારે વ્યાપક છે. પ્રાણ તો વાસ્તવમાં પ્રાણશકિત અથવા જીવનશકિત છે, જે સ્થૂળ પૃથ્વી પર પ્રત્યેક વસ્તુનું સંચાલન કરતી જોવામાં આવે છે. એ જગતમાં વિચારના રુપમાં રહે છે. બીજી રીતે જોઇએ તો પ્રાણનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બુદ્ધિ સાથે, બુદ્ધિનો સંબંધ આત્મા સાથે અને આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે. આ રીતે પ્રાણાયામનો ઉદેશ શરીરમાં વ્યાપ્ત પ્રાણશકિતને ઉત્પ્રેરિત, સંચારિત, નિયમિત અને સંતુલિત કરવાનો છે. એટલા માટે જ પ્રાણાયામને યોગવિજ્ઞાનનું સાધન ગણવામાં આવ્યું છે.

પ્રાણાયામનું મહત્વ : યોગશાસ્ત્રોમાં પ્રાણાયામને મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાણાયામ કરતા મોટું કોઇ તપ નથી. એનાથી મળ દૂર થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે. મનુએ પણ કહ્યું છે.
જેવી રીતે અગ્નિમાં સોનું વગેરે ધાતુઓ ગાળવાથી તેમનો મેલ દૂર થાય છે તેવી જ રીતે પ્રાણાયામ કરવથી શરીરની ઇન્દ્રિયોનો મળ દૂર થાય છે. પ્રાણાયામ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગયોગ નું ચોથું અને અતિ મહત્વનું અંગ છે. જો કોઇ પણ યોગ પ્રાણાયામનો બહિષ્કાર કરે તો તે યોગ જ ન રહે. એટલા માટે જ પ્રાણાયામ યોગનો આત્મા છે. જેવી રીતે શરીરની શુદ્ધિ માટે સ્નાન કરીએ છીએ તેવી જ રીતે મનની શુદ્ધિ માટે પ્રાણાયામ જરુરી છે.

પ્રાણાયામના ફાયદા :
– પ્રાણાયામથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, સ્મરણશકિત વધે છે. માનસિક રોગો દૂર થાય છે.
– પ્રાણાયામથી શરીર સ્વસ્થ તથા નિરોગી રહે છે. વધુ પડતી ચરબી ઘટે છ.ે
– પ્રાણાયામથી પેટ,યકૃત, મુત્રાશય, નાનું તેમજ મોટું એ બે આંતરડા અને પાચનતંત્ર સારી રીતે પ્રભાવિત થાય છે. તથા કાર્યક્ષમ બને છે.
– પ્રાણાયામથી નાડીઓ શુદ્ધ થાય છે એ શરીરમાંથી સુસ્તી દૂર થાય છે.
– પ્રાણાયામથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, શરીર તંદુરસ્ત બને છે અને અંતર્નાદ સાંભળાવા માંડે છે.
– પ્રાણાયામના અભ્યાસથી જ્ઞાનતંત્રને શકિત મળે છે.
– પ્રાણાયામથી મનની ચંચળતા દૂર થાય છે અને મન એકાગ્ર બને છે.
– પ્રાણાયામનો નિરંતર કરાતો અભ્યાસ આધ્યાત્મિક શકિત જગાડે છે.
– પ્રાણાયામ કરનાર વ્યકિત આત્મિક આનંદ, આત્મપ્રકાશ અને બ્રહ્મચર્ય પાળવા તૈયાર થાય છે અને સાચા અર્થમાં બ્રહ્મચારી બને છે.

પ્રાણાયામના સૂચનો :
– પ્રાણાયામ કરવા માટેનું સ્થાન એકાંતમાં અને સારી રીતે હવાઉજાસ વાળું હોવું જોઇએ.
– પ્રાણાયામ કરવાનો સર્વશ્રેષ્ઠ સમય પ્રાત:કાળ ગણાય છે. જો કોઇ કારણોસર સવારે ન થાય તો સાંજે પણ કરી શકાય છે.
– ઉત્તમ રીતે પ્રાણાયામ કરવા માટે નાડીઓ શુદ્ધિ જરુરી છે. તેથી જ કહેવામાં આવ્યું છે. નાડીશુદ્ધિ કર્યા પછી પ્રાણાયામની સાધના કરવી. આ માટે પ્રથમ આસનનો અભ્યાસ કરવો.
– પ્રાણાયામનો અભ્યાસ મોટો ભાગે પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસીને કરવાનો હોય છે. પણ જો આ આસનમાં લાંબા સમય સુધી બેસવામાં મુશ્કેલી પડતી હોય તો સ્થિર બેસી શકાય તેવું કોઇ પણ આસન પસંદ કરી શકાય
– પ્રાણાયામ નકકી કરેલા સમયે, નિયમિત અને ભૂખ્યા પેટે જ કરવો જોઇએ. પ્રાણાયામના અંતે દસ મિનિટ પછી એક નાનો કપ દૂધ લેવામાં આવે તો સારું રહે.
– થાક લાગે એટલો પ્રાણાયામ કદી ન કરો. પ્રાણાયામના અંતે શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવવાં જોઇએ.
-પ્રાણાયામ કર્યા બાદ તરત જ સ્નાન કરો. અડધો કલાક આરામ કર્યા પછી સ્નાન કરો.
– શ્ર્વાસ હંમેશા બહુ જ ધીમેથી લેવો એ છોડવો એમ મહર્ષિ પતંજલિએ કહ્યું છે એમ કરવાની મન સ્થિર અને શાંત થાય છે.
– નવાં સાધકોએ પ્રારંભમાં થોડા દિવસ સુધી કેવળ પૂરક અને રેચકનો જ અભ્યાસ કરવો. પૂરક (લેવો) અને રેચક (છોડવો) મા અનુક્રમે એક અને બે માત્રાનો હિસાબ રાખવો. એટલે કે પૂરકમાં જેટલો સમય થાય તેથી બમણો સમય રેચકમાં જોઇએ.
– કુંભકનો સમય ધીરે ધીરે વધારો. પહેલા સપ્તાહમાં ચાર સેંકડ, બીજા સપ્તાહમાં આઠ સેંકડ અને ત્રીજા સપ્તાહમાં બાર સેંકડ સુધી શ્ર્વાસ રોકવાનો અભ્યાસ કરો. આ રીતે વધારતા પોતાની શકિતના પ્રમાણમાં આરામથી શ્ર્વાસ રોકવાનો અભ્યાસ કરો.
– પૂરક, કૂંભક અને રેચકનો અભ્યાસ એવી રીતે કરો કે અભ્યાસની સાથે કોઇપણ અવસ્થામાં શ્ર્વાસ ઘૂટાવાનો અનુભવ ન થાય અથવા કોઇપણ જાતનું કષ્ટ માલૂમ ન પડે.
– પૂરક, કૂંભક અને રેચક માટે 1:4:2 નું પ્રમાણ જાળવો એક ઓમકાર બોલતા સુધી શ્ર્વાસ રોકો અને બે ઓમકાર બોલતાં બોલતાં ઉચ્છવાસ બહાર કાઢો. બીજે અઠવાડિયે 2:8:4, ત્રીજે અઠવાડીયે 3:12:6 એમ વધતાં વધતાં 12:64:32 ના પ્રમાણ સુધી પહોંચવું. ડાબા હાથની આંગળીઓ ઓમ ગણવામાં ઉપયોગ કરો. અભ્યાસમાં આગળ વધ્યા પછી ગણવાની જરુર નથી. ટેવ પડી જતાં આ પ્રમાણ આપોઆપ જળવાઇ રહે છે.
– શરુઆતમાં થોડી ભૂલો થશે : પણ તેની ચિંતા કરવી નહિં. ખોટું ગભરાવું નહિં. અભ્યાસ મુકી દેવો નહિં. ધીરેધીરે પૂરક, કુંભક અને રેચકને કેવી રીતે મેળવવા તે આપોઆપ આવાજસિધ્ધિનો માર્ગ બતાવશે.
– સુર્યભેદન અને ઉજજાયી પ્રાણાયામ શિયાળામાં જ કરવા જોઇએ. સીત્કારી અને શીતલી ઉનાળામાં જ કરવા જોઇએ. ભસ્મિકા પ્રાણાયામ બધી ઋતુમાં કરી શકાય.

પ્રાણાયામની વિધિ અને પ્રકારો :
પ્રાણાયામ કરવા માટે નાકના ડાબા અને જમણા નાસિકાપુર બંધ કરવાના ોય છે. મોટા ભાગે જમણા હાથથી આ કામ કરવામાં આવે છે એટલે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ જમણા નાસિકાપુટને બંધ કરવામાં અને અનામિકા તથા કનિષ્ઠિકા (અંગૂઠાથી ક્રમશ: ત્રીજી અને ચોથી આંગળી ) નો ઉપયોગ ડાબા નાસિકાપુટને બંધ કરવામાં થાય છે. જયારે નાસિકાપુટોને પકડવાની જરુર ન હોય ત્યારે બંને હાથ ઢીંચણ પર રાખો. શકય હોય ત્યાંસુધી પ્રાણાયામ કરવા માટે પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાશન અને સુખાસન ઉપયોગ કરો.
પ્રાણાયામ એટલે કુંભકના ઘણા પ્રકારો છે. યોગશાસ્ત્રમાં આ આઠ કુંભકો પ્રાણાયામના મુખ્ય ગણવામાં આવે છે. સુર્યભેદન, ઉજ્જામયી, સીત્કારી, શીતલી, ભસ્ત્રિકા, ભ્રામરી, મૂર્ચ્છા, પ્લાવિની આમ પ્રાણાયામ દ્વારા ફેંફસામાં યોગ્ય રીતે પ્રસારણ અને સંકોચન કરી શકાય છે. તેથી ફેફસાંને વધારે પ્રાણવાયુ મળે છે, શરીર નીરોગી બને છે અને મન પ્રફુલ્લિત થાય છે. એટલા માટે દરેક યોગાભ્યાસીને પ્રાણાયામનું જ્ઞાન હોય તે અત્યંત આવશ્યક છે.

NO COMMENTS